હિન્દી અને તમિળ ફિલ્મોની અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ હાલમાં જ તેના જન્મદિવસની ઉજવણી કરી હતી. ખુબ ઓછા લોકો જાણે છે કે, માત્ર ૧૦ વર્ષની વયમાં જ રતિ અગ્નિહોત્રીએ મોડલિંગમાં કેરિયર શરૂ કરી દીધી હતી. તેને બાળપણથી જ એક્ટિંગની ઇચ્છા હતી. તેના પરિવારના લોકો ચેન્નાઈમાં શિફ્ટ થયા ત્યારથી જ તે એક્ટિંગમાં લાગી ગઈ હતી. રતિ અગ્નિહોત્રી સ્કુલના દિવસોમાં જ એક્ટિંગ કરતી હતી. આ ગાળા દરમિયાન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય નિર્દેશક ભારતી રાજાની નજર તેના ઉપર પડી હતી અને તેનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ૧૯૭૯માં તેઓએ રતિ અગ્નિહોત્રીને લઇને પુદિયા વરપુકલમાં લીધી હતી. ૧૯૮૧માં આવેલી એક દુજે કે લિએ ફિલ્મ મારફતે રતિ અગ્નિહોત્રીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઈ હતી. આ ફિલ્મ બાદ રતિ અગ્નિહોત્રીએ હિન્દી ફિલ્મોમાં ખાસ ઓળખ ઉભી કરી હતી. સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથે પણ તે કુલી ફિલ્મમાં ભૂમિકા ભજવી રહી હતી. આ ઉપરાંત તમામ મોટા સ્ટાર સાથે તે ચમકી હતી જેમાં ધર્મેન્દ્ર, જીતેન્દ્ર જેવા સ્ટારનો સમાવેશ થાય છે. અભિનેત્રીએ ત્રણ વર્ષના ગાળામાં જ ૩૨થી વધુ કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. રજનીકાંત, કમલ હસન, ચિરંજીવી અને નાગેશ્વર રાવ જેવા સ્ટાર સાથે પણ રતિ અગ્નિહોત્રી કામ કરી ચુકી છે. તેની પ્રથમ હિન્દી ફિલ્મમાં કમલ હસનની જ મુખ્ય ભૂમિકા હતી.