ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારતની ભેટ આપવાની હોય સ્વચ્છ ભારત મીશન શરૂ કરેલ છે તેમાં ભારત જન વિજ્ઞાન જાથા, ભારતીય વિદ્યા સેવા સમિતિ, બાલ વિકાસ મંડળ, સૌરાષ્ટ્ર બાલ વિકાસ સમિતિ, સર ભગવતસિંહજી લોક વિજ્ઞાન કેન્દ્ર, મહાત્મા ગાંધી કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ ઉપક્રમે સફાઈ ઝુંબેશમાં ભાગીદારી કરી, ઘરે ઘરે સ્વચ્છતા માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા.
સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આજે વિવિધ સંસ્થાઓના સંયુકત ઉપક્રમે સ્વચ્છ ભારત મીશન કાર્યક્રમ દશ સ્થળોએ સામુહિક સફાઈ-પત્રિકા વિતરણ કરી નાગરિક ધર્મ બજાવ્યો છે. રાજય અને કેન્દ્ર સરકાર લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. તેથી સહકાર આપવા નાગરિકની ફરજ છે.જાથાના રાજય ચેરમેન તથા તેની ટીમે જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિનગરમાં રહીશોને ઘરે ઘરે સફાઈ અંતર્ગત જાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું હતું.