અમેરિકામાં જ્હોન્ની કેશ નામે મોટા ગજાનો ગાયક થઈ ગયો. તેણે જીવનકાળ દરમ્યાન ૧૫૦૦થી વધુ ગીતો ગાયા. સંગીતક્ષેત્રનું લબ્ધપ્રતિષ્ઠિત ગ્રેમી પારિતોષિક મેળવ્યું. સન ૧૯૬૧નાં એક જ વર્ષમાં તેણે ૨૯૦ જેટલાં કાર્યક્રમો કરેલા. જેમાં કુલ મળીને દશ લાખ લોકો ઉપસ્થિત રહેલા. પરંતુ તે ૧૯૫૭થી ડ્રગનો બંધાણી થઈ ગયો. તેથી તેનું જીવન ગબડવા-બગડવા લાગ્યું. જીવનમાં જેલ, હૉસ્પિટલોની આવન-જાવન ચાલુ થઈ. આમ, બધેથી હતાશ થયેલા તેણે ટેનેસીની નીકાજેક ગુફામાં અથડાઈ-કુટાઈને જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું. આ ગુફા એવી અડાબીડ અને અટપટી છે કે એમાં પ્રવેશેલો માનવ ક્યારેય બહાર ન નીકળી શકે. ઘણાએ તેમાં પ્રાણ ખોયા છે. તે આ ગુફામાં ગયો. અંધારી ગુફામાં અથડાતો-કુટાતો મૃતઃપ્રાય થઈને ઢળી પડ્યો…. પાછો જ્યારે ભાન આવ્યું ત્યારે પાછું ગુફામાં અથડાવાનું શરૂ કરી દીધું, પરંતુ ચાલતા-ચાલતા ચમત્કારીક રીતે ગુફાની બહાર આવી ગયો. તે સમયે બહાર તેની સામે તેની માતા અને પત્ની જૂન કાર્ટર ઊભા હતા. તેમણે જ્હોનીને પ્રેમથી આવકાર્યો. તેની દેખભાળ કરવા લાગ્યા. તે સ્નેહ-સંભાળે એવો જાદુ કર્યો કે જ્હોની પોતે કહે છે કે, ‘હું જીવતો છું, તેનું કારણ મારી માતા અને મારી પત્નીએ આપેલો પ્રેમ છે. મને હતાશમાં હિંમત આપી. એકલતામાં પ્રેમ આપ્યો.’
આમ, પત્ની અને માતાનાં સ્નેહે તે કલાકારને બચાવી લીધો. તેની ડ્રગની લત છૂટી ગઈ.
ઉપરોક્ત સત્ય ઘટનામાં ‘પ્રેમ’ની તાકાત દેખાય છે.
જેમ્સ ઓટ્રાય યથાર્થ બોલ્યા છે કે, “સ્નેહાળ સંભાળ પૂરેપૂરી દુનિયા બદલી શકે છે.”
આપણને સાંભળવા મળે છે કે ઋષિઓના આશ્રમમાં સિંહ અને ગાય સાથે પાણી પીતા. આવા વર્ણનોમાં ઋષિઓના ઐશ્વર્યનો પ્રતાપ નહીં, પણ પ્રેમનો પ્રભાવ વિશેષ વર્તાય છે.
એ ખરું જ છે કે પ્રત્યેક હૈયું પરિશુદ્ધ પ્રેમને પ્રતિસાદ આપે જ છે. કારણ જે હૃદયમાંથી નીકળે છે તે હૃદયસોંસરવું ઊતરે છે.
કેવળ બુદ્ધિથી મિત્રનું હિત કરી શકાતું નથી. બુદ્ધિ સાથે સ્નેહનો સાંધો બેસે ત્યારે જ કાર્યસિદ્ધિ મળે છે.
પ્રેમ ન નીપજે દેશવિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે,
પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે, તે નર પ્રેમી થાય રે.
