વલ્લભીપુર : ચાલુ વર્ષે ખાબકેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યમાં ઠેર ઠેર રોડ રસ્તાની હાલત કફોડી બની ગઈ હતી. મુખ્યમંત્રીએ રાજ્યભરના રસ્તાઓ રીપેર કરવા માટે આપેલી મુદત વીતી ગયાને મહિનાઓ થઈ ગયા છે. ત્યારે વલ્લભીપુર તાલુકાના ગામડાઓના રોડ રસ્તા હજુ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગામડાઓની માઠી દશાનો હજુ અંત આવ્યો નથી. રતનપુર (ગા)થી મોટીધરાઈ, રાજગઢ, વેળાવદર, તારાપુર હાઈવે પર જવા માટેનો રસ્તો સાવ ભંગાર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પાર આવેલા એક પુલમા એક એક ફુટથી વધુ ઊંડા ખાડા પડી ગયા છે.
પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ આ રોડ તેઓની હદમાં આવે છે એ ભૂલી ગયા હોય એમ આ સમસ્યા તેઓને દેખાતી નથી. અડધા રસ્તા પર બાવળ ફેલાઈ ગયા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજગઢ, વેળાવદર, મોટીધરાઈના વીધાર્થીઓને રોજ આવવા જવા માટેના આ એક માત્ર રસ્તે અકસ્માતનો સતત ભય ઝળુંબી રહ્યો છે. ત્યારે તંત્ર સત્વરે આ દિશામાં કાર્યવાહી કરી સ્થાનિકોની સમસ્યાનો અંત લાવે એવી લોક માંગણી પ્રબળ બની રહી છે.
તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી