બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા માહિતી કચેરી,જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને વિસામણ બાપુની જગ્યા–પાળિયાદ ધામના સંયૂક્ત ઉપક્રમે યોજાયેલ સંરક્ષણ ભરતી લેખિત કસોટી પૂર્વના બિનનિવાસી તાલીમ વર્ગનો શુભારંભ કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અને પાળિયાદની જગ્યાના સંચાલક ભયલુભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ઉપસ્થિત તાલીમાર્થીઓને પ્રેરક ઉદ્દબોધન કરતા જણાવ્યુ હતુ કે આજનો યુગ એ ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે.આજે માહિતીનો વિસ્ફોટ થઈ રહયો છે અને જાહેર ક્ષેત્રોની પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનો માટે તેમની સામે પડેલી માહિતીઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ એક સમસ્યા છે તેવા સમયે યુવાનોને સમયબધ્ધતા અને કાર્ય માટેની તેમની ઉત્સુકતાની સાથે મનની ઉર્જાને યોગ્ય જગ્યાએ કેન્દ્રીત કરવાથી અવશ્ય ધ્યેય પ્રાપ્તિ થાય છે.
તેમણે ઉપસ્થિત તાલીમાર્થીઓને શુ વાંચવું અને શુ વાંચવાનું ચાલુ કરવું એ જેટલું મહત્વનું છે તેના જેટલું જ મહત્વનું છે શુ બંધ કરવું તેમ જણાવી જાહેરક્ષેત્રની પરીક્ષાની તૈયારી કરતાં તમામ યુવાઓને મોબાઈલ સોશ્યલ મિડીયાનો ઉપયોગ સદંતર બંધ કરી એકાગ્રતા સાથે સતત પ્રેકટીસ કરવા અનુરોધ કર્યો હતો.જિલ્લા પોલીસ અધિક્ષક એ સ્વયંશિસ્ત ઉપર ભાર મૂકતાં ઉમેર્યું હતુ કે પ્રત્યેક વ્યક્તિએ પોતાનું ક્યુ પાસુ નબળુ છે તે જાણી સમયાંતરે પોતાના સહધ્યાયીઓ સાથે ગ્રુપ ચર્ચા કરી એકબીજાના વિચારોના આદાન – પ્રદાન થકી પોતાના નબળા પાસાને મજબૂત બનાવવું જોઈએ તેમણે આ તકે પરીક્ષામાં ઓછા સમયમાં વધુ સારો દેખાવ કેવી રીતે કરી શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપી નેગેટીવ માર્કીંગને ધ્યાને લઈ પરીક્ષા પૂર્વે પરીક્ષાની પ્રેક્ટીકલ તાલીમ પણ વર્ગખંડમાં આપવા ઉપર ભાર મૂકયો હતો.આ પ્રસંગે પાળિયાદની જગ્યાના સંચાલક ભયલુભાઈએ આશિર્વચન પાઠવતાં જણાવ્યું હતુ કે પાળિયાદની જગ્યા હંમેશા સામાજિક કાર્યોમાં સહભાગી બનતી રહી છે.આજે સંરક્ષણ ક્ષેત્રે જવા ઈચ્છતા યુવાનો માટેના તાલીમ વર્ગના કાર્યમાં પણ આ સંસ્થાને સહભાગી થવાની તક મળી છે તેનો મને આનંદ છે.આ કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી પી. કે. ત્રિવેદીએ ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કરતાં જણાવ્યું હતુ કે ૨૦૧૫ ના વર્ષથી બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષણ ક્ષેત્રે જિલ્લાના યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયાં છે.જેના પરિણામે આજે બોટાદ જિલ્લાના અનેક યુવાનો સંરક્ષણ ક્ષેત્રે વિવિધ જગ્યાઓ ઉપર તેમની ફરજ બજાવી રહયાં છે.તેમણે આ તકે આ સંરક્ષણ ભરતી લેખિત કસોટી પૂર્વના બિનનિવાસી તાલીમ વર્ગમાં સહભાગી બનેલ તમામ વ્યક્તિ સંસ્થાઓ પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.આ સંરક્ષણ ભરતી લેખિત કસોટી પૂર્વના બિનનિવાસી તાલીમ વર્ગના શુભારંભ કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામક એચ. બી. દવે, જિલ્લા રમત ગમત અધિકારી એન. ટી. ગોહિલ,બોટાદ માર્કેટીંગ યાર્ડના ભૂપતભાઈ ધાંધલ, રોજગાર કચેરીના કર્મચારીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા
તસવીર-વિપુલ લુહાર