રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળ હેલ્થ ફેસેલીએટર તરીકે નોકરી કરતી મહિલાઓના શોષણ મુદ્દે કોન્ટ્રાક્ટ અને ફીક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર દેખાવ યોજાયા હતાં. આ કર્મચારીઓને પ્રતિ દિવસના રૂપિયા ૨૦૦ લેખે મહિનામાં ૨૦ દિવસ કામ કરવા માટે રૂપિયા ૪ હજાર ચૂકવાય છે. પરંતુ કર્મચારીઓ કહે છે કે, તેમની પાસે પુરો મહિનો કામ લેવાય છે. આ મહિલાઓને કાયમીનો દરજ્જો આપવા અને માસિક ૧૬ હજાર ચૂકવવા સહિત માગણી કરાઇ છે.
સમિતિની મહિલા પાંખના પ્રમુખ ચંદ્રિકા સોલંકી સહિત ૨૫ મહિલાને પહેલા તો પોલીસે અટકાયતમાં લઇ ડબ્બામાં બેસાડી દીધા હતાં. પરંતુ બાદમાં ૩ વ્યક્તિને વિધાનસભા લઇ જવાતા નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં આવેદનપત્ર આપ્યુ હતું. મહિલા સેના પ્રમુખે કહ્યું કે ૧૧ મહિનાના કરારથી હેલ્થ ફેસેલીએટરની નિમણૂક સત્તાવાર પરીક્ષા લઇને કરાય છે. જેની નીચે ૧૦ આશાવર્કર બહેનો રહે છે, તેમની કામગીરીનું સુપરવિઝન કરવા સાથે મદદરૂપ થવાનું હોય છે. તેમને ૨૦ દિવસના કામના બદલામાં ચૂકવાતા રૂપિયા ૪ હજાર તો ભાડામાં જ ખર્ચઇ જતા હોવાથી જીવન નિર્વાહ માટે કોઇ રકમ બચતી નથી.
ત્યારે સશક્તિકરણના નામે સરકાર મહિલાઓનું શોષણ કરી રહી છે. આશા ફેસેલીએટરને કાયમી તરીકેનો દરજ્જો આપવા, માસિક ૪ હજાર ભથ્થું બંધ કરીને ૧૬ હજાર ફીક્સ પગાર આપવા, આરોગ્ય અને જીવન વિમો આપવા, સિનીયોરીટી ગણીને પ્રમોશન આપવા, ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં ૪ લાખની આર્થિક સહાયની જોગવાઇ કરવા અને સરકારી ધોરણો પ્રમાણે મેટરનીટી લીવ આપવા સહિતની માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે