સિંહ સાથે સોબત પુસ્તિકાનું આગામી તા.૧ એપ્રિલને રવિવારના ઝાલાવાડ-સુરેન્દ્રનગર ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં વિમોચન કરાશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજીભાઈ શાહ ઉપસ્થિત રહેનાર છે.
ભાવનગર જિલ્લાના ભડી-ભંડારિયા ગામના વતની અને દિવના નિવૃત શિક્ષક રમેશભાઈ રાવલએ સિંહ બચાવના સૂત્રને જીવનમંત્ર બનાવી આ દિશામાં વિશિષ્ઠ અને ઉમદા કામગીરી કરી છે. ગીરના સાવજની શોર્યતા,ખુમારી અને જીવન કવનની વાતો તેમણે લોકો સુધી સહજ અને સરળ રીતે પહોંચાડી ઉપરાંત સિંહ ચાલીસાના નિર્માણ થકી જબ્બર ચાહત મેળવી સાથે પર્યાવરણ માટે પણ સવિશેષ યોગદાન આપી હજ્જારો વૃક્ષના ઉછેરમાં પોતે નિમિત્ત બન્યા છે. સરકાર અને વિવિધ સંસ્થાઓએ આ કાર્યોની નોંધ લીધી છે ત્યારે ઝાલાવાડ પ્રેસ કાઉન્સીલ અને ઝાલાવાડ લોક સાહિત્ય પરિવાર દ્વારા રમેશ રાવલની કદરના ભાગ રૂપે સિંહ સાથે સોબત પુસ્તકમાં સિંહ અને રમેશભાઈની વાતો આવરી લેવાઈ છે. જેનું વિમોચન સુરેન્દ્રનગરના સી.યુ.શાહ શબ્દલોક ભવન ખાતે રવિવારે સવારે ૧૦ કલાકે યોજાશે
આ પ્રસંગે દ્વારકા શારદા પીઠના ટ્રસ્ટી, ભારત સેવા સમાજના પ્રમુખ મોહનભાઇ પટેલ મુખ્ય મહેમાન પદે અને ઇતિહાસ વિદ્ , ગીરના અંતરંગ જાણકાર રામકુભાઈ ખાચર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.