સૌરાષ્ટ્રના જાણીતા શહેર મહુવા ખાતે માલણનદીના કિનારે ઉપવનસમા કૈલાસ ગુરૂકુળ ખાતે સતત ૨૧માં વર્ષે ગુજરાતનાં સાંસ્કૃતિક અવસર સમા અસ્મિતાપર્વનો આગામી તા.૨૮ માર્ચથી પ્રારંભ થશે પૂજ્ય મોરારિબાપુના આશિષ થકી પ્રતિવર્ષની જેમ હનુમાનજયંતિના પાવન પ્રસંગે અહી ચાર દિવસીય ઉજવણીનો પ્રારંભ થશે ! ગુજરાતી ભાષા અને સંસ્કાર જગતની ઘટના સમા સાહિત્ય અને કલાના આ ઔચ્છવમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ કલા અને સાહિત્યમાં પ્રિતી ધરાવતા સહભાવકો ઉપસ્થિત રહે છે. ચાલુ સાલે પણ સંગોષ્ઠિ, કવિ મિલન, નાટક અને હનુમાન જયંતિ ૨૦૧૮ અંતર્ગત હનુમંત સંગીત મહોત્સવ-૪૧ અને અસ્મિતાપર્વ ૨૧ના ઘોષિત કાર્યક્રમો મુજબ આગામી તા.૨૮ને બુધવારે સવારે ૯ કલાકે કવિ કર્મ પ્રતિષ્ઠા અને કાવ્ય પાઠ વિષય તળે મણિલાલ પટેલના સંકલન હેઠળ ખલીલ ધનતેજવીની કવિતા વિશે મુકુલ ચોકસી જ્યારે કમલવોરાની કવિતા વિશે રાજેશ પંડયા વાત કરશે. આ વેળાએ ખલીલ ધનતેજવી અને કમલવોરા દ્વારા કાવ્યપાઠ થશે. બપોરના ૩.૩૦ થી ૬ કલાકે નટવર આહલપરાના સંયોજનમાં ‘લઘુકથા વિમર્શ’ વિષય અંતર્ગત નીતિન વડગામા અને મણિલાલ પટેલના વકતવ્યો થશે તેમજ ભગીરથ બ્રહ્મભટ્ટ, નિલમ દોષી, પ્રેમજી પટેલ, રેખાબા સરવૈયા, હરીશ મહુવાકર, અરવિંદ ગજ્જર અને રામ મોરી લઘુકથા પાઠ કરશે.
રાત્રીના ૮ થી ૧૦.૩૦ કલાકે શાસ્ત્રી નૃત્ય (કથક)અંતર્ગત રૂપાંશી કશ્યપ-રોહિત પરિહાર (કદમ્બ, અમદાવાદ) અને વિશાળ કૃષ્ણ (બનારસ)દ્વારા નૃત્ય પ્રસ્તુતિ થશે જેનું સ્થળ રામવાડી તલગાજરડા છે.
બીજા દિવસે તા.૨૯ને ગુરૂવારે ૯ થી ૧૨ની સંગોષ્ઠિ દેવકી દવેના સંયોજન તળે યોજાશે. ‘જુની રંગભૂમિના કલાઘર’ વિષયે, રઘુનાથ બ્રહ્મ ભટ્ટ વિશે રાજ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી માટે ઉત્કર્ષ મઝમુદાર અને પરમાણંદ શ્રાવજકર વિશે ભરત યાજ્ઞિક વાત કરશે સાંજની આરોપનામું વિષયની સંગોષ્ઠિનું સંકલન નેહલ ગઢવી સંભળાશે વિનોદની વિશિષ્ઠ ઉપસ્થિતીમાં કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાને સુભાષ ભટ્ટ, નિમિત્ત ઓઝા, લિપિ ઓઝા અને દેવકી દવે પ્રશ્નોત્તરી કરશે.
રાત્રી કાર્યક્રમ તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે થશે જેમા રાત્રિના ૮-૩૦ કલાકે શાસ્ત્રીય વાદ્યસંગિત (વાયોલીન)ની પ્રસ્તુતિ શ્રીમતી એન.રાજન સંગીતકાર શંકર અને નંદિતા શંકર દ્વારા થશે સાથે તબલા સંગત અજિત પાઠકનું રહેશે.
૩૦ માર્ચના ત્રીજા દિવસે સવારે ૯ કલાકે ‘ઉપેક્ષિતોનો અવાજ’ની સંગોષ્ઠિ ગૌરાંગ જાનીના સંયોજનમાં થશે જેમાં કિન્નર સમાજ વિશે લક્ષ્મીનારાયણ ત્રિપાઠી વિચરતા સમાજ વિશે મિત્તલ પટેલ તેમજ આદિવાસી સમાજ વિશે સુજાતા શાહના વકતવ્યો યોજાશે. બપોરની ૩.૩૦ની ‘કાવ્યાયન’ની બેઠકનું સંચાલન ફિરદૌસ દેખૈયા સંભાળશે. કવિઓ જિતેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞા વશી, હાર્દિક વ્યાસ, દિનેશ ડોંગરે, રમેશ પટેલ કનૈયાલાલ ભટ્ટ પોતાની કાવ્ય રચનાઓ સંભળાવશે. રાત્રિ કાર્યક્રમમાં શાસ્ત્રીય કંઠય સંગીત અંતર્ગત પં.છન્નુલાલ મિશ્રની પ્રસ્તુતિ થશે રામકુમાર મિશ્ર તબલા સંગત કરશે.
અસ્મિતા પર્વ અંતર્ગત દિવસનાં સંગોષ્ઠિઓ મહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે તથા સંગીત મહોત્સવના કાર્યક્રમો તલગાજરડા ગામ ખાતે યોજાશે.