‘ગાંધી પદયાત્રા’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે લોકોમાં ઉત્સાહના ઘોડાપુર :કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

570

વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત ૧૫૦ કિલોમીટરની ૧૫૦ ગામોને જોડતી ,ગાંધીમૂલ્યો ના માર્ગે પદયાત્રા’ ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ‘પદયાત્રા દિવસ’ તરીકે ઉજવણી સમારોહ યોજાયો હતો.
પદયાત્રા દિવસ ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ આજે સવારે ૦૮:૩૦ કલાકે મણાર ગામે ગ્રામદક્ષિણા મૂર્તિ સંસ્થા ખાતે સ્વાગત પ્રાર્થનાગીત સાથે થયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. સૂતરની આંટીથી મંત્રીશ્રી માંડવિયા સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતુ.


ત્યારબાદ પદયાત્રા વાળા ૧૫૦ કિલોમીટરના રૂટને ‘ગાંધીકૂચ માર્ગ’ નામાભિધાન તકતી ખુલ્લી મૂકાઈ હતી. દરમિયાન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ઉપસ્થિત ગ્રામજનોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “નવી પેઢી ગાંધી મૂલ્યોને જાણે અને સાચા અર્થમાં સમજે તે ઉદ્દેશ સાથે પદયાત્રા કરવામાં આવી હતી. ગાંધી મુલ્યો જેટલા તેમના જીવન દરમિયાન પ્રસ્તુત અને શાશ્વત હતા એટલા જ આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે, અને ભવિષ્યમાં પણ રહેવાના છે.”તેમ કહ્યું હતું.


વઘુમાં કહ્યું હતું કે ગાંધીજી એક રચનાત્મક ઉર્જાનો સ્ત્રોત હતા. સૃષ્ટિના સંચાલન માટે ઊર્જા આવશ્યક છે. તે ઉર્જા હકારાત્મક હોવી આવશ્યક છે. તેમ ગાંધીજી ચોક્કસ પણે માનતા હતા. એટલે ભવિષ્યમાં વિશ્વએ પણ ગાંધીજીના આ માર્ગે જવાનું નિશ્ચિત છે. ગાંધીજીની હકારાત્મક વિચાર શક્તિએ સામાજિક સ્થિતિને ધરમૂળથી બદલી છે. અને તે આજે પણ જોઈ શકાય છે. બુનિયાદી શિક્ષણ, ખેતી સુધારણા, ગ્રામઉથાન , સ્વચ્છતા અભિયાન, પરંપરાગત વ્યવસાયને પ્રોત્સાહન વગેરે ગાંધીજીની દ્રષ્ટિએ મહત્વના છે. તેનાથી સમાજ કેળવાય છે. પરિવર્તિત થાય છે.સમાજ સુધારણા લાંબા ગાળાનો કાર્યક્રમ છે. પરંતુ તેના ફળ ખૂબ મીઠા હોય છે. તેના એક ઉદાહરણ રૂપે બુનિયાદી શાળાઓમાં એડમિશન માટે આ વર્ષે ધસારો થયો છે. તે સારી બાબત છે. તેમ જણાવી તેને પદયાત્રાની ફળશ્રુતિ ગણાવી હતી.


મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે કોઈ પણ પુરુષાર્થ સાધન શુદ્ધિ સાથે કરવામાં આવે તો તેનું પરીણામ બહુ હકારાત્મક હોય છે. તમારો ઉદ્દેશ સાફ હોવો જોઈએ તો સફળતા હાથવેંતમાં છે તે નકકી છે.
તેમને એક વર્ષમાં દેશભરમાંથી અલગ અલગ લગભગ ૨૫ થી વધુ પદયાત્રામાં નિમંત્રણ મળ્યું છે, અને ચોમેર ભાવનગર-ગુજરાતનું નામ પદયાત્રા માટે ગુંજી રહ્યું છે. હવે પદયાત્રા વિચારયાત્રા બની ગઈ છે. તેના પર મંત્રી માંડવિયા એક પુસ્તક પણ લખી રહ્યા છે તેમ જણાવ્યું હતું.


આ ઐતિહાસિક પદયાત્રાના પદચિન્હ પ્રેરણાદાયક બની રહ્યા છે. પદયાત્રા ભવિષ્યની પેઢીને નવી ઉર્જા અને ગાંધીમૂલ્યોની ભેટ આપશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી. તેમ જણાવતાં પદયાત્રાને ગૌરવવંતિ ગણાવી હતી.
પદયાત્રાના ૧૫૦ કિલોમીટરના માર્ગ પર આવતા ગામોમાં લોકો એ મંત્રીશ્રીના મોટા સમુહનું ભારે ઉત્સાહ સાથે અદકેરું સ્વાગત કર્યું હતું.ગામે ગામ ગાંધીજી અમર રહો ના નારા લગાવ્યા હતા. ઠેરઠેર સભા, બેઠક, વિવિધ સુવિધાઓના ઉદ્ઘાટન, અનાવરણ, ખાતમુહૂર્ત યોજાયા હતા.
બીજી બાજુ યાત્રારૂટ પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામજનો સાથે મળી ગામને સજાવ્યા હતા. રંગબેરંગી રંગોળી, દિવાલ સુશોભન,બેનર, મહેંદી હરીફાઈ, ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, ગાંધીજીવન આધારીત ફિલ્મ શો, સાંસ્કૃતિ કાર્યક્રમો વગેરે યોજાયા હતા.


આજે મણાર, બાબરવા, ત્રાપજ, બેલા, મોટી પાણીયાલી, માયધાર, પિંગળી, ઉમરલા, દુધાળા, ઘેટી, વાલુકડ, લાખાવાડ, સમઢીયાળા, ભદ્રાવળ, અનીડા, રતનપુર, આકોલાળી, રાણપરડા, પીથલપુર, જમણવાવ, હણોલ, બહાદૂરગઢ, વડિયા, નોંધણવદર, સણોસરા સહિતના ગામો ગાંધીજીના રંગે રંગાયા હતા.
સણોસરા લોકભારતી સંસ્થા ખાતે પ્રાર્થના સભા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Previous articleગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીઓ ઝડપાયા
Next articleતળાજા પોસ્ટ. નો વાહનચોરી ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપાયો