ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વર્તમાન માર્ચ માસના ર૬ દિવસમાં રૂા.૬ કરોડના ઘરવેરાની વસુલાત કરી છે. જો કે હજુ મુખ્ય ટાર્ગેટ રૂપિયા એકસો ઓગણત્રીસ કરોડના વેરા વસુલાતની રકમ બાકી છે. ભાવનગર મહાપાલિકાનો આવકનો મુખ્ય સ્ત્રોત સમગ્ર શહેરમાં આવેલ મિલ્કતોના આસામીઓ પાસેથી વસુલવામાં આવે છે. જેમાં રૂપિયા એકસો અને ર૯ કરોડનો કર વસુલવાનો બાકી છે. અત્યાર સુધીમાં રૂા.૮૦ કરોડ ૩પ લાખની આવક વેરા પેટે વસુલવામાં આવી છે. ચાલુ માસના ર૬ દિવસમાં ૬ કરોડની આવક થવા પામી છે. આજના દિવસે સર્વાધિક વેરો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન બીપીટીઆઈ કોલેજ દ્વારા રૂા.ર૦ લાખની રકમ જમા કરાવવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ર૦૧૮ થી ર૬ કરોડની નવી ડીમાંડ પણ ઉભી કરવામાં આવી છે. જેમાં જવાહર મેદાન સહિતની મિલ્કતો આવરી લેવામાં આવી છે. જેનો વેરો પણ ભાવનગર મહાપાલિકા દ્વારા વસુલવામાં આવશે.
હવે તો ગમે તે ભોગે વેરો વસુલ્યે જ છુટકો
તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહાપાલિકાની તળીયા ઝાટક થયેલ તિજોરી લેવલ કરવા ઘરવેરા માટે કોઈને પણ બક્ષવામાં નહીં આવે. વિપક્ષ તથા જાગૃત જનતા જે મુદ્દે કાગારોળ મચાવે છે એવી વિવાદાસ્પદ મિલ્કત બંધ પડેલ સ્ટર્લિંગ હોસ્પિટલ આ મિલ્કતનો કુલ રૂા.૭૬ લાખ વેરો બાકી હતો જે પૈકી કોર્ટના આદેશ બાદ રૂા.૧૩ લાખની ભરપાઈ થઈ છે તથા હજુ ૬૩ લાખ લેણા છે. એ જ રીતે ઈસ્કોનનો કુલ રૂા.૭૬ લાખનો વેરો બાકી છે અને તે મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ હોય આ ચુકાદો પણ મહાપાલિકા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવનાર છે. અત્યાર સુધીમાં કુલ ૪૭૦૦ મિલ્કતોને સીલ કરવામાં આવી છે જે પૈકી ૧૮ મિલ્કતની વેલ્યુવેશન બાકી છે. જ્યારે ર૦ મિલ્કતની વેલ્યુવેશન આવી છે. આગામી દિવસોમાં મોબાઈલ ટાવરો પણ તવાઈ બોલાવવામાં આવનાર હોવાનું અધિકારી દ્વારા જણાવાયું છે.