સાચો પ્રેમ એટલે આત્મસમર્પણ કોઈ દાવો નહીં,
નહીં કોઈ શરત કે નહીં કોઈ સોદાબાજી.
થોડા વર્ષો પૂર્વે અમેરિકામાં એક બાળકનો જન્મ થયો. માનસિકરૂપે અવિકસિત, નેત્રહીન અને વિકલાંગ. સ્પર્શનું પણ સંવેદન નહીં. તેનાં મા-બાપે તે બાળકને ત્યજી દીધો. હૉસ્પિટલનાં અધિકારીઓએ એ બાળકને મેલેમ કે નામની નર્સને સોંપ્યો. તેણે તેનું નામ લેઝલી પાડ્યું અને મા કરતાં અધિકી મમતાથી તેને ઉછેરવા માંડ્યો. તેને ખૂબ પ્રેમ કરે અને ભગવાનને પ્રાર્થના કરે અને તેના સતત પ્રેમ-સિંચનથી આ બાળકમાં અદ્ભૂત ચમત્કાર થયો. તે હાલતો-ચાલતો જ નહીં, પણ પિયાનો વગાડતો અને ગાતો પણ થયો. હાલ તે અમેરિકામાં ગાવા-વગાડવાનાં કાર્યક્રમો આપે છે.
અને આ જ વાતનો ભાવાર્થ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્યપ્રકરણનાં ૯મા કહે છે કે, “ગોપીઓ જેવી પ્રીતિ ભગવાનમાં હોય તો બીજા કોઈ સાધનની જરૂર નથી.”
પ્રેમરસાયણ હિંસકભાવને પણ પલટી નાંખવાની ક્ષમતા ધરાવે છે…. નૈરોબીનાં નેશનલ પાર્કમાં ઓરેન્જનાં પાંજરાઓમાં સિંહ, વાઘ, ચિત્તા વગેરે ઘણા હિંસક પ્રાણીઓ પૂરેલા છે. આધેડ વયનું એક યુરોપિયન યુગલ ઘણાં વર્ષોથી દરરોજ સાંજે નિયમિત ઓરનેજમાં આવે અને દરેક પ્રાણીના પાંજરા આગળ તેઓ જાય અને સળિયામાં હાથ નાંખે એટલે તે પ્રાણી તરત જ નજીક આવે. આ દંપતી તેમના માથે, ગળે, શરીરે પ્રેમથી હાથ ફેરવે. તેમના મોઢામાંય હાથ નાંખે. તેઓને જમાડે પણ ખરાં. આ હિંસક પ્રાણીઓ પ્રેમસમાધિમાં લીન થઈ જાય. કુતરાની જેમ પૂંછડી પટપટાવતા બેસી રહે. આ દરમ્યાન બીજા પાંજરાવાળા પ્રાણીઓ પણ આ પ્રેમને પણ પામવા દોડીને પાંજરાના સળિયા આગળ આવી જાય અને તેમને જલદી બોલાવવા માટે મીઠો ઘુરઘુરાટ કરે. આ દંપતી પણ દરેક પાંજરે ફરે અને આ પ્રેમનાં ભૂખ્યાં પ્રાણીઓને પ્રેમ આપે. રોજ સાંજે પાંચ વાગ્યે આ બધાં જ પ્રાણીઓ પ્રેમસ્પર્શ પામવાની પ્રતિક્ષામાં તૈયાર જ બેઠા હોય. કોઈક દિવસ આ યુગલ ન આવી શકે તો આ પ્રાણીઓ નિરાશ થઈ જાય.
આ સંસારમાં જીવને જેમાં સ્નેહ લાગે છે તેનો તેનો ક્યારેય અભાવ આવતો નથી. મૃત્યુનાં બિછાને પણ તે વ્યક્તિ માટે શુભ લાગણીઓ જ પ્રગટે છે.(ક્રમશઃ)