ગુજરાત વિધાનસભામાં ગૃહની ગરિમાને લાંછન લાગે અને લોકશાહી મૂલ્યોના લીરેલીરાઉ ઉડાવનારા કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને બે વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આખરે ગુજરાત હાઇકોર્ટ દ્વાર ખખડાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મહત્વની રિટ અરજીની અરજન્ટ સુનાવણી કરવા માટે પણ હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી છે, જેને પગલે આવતીકાલે કેસની સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે. બીજીબાજુ, વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો આ સમગ્ર મામલે ગુજરાત રાજયના રાજયપાલને મળવાના છે અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને અધ્યક્ષ દ્વારા નિયમ વિરૂધ્ધ સસ્પેન્ડ કરાયા હોવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરનાર છે. ગુજરાત કોંગ્રેસ તરફથી વિધાનસભામાંથી તેના ત્રણ ધારાસભ્યોને આટલા વર્ષો માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના આદેશની બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પિટિશનમાં એવો બચાવ અને આક્ષેપ રજૂ કરાયો છે કે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નિયમ વિરૂધ્ધ જઇને કોંગ્રેસના ધારાસભ્યોને ખોટી રીતે અને ગેરકાયદે રીતે ગૃહમાંથી આટલા લાંબા સમય સુધી સસ્પેન્ડ કરાયા છે, જે કરી શકાય નહી. કારણ કે, ધારાસભ્યો એ પ્રજા દ્વારા લોકશાહી પ્રણાલિ મારફતે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ છે અને તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવા માટે લોકપ્રતિનિધિની ભૂમિકામાં ગૃહમાં આવતા હોય છે, ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ પ્રકારે ગૃહમાંથી બહાર રાખી શકાય નહી. કોંગ્રેસ તરફથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ત્રણ સભ્યોનું કરાયેલું સસ્પેન્શન રદ કરવા અને વિધાનસભા અધ્યક્ષના આ અંગેના હુકમને રદબાતલ ઠરાવવા પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી. કેસની ગંભીરતા અને મહત્વતાને લઇ કોંગ્રેસે તેની આ પિટિશનમાં અરજન્ટ હીયરીંગ કરાવવા હાઇકોર્ટને વિનંતી કરી હતી, જેથી આવતીકાલે આ મહત્વપૂર્ણ કેસની સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે.