તળાજા તાલુકાના પિથલપુર ગામે કુખ્યાત શખ્સ દ્વારા ગામમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તથા અવારનવાર આતંકનો માહોલ ઉભો કરતો હોય જે સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા નમૂના રૂપ કાર્યવાહી ન કરાતા પિથલપુર ગ્રામજનો દ્વારા પોતાના ધંધા-રોજગારો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક હેઠળ આવતા પિથલપુર ગામે રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો એજ્યુકેટેડ યુવાન બારૈયા કાનજી ઉર્ફે કાનુ મનુભાઈ ઉ.વ.ર૧ ગત તા.રપ-૩ના રોજ સાંજના સમયે આર્મીની ભરતી અંગે પ્રેક્ટિસ અર્થે ગામના પાદરે આવેલ મેદાનમાં પગપાળા જઈ રહ્યો હતો તે વેળા આ જ ગામનો કુખ્યાત શખ્સ સુરા પાતા ભરવાડ તથા એક અજાણ્યો શખ્સ આ બન્ને શખ્સો રોડ પર લોકોની જીંદગી જોખમાય તે રીતે બાઈક લઈ ફુલ સ્પીડે પસાર થતા યુવાન કાનજીએ બાઈક બરાબર ચલાવવા જણાવતા ઉશ્કેરાયેલ સુરેશ ઉર્ફે સુરો તથા તેની બાઈક પાછળ બેઠેલ શખ્સે કાનાને માથામાં લોખંડનો પાઈપ ફટકારી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટ્યા હતા તથા આ જ દિવસે રેલીયા ગામની મહિલાની પીથલપુર ગામના પાદરમાં છેડતી કરી હુમલો કરી પોતાની ગુનાહિત માનસિક્તા છતી કરી હતી.
કુખ્યાત સુરો તથા તેની આણી મંડળી અગાઉ પણ અવારનવાર તરતોફાન કરી નિર્દોષ લોકોને રંઝાડતા હોય જે સંદર્ભે તેના વિરૂધ્ધ સંખ્યાબંધ ફરિયાદો દાઠા પોલીસ મથકમાં કરાઈ હતી જેમાં એક વખત પોલીસે કુખ્યાત શખ્સની પીથલપુર ગામે સરાજાહેર સરભરા કરી જેલ હવાલે કર્યો હતો પરંતુ જેલમાંથી છુટ્યા બાદ ફરી લખ્ખણ જલકાવ્યા હતા અને એ બાબતે પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી પરંતુ પોલીસે આરોપીની ધરપકડ ન કરતા ગ્રામ્યજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. ગ્રામજનો એવી પણ માંગ કરી રહ્યાં છે કે આવા કુખ્યાત શખ્સના આતંકથી ગ્રામજનોને કાયમી ધોરણે મુક્તિ મળે તથા આવા આવારા તત્વોને કડક દાખલારૂપ સજા કરવામાં આવે.