મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની કુલ ૧૦ વિવિધ વિદ્યાશાખાના ૮૬૩૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. સાથોસાથ ૧૩૩ જેટલા ચંદ્રકો/મેડલો સંબંધિત વિદ્યાશાખામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને એનાયત કરાયા હતા. તેમજ પી.એચ.ડી.ની ઉપાધિ મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતુ.
આ પ્રસંગે રાજ્યપાલએ ભાવનગરના રાજવીઓ તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરતા જણાવ્યું હતું કે દેશ જ્યારે અનેક ટુકડાઓમાં વહેંચાયેલો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એક ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ પોતાનું રાજ્ય દેશને અર્પણ કર્યું. એ ત્યાગ ભાવના માટે કૃષ્ણકુમારસિંહજી આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. રાજ્યપાલએ ઉમેર્યુ હતુ કે પ્રાચીન સમયમાં જ્યારે ગુરૂકુળ શિક્ષણ પ્રણાલી હતી ત્યારે આ પ્રકારે જ ગુરૂ-શિષ્યો દીક્ષાંત સમારોહમાં સાથે મળતા અને તે વખતના ગુરૂઓ પોતાના શિષ્યને તૈતરિય ઉપનિષદનો “સત્યમ વદ ધર્મમ ચર” મંત્ર જીવનમાં ઉતારી શ્રેષ્ઠ સમાજ તેમજ રાષ્ટ્રના નિર્માણમાં પોતાની વિદ્યા ઉપયોગમાં લેવાનો ઉપદેશ આપી પોતાના શિષ્ય પ્રત્યેની અપેક્ષા દર્શાવતા. રાજ્યપાલ એ વધુમા જણાવ્યુ હતુ કે જેવા વર્તનની અપેક્ષા તમે બીજા પાસેથી રાખો છો તેવું જ વર્તન બીજા સાથે કરો. જો ખેતી અને વિદ્યાનું જતન કરવામાં ન આવે તો તે નષ્ટ થઈ જાય છે તેજ રીતે મેળવેલી વિદ્યા પોતા પૂરતી સીમિત ન રાખી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી તે વહેંચશો.
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે શિક્ષણમાં જો માનવતાવાદી ભાવ ન હોય તો એક એવા પત્થર સમાન છે જે હજારોની કત્લેઆમ તો જુએ છે પણ રડી શકતો નથી અને આથી જ જ્ઞાની તથા સાક્ષર વ્યક્તિ પાસેથી સમાજ તેમજ રાષ્ટ્રને ખૂબ અપેક્ષા હોય છે.આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અત્યારે છે તેટલા અવસરો અને તકો પહેલાના સમયમાં ઉપલબ્ધ ન હતી. કંઈક નવું કરવાની ખેવના હતી પરંતુ યોગ્ય વ્યવસ્થા ન હતી. જ્યારે આજે કેન્દ્ર તથા રાજ્યની સરકારો સતત વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવા તૈયાર છે. દુનિયા જ્યારે કહેતી કે યુવાનો માટે ભવિષ્ય તૈયાર કરવું છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે આપણે એવા યુવાનો તૈયાર કરવા છે જે ભવિષ્ય તૈયાર કરે. ત્યારબાદ મંત્રીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશે ની ત્યાગ બલિદાન અને પ્રજા વાત્સલ્યની સૌરાષ્ટ્ર ની માહિતી મહામહિમ રાજ્યપાલ તેમજ ઉપસ્થિત શ્રોતાજનોને આપી જણાવ્યું હતું કે યોગ્ય વ્યક્તિના નિર્માણથી યોગ્ય સમાજનું નિર્માણ થાય છે તેમજ યોગ્ય સમાજ થકી યોગ્ય રાષ્ટ્ર નિર્માણ પામે છે.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વંદન કરી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જીવનની પરીક્ષામાં વિકલ્પ નહીં હોય માત્ર પ્રશ્નો હશે તેથી સૌ પોતાનું યોગ્ય ઘડતર કરી રસ્તાઓને અનુકૂળ બની જીવન પથ પર આગળ વધજો.
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આપ સૌ ભાવનગરનું ભવિષ્ય છો. આપ કોઈપણ કારકિર્દીમાં આગળ વધો તે ભાવનગરને ઉપયોગી થાય તે રીતે કાર્ય કરજો. આ પ્રસંગે IGNOU ના પુર્વ કુલપતિ પ્રો. રવિન્દ્રકુમારે જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષકની ભૂમિકા સાથે ચાલનારા સાથીની નહીં પરંતુ સલાહકારની બની છે અને વિદ્યાર્થીઓ પણ હવે શિક્ષક પર નિર્ભર રહેવાને બદલે સાયબર રૂપરેખાનો ભાગ બન્યા છે. આજે વિદ્યા મેળવવાનો ક્રમ ખોરવાયો છે અને તેથી વિશ્વ વિદ્યાલયોએ વડાપ્રધાનના ૨૦૩૦ના સપનાના ભારતનુ નિર્માણ કરવા પોતાની શિક્ષણ પ્રણાલીમાં પાયાના ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમના અંતે વિવિધ વિદ્યાશાખાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર ડિગ્રી ધારકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડિગ્રી તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ યુનિવર્સિટીના કુલ સચિવ ડો. કૌશિક ભટ્ટે કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ભાવનગર રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ, ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પોલિસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, ભાવનગર પ્રાન્ત અધિકારી ભુમિકાબેન, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પ્રાધ્યાપકઓ, આચાર્યઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીગણ હાજર રહ્યા હતા.