પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ સામાન્ય વ્યક્તિની જેમ કલા ક્ષેત્રમાં આગળ ધપી શકે છે. કલા અને સંસ્કૃતિની નગરી એવા ભાવેણા શહેરમાં યોજાયેલ અખીલ ગુજરાત નેત્રહીન રાસ ગરબા સ્પર્ધામાં સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ સ્પર્ધાના સમાપન સમયે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે કલા માત્ર દ્રષ્ટિવાન લોકોનો ઈજારો નથી, મન મક્કમ અને મજબુત ઈરાદાવાળો વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવ્યા પછી પણ સનેત્ર વ્યક્તિ જેવી કલાનાં કોઇપણ ક્ષેત્રે સિદ્ધિ મેળવી શકે છે.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાનાં યજમાન પદે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનાગર જીલ્લા શાખા અને રાજ્યશાખા અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અખિલ ગુજરાત નેત્રહીન રાસ ગરબા સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાની કૃતિઓ રાજ્યભરની જુદી-જુદી સંસ્થાઓની ૧૩ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં પ્રાચીન વિભાગમાં પ્રથમ વલસાડ એન.એ.બી જીલ્લા શાખા, દ્વિતીય અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ સંચાલિત સખીમંડળ ભાવનગર અને તૃતીય વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસગૃહ રાજકોટ વિજેતા થયા હતા. જયારે અર્વાચીન વિભાગમાં પ્રથમ અંધજન મંડળ અમદાવાદ, દ્વિતીય શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર, તૃતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર વિજેતા થયા હતા. વિજેતા ટીમના ખેલાડીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સ્પર્ધામાં કલા ક્ષેત્રનાં જાણીતા એવા શ્રી અમુલભાઈ પરમાર, શ્રી નીપાબેન ઠક્કર, શ્રી મમતાઝ બેન સમા, શ્રી માનસીબેન નાથાની, શ્રી મિહિરભાઈ તેમજ શ્રી હરેશભાઈ પટેલે નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ સ્પોર્ટ્સ કલ્ચરલ કમિટીનાં ચેરમેન શ્રી દામજીભાઈ હડીયલ અને શ્રી તારકભાઈ લુહાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીશ્રી પંકજભાઈ ત્રિવેદી, શ્રી કનુભાઈ પટેલ, શ્રી નીલાબેન સોનાણી, આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા તેમજ શાળાના કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યકમનું સંચાલન શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.