જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.શ્રી મનીન્દરસિંઘ પવારના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેકશન સંદર્ભે ગીર સોમનાથજિલ્લાના સ્થાનિક આગેવાનો, એસો.ના પ્રમુખો, નગરપાલીકાના પ્રમુખો, તથા પાર્ટીઓના આગેવાનશ્રીઓ સાથે પ્રાંત અધિકારીની કચેરીના સભાખંડમા વેરાવળ ખાતે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં જિલ્લાની કાયદો વ્યવસ્થા વધારે સંગીન બને તે માટે આયોજનની સાથે આગેવાનોના હકારાત્મક સુચનો ધ્યાને લેવાયા હતા.
આ મીટીંગમાં રેન્જ ડી.આઈ.જી.એ જિલ્લાના આગેવાનશ્રીનો આભારવ્યકત કરતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં સન-૨૦૧૯ના વાર્ષિક ઈન્સ્પેકશન અંગે આજે આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી છે. નાગરિક ગુનેગાર ન બને તે માટે પ્રથમ પ્રકિયા બાળપણમા થાય છે. પોલીસ બીજા તબબ્કામાં આવે છે. આ સંદર્ભમાં તેમણે કહયું કે, બાળકોને તેમના માતા પિતા બાળપણથી જ શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરાવે તો ગુનાખોરી અટકાવી શકાય છે. વ્યસન મુકત પણ થઇ શકે છે. ગીર સોમનાથ જિલ્લામાં અને વેરાવળ શહેર લોકો શાંતિ અને ભયમુક્ત સુરક્ષા સાથે જીવી શકે તે માટે પોલીસ હંમેશા સતત સતર્ક છે. કોઈપણ વ્યક્તિ તેમની પડતી મુશ્કેલી અને પોલીસ પ્રોટેકશન માટે પોલીસની મદદ લઇ શકે છે.
તેઓશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વેરાવળ અને પાટણના પોલીસ વિભાગમાં મહેકમની સંખ્યા વધારવા અને વધુ એક પોલીસ ચોકી બનાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમજ આગેવાનશ્રીઓ દ્રારા રજુ કરવામાં આવેલ જુદા-જુદા પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં આવશે. આ પ્રસંગે પત્રકારોએ પણ હકારાત્મક અને લોકઉપયોગી સુચનો કર્યા હતા. એસ.પી.શ્રી રાહુલ ત્રિપાઠીએ સ્વાગત પ્રવચન કરી આ મીટીંગની રૂપરેખા અને હેતુ સમજાવી તેમની કક્ષાએ આવતા પોલીસ વિભાગના પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં આવશે તેમ કહી સીસી ટીવી કેમેરા, ૮૦ ફુટના રોડ પર પોલીસ ચોકી સહિતની રજુઆત પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમા, ભગવાનભાઈ બારડ, રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, એ.એસ.પી.અમીત વસાવા, એલ.આઈ.બી.પી.આઈ.વાજા, પત્રકારો, પોલીસ અધિકારીશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં આગેવાનશ્રીઓ સહભાગી થયા હતા.