આઈનસ્ટાઈનને એકવાર કોઈએ પૂછ્યું કે ‘જીવનમાં સફળ થવા માટે શું કરવું જોઈએ?’ ત્યારે આઈનસ્ટાઈને જવાબ આપ્યો –
‘જીવનમાં સફળ થવા માટેના સાત પગથિયાં છે. ૧.ધ્યેય ૨.શ્રદ્ધા ૩.આયોજન ૪.શ્રમ ૫.શ્રમ ૬.શ્રમ ૭.શ્રમ’
પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરનાર ધીરુભાઈ અંબાણી હોય કે ક્રિકેટમાં વિશ્વનાં તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર સચિન તેંડુલકર
હોય. તેઓ પુરુષાર્થનાં બળે આગળ આવ્યા છે અને સફળતાના શિખરો સર કર્યાં છે.
અથર્વવેદમાં પણ કહ્યું છે કે મારા જમણા હાથમાં પુરુષાર્થ છે અને ડાબા હાથમાં વિજય છે. અર્થાત્ જે પુરુષાર્થ કરે છે તેને જ
વિજય પ્રાપ્ત થાય છે. જગતમાં એવું સ્પષ્ટ દેખાય છે કે જે પરસેવે નહાય છે, તેને જ સિદ્ધિ વરે છે.
આ બધા લોકોમાં આંખે ઊડીને વળગે તેવો ગુણ હોય તો તે છે પુરુષાર્થનો. કારણ ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલી આવડત
હોય, પરંતુ પુરુષાર્થ વિના બધું નકામું છે.
વિદ્યાનગરની સાયન્સ કૉલેજનાં પ્રાધ્યાપક અને ગણિતના રેંગલર એવા ડૉ. એન.એમ શાહને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે, ‘તમે
ગણિતમાં આટલી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી?’ ત્યારે ડૉ. એન.એમ શાહે જણાવ્યું કે “રોજના ૧૮ કલાક, ૨૦ વર્ષ સુધી કોઈ રવિવાર નહિ કે કોઈ
રજા નહિ.” જે સતત અને સખત પુરુષાર્થ કરે છે તે સફળતાનાં શિખરો સર કરે છે.
પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે પોતાનાં ગ્રંથ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૩૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “મનુષ્યદેહે કરીને
ન થાય એવું શું છે? જો નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય છે.”
એક મૂર્ખ વિદ્યાર્થી. વિદ્યા ચઢે જ નહિ. તે વારંવાર ગુરુજી પાસે જતો અને યાદશક્તિની રીતો વિશે પૂછતો. અંતે ગુરુજીએ તેને
એક તુંબડી ભરી તલ આપ્યા અને કહ્યું કે, ‘એક તલ લઈ એક શ્લોક બોલવો. ફરી બીજો તલ લઈ એ જ શ્લોક બોલવો. એમ આખી તુંબડી તલથી
ભરાઈ જાય ત્યાં સુધી એકનો એક શ્લોક બોલવો. તારા માટે આ જ રીત છે.’ આ વિદ્યાર્થી તો રાજી રાજી થઈ ગયો. તેણે એ પ્રમાણે એક એક શ્લોક
ગોખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સમય ઘણો લાગતો, પરંતુ તેણે શ્રદ્ધા ન ગુમાવી. ધીરે ધીરે અડધી તુંબડીએ યાદ રહેવા લાગ્યું. અંતે તે પુરુષાર્થ કરતા
કરતા મૂર્ખમાંથી મહાવિદ્વાન બન્યો. લોકો તેને તલતુંબડીયા શાસ્ત્રી કહેતા.
એટલે જ એક કવિએ કહ્યું છે કે, ‘પરસેવાને પ્રબળ રસાયણ થઈ સઘળે ફેલાવું પડશે. ભલે, ભાગ્યરેખા હોય વજ્રસમ, તેને પણ
ભૂંસાવું પડશે.’ લોકો શ્રમથી જ ધાન્ય મેળવે છે. શ્રમથી જ ભાગ્ય, વિદ્યા, ધન અને સુખ મેળવે છે. કેવળ એક પૈડાથી રથની ગતિ ન થાય. તેમ
પુરુષાર્થ વગર ભાગ્ય પણ સિદ્ધ થતું નથી.
રેન્વાર નામના ફ્રેંચ ચિત્રકાર થઈ ગયા. તેના હાથે કંપવા થયેલો. તેથી પીંછી પકડે તોય છરી ભોંકાતી હોય તેવી વેદના થતી તેમ
છતાં તેણે ચિત્રો દોરવાનું કામ ચાલું રાખેલું. તેના મિત્રે આ બધું જોઈને કહ્યું, ‘તને આટલી બધી તકલીફ પડે છે, છતાંય તું શા માટે ચિત્રો દોર્યે જાય છે.
આ મહેનત છોડ અને શાંતિથી બેસ….!’ ત્યારે રેન્વારે કહ્યું, ‘મારી આ વેદના તો વહી જશે, પણ સૌંદર્ય શાશ્વત રહેશે.’
જે પુરુષાર્થ કરવામાં ક્યારેય પણ પીછેહઠ નથી કરતા, તેમની સુવાસ આ વિશ્વમાં ફેલાય છે.
કહેવાય છે કે પાણિનિ નામના બાળકના હાથની રેખાઓ જોઈને એક જ્યોતિષી બોલ્યા હતા, ‘બેટા ! તારા હાથમાં વિદ્યાની રેખા
જ નથી. તારા નસીબમાં વિદ્યા જ નથી.’ પાણિનિએ કહ્યું કે, ‘એ રેખા ક્યાં હોય છે? મને કહો.’ જ્યોતિષીએ સૂર્યરેખાનું સ્થાન બતાવ્યું. તરત બાળક
પાણિનિએ એ જગાએ ચપ્પાથી ચીરો પાડી દીધો અને પુરુષાર્થ કરવા મંડી પડ્યો. આગળ જતાં તેઓ ઊચ્ચ કોટિનાં સંસ્કૃત વ્યાકરણના રચયિતા
થયા, જે આજે પણ જગપ્રસિદ્ધ છે.
માત્ર લૌકિકમાર્ગમાં જ નહીં, આધ્યાત્મિક માર્ગમાં, પણ પુરુષપ્રયત્ન કર્યા વિના સફળતા મળતી નથી.
વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૧૨મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે, “પુરુષપ્રયત્ન યુક્ત જે વર્તે અને
નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો અને તેને જ સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. પુરુષપ્રયત્ન છે તે જ
સર્વસાધન થકી મોટું સાધન છે.”(ક્રમશઃ)