માવતર સંસ્થાના પ્રેરક શ્રીવિજયભાઈ દવેના સ્મરણાર્થે મેગા મેડિકલ કેમ્પના અનુસંધાને વિનામૂલ્ય શ્રવણયંત્ર, ચશ્મા તેમજ જયપુર ફૂટ વિતરણનો કાર્યક્રમ યશવંતરાય નાટ્યગૃહ ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમા ૬૦૦ દર્દીઓને ચશ્મા તેમજ ૨૨૫ દર્દીઓને શ્રવણયંત્ર વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જે માં-બાપ એકલા છૂટી ગયા છે તેમને પ્રેમ, હૂંફ અને તેમના ઘડપણની લાકડી બનવાનું કામ વિભાવરીબેન દવે કરે છે. કોઈપણ કામનું ફોલોઅપ લેવામાં ન આવે તો તે કામ પરિણામ લક્ષી બનતું નથી એ રીતે આજનો દિવસ એ મેગા મેડિકલ કેમ્પના ફોલોઅપનો દિવસ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં કુપોષણના કારણે જે પરિણામો આવે એ વ્યાજબી નથી, ભારતીય સંસ્કૃતિ એ જરૂરિયાતમંદને મદદરૂપ થવાની સંસ્કૃતિ છે અને તેથી સરકાર પણ કુપોષણ અંગે ખૂબ ગંભીર છે અને તે દિશામાં સો ટકા કામગીરી કરી રહી છે. સરકાર મા-બાપ છે અને સમાજના યોગ્ય પાલન પોષણની જવાબદારી તેના શિરે છે અને તે જવાબદારી હાલની સરકાર બખૂબી નિભાવી રહી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતુ.આરોગ્યલક્ષી સેવાઓ મા માં વાત્સલ્ય, ૧૦૮, આયુષ્યમાન ભારત જેવી અનેક સેવાઓ થકી સરકાર જરૂરિયાતમંદોની સાથે ઉભી છે.અને આવા જ સેવા રૂપીયજ્ઞો યોજવા બદલ શિક્ષણમંત્રીશ્રીએ વિભાવરીબેન દવે તેમજ સહયોગ રૂપ થનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે વિભાવરીબેન દવેનો ભાવ લોકસેવાનો હતો અને તેથી જ આટલી મોટી સંખ્યામાં દર્દીઓની તેઓ સેવા કરી શક્યા તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે હાલ રાજ્ય સરકાર પણ ૧૦૮ એમ્બ્યુલન્સ, અમૃતમ વાત્સલ્ય માં કાર્ડ, આયુષ્યમાન ભારત વગેરે જેવી સરકારી યોજનાઓ દ્વારા અનેક લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે તેમજ અનેક લોકોના સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભાવનગરના લોકોને સુપર સ્પેશિયાલીટી ડોકટરોનો લાભ ઘર આંગણે જ મળી રહે તેમજ ત્વરિત સારવારના અભાવે કોઇએ ઘરના મોભી ગુમાવવા ન પડે તે હેતુથી આ આયોજન કરવાનો વિચાર આવ્યો.મંત્રીશ્રીએ કઈ રીતે મેગા મેડિકલ કેમ્પ સફળ થયો તેની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ તમામ દર્દીઓના સંતોષ સાથે મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓનું નિદાન થયું જે બદલ મેગા મેડિકલ કેમ્પમાં સહયોગ આપનાર તમામનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને સન્માનિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલ મેગા મેડિકલ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨૦ થી ૨૫ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ૪૦ થી ૪૫ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ ૨૦૦ થી વધારેનો સ્ટાફ તેમજ ભાવનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ ૫૦૦ થી વધુ નો સ્ટાફ આ મેગા મેડિકલ કેમ્પમાં જોડાયો હતો જેમાં એક જ દિવસે એક જ સ્થળે ૧૭,૫૯૦ દર્દીઓની તપાસ તથા નિદાન કરવામાં આવ્યું હતું. જે સેવાયજ્ઞને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું હતું. કાર્યક્રમના અંતે એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વિકાર કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મંત્રીશ્રીઓના હસ્તે મેગા મેડિકલ કેમ્પના લાભાર્થીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર તેમજ ચશ્માનું વિતરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સખ્યામાં મેગા મેડિકલ કેમ્પના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.