‘નયા ભારત’ નિર્માણમાં ગુજરાત લીડ લઈ રહી છે ત્યારે ‘આવો જલાએ દીપ વહાં, જહાં અભિ ભી અંધેરા હે’ ની આહલેક જગાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

577

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘નયા ભારત’ નિર્માણમાં ગુજરાત રાજ્ય જ્યારે લીડ લઈ રહ્યું છે ત્યારે, ઠેર ઠેર
શિક્ષણના દીપ પ્રગટાવીને દેશને સ્વમાનભેર આગળ વધારવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી. ‘એકલ અભિયાન’ના ભાવિ કાર્યક્રમોમાં રાજ્ય સરકાર પૂર્ણ સહયોગ પૂરો પાડશે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ “આવો જલાએ દીપ વહાં, જહાં અભિ ભી અંધેરા હે” ની પણ આ વેળા આહલેક જગાવી હતી. ‘એકલ’ જેવી સેવાભાવી અને સમર્પિત સંસ્થાઓની કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ સામાજિક સંસ્થાઓની મૂક સેવાઓની સરાહના કરતાં તેમને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતને ગૌરવાન્વિત કરવા બદલ ‘એકલ’ને અભિનંદન પાઠવતા શ્રી વિજયભાઈ રૂપાણીએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ-સૌના વિકાસની વિભાવનાને સાચા અર્થમાં મૂર્તિમંત કરતાં આવી સેવા ભાવનાઓને કારણે, સામાજિક સમરસતાનું નિર્માણ થઈ રહ્યું છે, તેમ પણ વધુમાં જણાવ્યુ હતું. તાપી જિલ્લાના ઐતિહાસિક સોનગઢના કિલ્લાનીની ગોદમાં ગુણસદા ખાતે યોજાયેલ ‘એકલ અભિયાન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતને આંગણે એક લાખમાં ‘એકલ વિદ્યાલય’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ, કેન્દ્ર તથા રાજ્ય સરકારના તમામ સંશાધનો પીડિત, શોષિત અને જરૂરિયાતમંદો માટે સમર્પિત છે તેમ જણાવી આદિજાતિ વિસ્તારો માટે અમલી વિવિધ વિકાસ યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતનાં આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સહિત, આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજના પ્રકલ્પોની પણ આ વેળા તેમણે વિગતો રજૂ કરી હતી. આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરતાં એક લાખમાં ‘એકલ વિદ્યાલય’એ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણનું કામ કર્યું છે તેમ જણાવતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં, આદિવાસી સમાજને ગૌરવાન્વિત કરતાં, આદિવાસીઓના સ્વર્ણિમ ઇતિહાસની ઝાંખી રજૂ કરી હતી.

Previous articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Next articleગારીયાધાર પોલીસ સ્ટેશનના psi અમે.પી.પંડ્યા નો જન્મદિવસ