એક ઊગતો યુવાન બિઝનેસમાં ખોટ જતાં હતાશ થઈ ગયો. નિરાશ થઈ ઘરેથી નાસીને એક પાર્કમાં ગયો. ત્યાં એક બાંકડા પર બેઠો. ત્યાં તેની બાજુમાં એક સજ્જન દેખાતો વ્યક્તિ આવ્યો. વાતચીતમાં તે યુવકની વ્યથા સાંભળી તે સજ્જને ખિસ્સામાંથી ચેકબુક કાઢી, એક ચેક લખી યુવાનનાં હાથમાં મૂકી કહ્યું, ‘એક વર્ષ પછી આ જ જગ્યાએ મને આ રકમ પાછી આપજે.’ યુવાને ચેક જોયો. તે આભો બની ગયો, કારણ કે ચેક પાંચ લાખ ડોલરનો હતો અને નીચે સહી હતી. “જોન ડી રોકફેલર” – અમેરિકન ઊદ્યોગપતિ અને દુનિયાનો સૌપ્રથમ અબજોપતિ.
આ યુવાનમાં ગજબનો આત્મવિશ્વાસ અને હિંમત આવી ગયા. તેણે આ ચેક વટાવવાને બદલે પોતાની પાસે રાખ્યો. હિંમતથી ધંધામાં જોડાયો. આત્મવિશ્વાસે ધંધામાં ગજબની પ્રગતિ સાધી. મનમાં એમ પણ હતું કે જો કદાચ ખોટ આવશે તો ચેક મારી પાસે પડ્યો જ છે. આ રીતે ખૂબ કમાયો. એક વર્ષ પછી એ જ દિવસે એ જ સમયે તે પેલા પાર્કમાં પેલા વ્યક્તિને મળવા આવ્યો. થોડા સમય પછી તે વ્યક્તિ આવ્યો. આ યુવાન મળ્યો. આભાર માની ચેક પાછો આપવા જતો હતો ત્યાં એક નર્સ આવી અને આ વ્યક્તિનો હાથ પકડીને લઈ જવા લાગી. યુવાને વાત કરી પૂછ્યું તો નર્સે જવાબ આપ્યો કે, ‘આ પાર્કની બાજુમાં પાગલખાનું છે અને આ વ્યક્તિ ગાંડો છે. તેને એમ છે કે હું રોકફેલર છું એટલે તે એ નામની સહી કરી બધાને ચેક આપતો ફરે છે. તમને કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને !’ યુવાન શું બોલે? એણે જ તો આને હિંમત આપી હતી અને તેના ભાગ્યને ફેરવી નાંખ્યું હતું.
જ્યારે કોઈ વ્યક્તિની અંદર આત્મવિશ્વાસ હોય ત્યારે તે ધારે તે કરી શકે છે. તેને હિમાલય જેવા મોટા વિઘ્નો પણ નથી નડતા કે સમુદ્રની ગહેરાઈથી પણ ઊંડા દુઃખ નથી તેને રોકી શકતા.
આત્મવિશ્વાસ એ એક એવું શુદ્ધ ફ્યુલ છે કે તેના દ્વારા વ્યક્તિ અસામાન્ય કાર્યને પણ સરળતાથી કરી શકે છે.
લંકા જવા માટે ૧૦૦ યોજનનો સમુદ્ર કુદવો આવશ્યક હતો. તેથી અંગદે દરેક વાનરોને તેમનામાં રહેલી શક્તિ વિશે પૂછ્યું તો કોઈએ ૧૦-૨૦ યોજન કહ્યું. કોઈએ ૩૦-૬૦ યોજન તો કોઈ વાનરે ૯૦ યોજન સુધી કહ્યું. ત્યારે અંગદે કહ્યું કે, ‘હું ૧૦૦ યોજનનો કુદકો મારી લંકામાં પહોંચી જાવ પણ પાછો ન આવી શકું.’ પછી અંગદે ફરી કહ્યું, ‘કોઈ અન્ય વિકલ્પ શોધો. નહીંતર, મરણાંત પ્રયત્ન શરૂ કરો.’ ત્યારે જાંબુવાન હનુમાનનું સૂચન કરે છે. હનુમાન નિશ્ચિંતપણે ખૂણામાં બેઠા હોય છે. જાંબુવાન હનુમાનને કહે છે કે, ‘હનુમંત તમે ચુપચાપ કેમ બેઠા છો? ગરુડ જેવું તો તમારું સામર્થ્ય છે. તમે તો વાયુપુત્ર, પરાક્રમી, મહાબળી, મહાતેજસ્વી છો – બાળપણમાં સૂર્યને પકડવા તૈયાર થયા હતા.’ પોતાના બળની આવી વાતો સાંભળીને હનુમાનને પોતાની શક્તિમાં વિશ્વાસ જાગે છે. પછી તેઓ મહેન્દ્ર પર્વત પરથી કુદકો લગાવી લંકામાં પહોંચે છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કોઈ વ્યક્તિ નાનો કે મોટો નથી હોતો. ભગવાને દરેકને શક્તિ આપી છે. પરંતુ જરૂર છે આત્મવિશ્વાસની. કારણ આત્મવિશ્વાસ એ સફળતાનું પ્રથમ રહસ્ય છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનાં ૫૯મા જણાવે છે કે જેમ હનુમાનજીમાં બળ હતું, પણ કોઈકનાં જણાવ્યા વિના જણાવ્યું નહીં અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ચાલ્યો, ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. પછી પોતાની શક્તિ પર વિશ્વાસ આવ્યો અને ભગવાનનાં કાર્યને પાર પાડ્યું.
સ્વામી રામતીર્થ જ્યારે B.A.નો અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારની આ વાત છે. એકવાર B.A.ની પરીક્ષામાં તેઓ નાપાસ થયા. એટલે એમને હૃદયમાં લાગી આવ્યું. બીજા વર્ષે સખત મહેનત કરી. પરીક્ષા આપવા ગયા. જે વિષયમાં નાપાસ થયા હતા તે વિષયનાં પેપર સૂચના લખી હતી કે ૧૩ પ્રશ્નોમાંથી કોઈ પણ ૯ પ્રશ્નો લખો. સ્વામી રામતીર્થ ૧૩ પ્રશ્નોનાં જવાબ લખ્યા અને નીચે લખ્યું કે ૧૩માંથી કોઈ પણ ૯ પ્રશ્નો તપાસો. કેવો આત્મવિશ્વાસ પોતાની મહેનત પર ! જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે તેઓ પ્રથમ ક્રમે ઊતીર્ણ થયા હતા.
એટલે જ કહ્યું છે કે સફળતાની અગત્યની ચાવી છે – આત્મવિશ્વાસ.(ક્રમશઃ)