રાજય સરકાર દ્વારા ‘સૌનો સાથ સૌનો વિકાસ’ એવા દાવા કરવામાં આવે છે, પણ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા ‘ગરીબોની સંખ્યા વધવામાં એટલે કે ગરીબીમાં વિકાસ’ થતો હોવાના આંકડા દર્શાવે છે તેવો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. રાજયમાં ગરીબી રેખા હેઠળ દરરોજના ૨૬ પરિવારો વધે છે. રાજયમાં છેલ્લા બે વર્ષમાં ૩૧,૪૬, ૪૧૩ ગરીબી રેખા હેઠળ જીવતા હોવાનું કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં પુછેલા પ્રશ્નો દરમિયાન બહાર આવ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યોના કહેવા પ્રમાણે એક પરિવારમાં ઓછામાં ઓછા પાંચની સંખ્યા ગણીઓ તો પણ ૧,૫૭,૩૨, ૦૬૫ નાગરિકો એટલે કે ચોથા ભાગનું ગુજરાત ગરીબી રેખા હેઠળ જીવતું હોવાનું બહાર આવ્યું છે. ગરીબ પરિવારોની સંખ્યા સૌથી વધુ બનાસકાંઠામાં ૨,૩૬,૪૯૨ છે.
સૌથી ઓછા પોરબંદરમાં ૨૦૬૬૪ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો છે. છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ૪,૨૪૮ પરિવારોનો વધારો થયો છે. જયારે છેલ્લા બે વર્ષમાં સુરતમાં માત્ર એક પરિવારનો ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોમાં વધારો થયો છે.પાંચ જિલ્લાઓ પણ છે કે, જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોની સંખ્યા વધી નથી. નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી એમ પાંચ જિલ્લામાં એકપણ ગરીબ પરિવાર વધ્યો નથી.