તા.૩ ડિસેમ્બર વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્રારા આયોજીત જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય, લગ્ન સહાય અને વિશેષ સિધ્ધી મેળવનાર દિવ્યાંગોને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રીએ દિવ્યાંગોને વિશ્ર્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્રારા દિવ્યાંગો માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. જેનો વધુમાં વધુ લાભ લઈ દિવ્યાંગોએ તેમની પ્રગતિ કરવી જોઈએ. આમ વ્યક્તિની જેમ જ દિવ્યાંગોને સમાજમાં મહત્વ આપવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે કહ્યું હતું કે, દિવ્યાંગ લોકોમા કોઈ ખાસ પ્રકારની વિશેષ સિધ્ધી છુપાયેલી હોય છે, તેને માત્ર વિકસાવવાની જરૂરીયાત છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલે તેમનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિવ્યાંગોએ સંપુર્ણપણે સરકાર પર નિર્ભર ન રહેવું જોઈએ. આજે ઘણા બધા ક્ષેત્રોમાં દિવ્યાંગોએ સિધ્ધી મેળવી પ્રેરણાસ્ત્રોત બન્યા છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એચ.આર.મૌર્યએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ૩ જી ડિસેમ્બરને વિશ્ર્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજે આ દિવસની ઉજવણી કરી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દિવ્યાંગ દંપતિ જયંતીભાઈ વાઘ અને કાન્તાબેનને રૂા.૧ લાખ, જશુબેન વાળાને રૂા.૫૦ હજાર, કાજલબેન પરમારને રૂા.૫૦ હજાર અને નીશાબેન બારડને રૂા.૫૦ હજારનો દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયો હતો. દિવ્યાંગ સાધન સહાયમાં અરજનભાઈ ચુડાસમાને સિલાઈ મશીન, મેવાડા ભરતભાઈને સિલાઈ મશીન, બાબુભાઈ રાઠોડને સાઈકલ અને રજાકભાઈ મુસાણીને સાઈકલ રીપેરીંગ કીટ આપવામાં આવી હતી. સંત સુરદાસ યોજનાના લાભાર્થી હમીરભાઈ રામ, કિત્રાભાઈ સોલંકી અને પ્રિયંકાબેન વાળાને દિવ્યાંગ પેન્શન મંજુરી હુકમ પત્રો અર્પણ કરાયા હતા. દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતી સ્વેચ્છિક સંસ્થાના આરીફ ચાવડા, એકતાબેન જાદવ, જગદિશભાઈ વાઘેલા, દિવ્યાંગ કલ્યાણકારી યોજનાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મુકેશકુમાર રાઠોડ, ચિરાગભાઈ પરમાર, ચક્રફેકમાં ગોવિંદભાઈ વાણવી, તબલાક્ષેત્રે સારો દેખાવ કરનાર દિવ્યાંગ પિંકલ ડોડીયા, ભાલાફેકમાં અરજણ બાંભણીયા, ગોળાફેકમાં કાનાભાઈ બાંભણીયા, ૪૦૦ મીટર દોડમાં રીધ્ધીબેન વાળા, ગોળાફેંકમાં જોસનાબેન જાદવ અને મનો દિવ્યાંગ ચાહના સંચાણીયાએ ગીત પર નૃત્ય રજુ કરતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી નીતીન સાંગવાન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રિયંકાબેન પરમાર, સામાજીક ન્યાય સમિતીના ચેરમેનશ્રી કિરણબેન સોસા સહિત મોટી સંખ્યામાં જિલ્લાભર માંથી દિવ્યાંગો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોટેકશન ઓફિસર એમ.એ.ગૌસ્વામીએ કર્યું હતું