સર ટી. હોસ્પિટલને લાગ્યા બિમારીના લક્ષણ..!

632
bvn2732018-14.jpg

ભાવનગર શહેર-જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલને બિમારીના ગંભીર લક્ષણો જણાઈ રહ્યાં છે. અત્રે નિયમિત સફાઈનો બિલકુલ અભાવ હોવા સાથોસાથ હોસ્પિટલના પટાંગણમાં ઉભરાણી ગટરના કારણે અહી દર્દીઓ સ્વસ્થ થવાની વાત તો દુર પરંતુ તંદુરસ્ત લોકો બિમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બહુ વગોવાયેલી અને સુવિધાના બદલે દુવિધા પ્રદાન કરવા માટે કુખ્યાત બનેલ નામચીન સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા લોકો તથા તેમની સાથે આવેલ અન્ય લોકો પણ બિમાર બને તેવી સ્થિતિનું સર્જન થયું છે. વર્ષોથી ખાડે ગયેલ વહિવટના કારણે યોગ્ય સારી સવલત પ્રાપ્ત થવી તો દુરની વાત છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલના પટાંગણ આસપાસ આવેલ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેઝ લાઈન ચોકઅપ થઈ જતા ગટરનું ગંદુ પાણી મેનોલ ટાંકીમાંથી ઉભરાઈને રોડ તથા પટાંગણમાં ફરી વળે છે. અત્યંત દુર્ગંધયુક્ત આ ગંદા પાણીના કારણે લોકોને રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
સર ટી. હોસ્પિટલ પોલીસ ચોકી સામે આવેલ સદ્દવિચાર સેવા ટ્રસ્ટ પાસે તથા ડાયાલીસીસ વોર્ડ પાસે ડ્રેનેઝ લાઈન બંધ થઈ જતા ર૪ કલાક ગંદુ પાણી બહાર વહી રહ્યું છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત લોકો દ્વારા જ્યાં ત્યાં કચરો ફેંકતા હોવાના કારણે ચોમેર પ્લાસ્ટીક, એઠવાડ, વેસ્ટ પાટા સહિતના કારણે મોટા પ્રમાણમાં ગંદવાડ એકઠો થાય છે. સાથોસાથ કુતરા અને રેઢીયાર પશુઓનો ત્રાસ તો લોકોને અસહ્ય થઈ પડ્યો. આટઆટલી વેદના હોવા છતાં ભેંસ પ્રાણી જેવી ઝાડી અને સંવેદનાહિન ચામડી ધરાવતા તંત્ર તથા તેના અધિકારીઓને દર્દીઓ લોકોની લેશમાત્ર ફિકર નથી.

સફાઈ કર્મીઓ તથા અધિકારીની સાંઠગાંઠ
દર મહિને મોટી રકમનો પગાર પ્રાપ્ત કરતા તથા સફાઈ વિભાગના અધિકારીઓની આંતરીક સાંઠગાંઠના કારણે હોસ્પિટલની સફાઈ વ્યવસ્થા કથળી છે. સફાઈ કર્મીઓ પોતાના ફરજ સ્થળે અન્ય રોજમદારને મોકલે છે. આ રોજમદારો મોબાઈલ અને પાન મસાલા ખાઈ અન્ય વહિવટો કરે છે. આ સિવાય કશુ પણ કરતા નથી. આ બાબતને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

તબીબો નહીં મચ્છરો કરે છે લોહીનું પરીક્ષણ !
સર ટી. હોસ્પિટલમાં ખુલ્લી ગટરો તથા ગંદકીના થર, કચરાના ઢગલાના કારણે માખી, મચ્છરનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે. સર ટી. હોસ્પિટલમાં અત્ર તત્ર સર્વત્ર જગ્યાઓ પર પુષ્કળ પ્રમાણમાં મચ્છરો જોવા મળે છે. જેના કારણે દર્દી સાથોસાથ તેમના સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફને પણ મચ્છરના ત્રાસથી ભારે તકલીફ વેઠવી પડી રહી છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા તંત્રના વારંવાર કાન આમળવા છતાં તંત્રએ આ અંગે કોઈ યથાઉચિત પગલા લીધા ન હોય પરિણામે મચ્છરજન્ય રોગોનો ભોગ લોકો બની રહ્યાં છે.

Previous articleપાલીતાણાની ખારો નદીમાં ડુબી જતા પાવડીના યુવાનનું મોત
Next articleપોલીટેકનીક કોલેજ પાસેથી રૂા.ર૦ લાખના વેરાની વસુલાત