‘માળી માંદો અને કાછીયાને ડામ’ બિન સચિવાલયનાં કૌભાંડને દબાવવા વિકલાંગ સંસ્થાઓને ધમકી

951

સંવેદનાની વાતો કરતી સરકાર વિકલાંગોને છોડવા માંગતી નથી, અધિકારીઓને સત્તાનો છુટ્ટો દોર આપી વિકલાંગોનાં કલ્યાણ માટે કાર્યરત સંસ્થાઓને માહિતીનાં નામે પત્ર પાઠવી ધમકાવવામાં આવે છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ ૫૪૪ વિકલાંગ બાળકોની સંસ્થામાં કર્મચારીની વયમર્યાદાનાં કારણે ખાલી પડેલ જગ્યાઓ રદ કરવામાં આવી છે. રાજ્યભરની સંસ્થાઓ અવારનવાર રદ કરાયેલ જગ્યાઓ પુન:જીવિત કરવા રજૂઆત કરે છે, પરંતુ તેના પર ધ્યાન આપવાને બદલે અધિકારીઓ સરકારના ખોળે બેસવા આવી સંસ્થાઓને કાર્યરત કર્મચારીઓની પત્રક-૨માં ૩૪ કોલમમાં કર્મચારીની નોકરીની વિગત અને પત્રક-૩માં કર્મચારીની ૧૮ કોલમમાં વ્યક્તિગત માહિતી મંગાવે છે. હકીકતમાં આ તમામ માહિતી જે તે કર્મચારીની નિમણુંક સમયે બહાલી મેળવતા પહેલા નિયામકશ્રી સમાજ-સુરક્ષા ખાતા ગાંધીનગરની કચેરીમાં અગાઉથી જમા કરાવી દેવામાં આવે છે. તેમ છતાં કારણ વગરની આવી માહિતી સંસ્થાઓ પાસે ધમકી સાથે મંગાવવામાં આવે છે. વળી ૧૧ વર્ષની ૧૦ કોલમમાં ચુકવવામાં આવેલી ગ્રાન્ટની વિગતો પણ માંગવામાં આવી છે. નિયમ મુજબ દરેક વર્ષનું સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવેલ ગ્રાન્ટનું જે તે સંસ્થાનું ઓડીટ કરવામાં આવે છે. તેથી ઉપરોક્ત વિગત અગાઉથી જે તે કચેરી પાસે ઉપલબ્ધ હોય છે. તેમ છતાં તગડો પગાર ખાતા અધિકારીઓને આવી વિગતો શોધવી નથી. પોતાની મહેનત બચાવવા વિકલાંગોનાં કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓને ધમકી સાથે ફક્ત ૧૦ દિવસની મુદતમાં માહિતી મોકલી આપવા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. એટલું જ નહિ જે સંસ્થાઓ આવી માહિતી નિયત સમય મર્યાદામાં આપી નહિ શકે તેમની પગારબીલ સહિતની ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. આનો અર્થ એ થયો કે વિકલાંગોને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની નથી. એકતરફ અબજો રૂપિયાનાં કૌભાંડો થાય છે અને બીજી તરફ માગીભીખીને વિકલાંગોને પગભર બનાવવા શિક્ષણયજ્ઞને પ્રજ્વોલિત રાખતી સંસ્થાઓ છે તે સંસ્થાઓને બિરદાવવાને બદલે અબજો રૂપિયાના કૌભાંડ દબાવી દેવા આવી સંસ્થાઓને ઉશ્કેરવામાં આવે છે. તેમને જન આંદોલન છેડવા મજબુર કરવામાં આવે છે. અધિકારીઓની આ મિલીભગત સરકાર સમજી નહિ શકે તો આવતા દિવસોમાં વીમાસણમાં પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

                પઠાણી ઉઘરાણી સામે પત્ર પાઠવનાર અધિકારીઓ સમક્ષ રોષ ઠાલવતા ગુજરાત અપગ સંસ્થા સંચાલક સંઘનાં પ્રમુખ  લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે વયમર્યાદાના કારણે રદ કરવામાં આવેલ ૫૪૪ જગ્યાઓ પુન:જીવિત કરવા સંસ્થાઓએ અવારનવાર રજૂઆત કરી છે. તેમ છતાં સરકારે આંખ આડા કાન કરી ધ્યાન આપ્યું નથી. પરિણામે સરકાર સામે તા.૦૪/૧૨/૨૦૧૯નાં રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. મનસ્વી અધિકારીઓનું વલણ બદલાશે નહિ તો તેની સામે આગામી માસથી રાજ્યભરમાં જન આંદોલન છેડવામાં આવશે.વધુમાં તેવી માહિતી તેમણે એક અખબારીયાદીમાં આપી હતી.

Previous articleઅનોખું ઉડાન અમારું (અનુભવના ઓટલે અંક: ૩૮)
Next articleનિલમબાગ પો.સ્ટે.ના મહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો