વિધાનસભામાં ફી નો પ્રશ્ન ગુંજ્યો હતો. ફી પ્રશ્ને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. નિયંત્રણ કમિટી અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ફી નિયંત્રણ કાયદામાં કોર્ટની કાર્યવાહીથી મોડું થયું છે. સુપ્રિમ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. શાળાઓએ કેટલી ફી લેવી એ સરકાર જ નક્કી કરશે. શાળાઓ અત્યારે જે ફી લેશે તે પ્રોવિઝનલ ફી હશે. સંચાલકોએ જે વધારાની ફી લીધી હશે, તે સરકાર ફી પરત અપાવશે. હાલ વાલીઓ થોડી ધીરજ રાખે. કામકાજ સલાહ સમિતિની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ટૂંકી મુદતનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઘાટલોડિયાની એક સ્કૂલમા ફી મામલે સ્કૂલ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, સરકાર વાલીઓ વતી લડી રહી છે. જે લોકો વાલીઓ નથી તેવા બનાવટી વાલીઓ પણ સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે શાળાઓ પ્રોવિઝનલ ફી લઈ શકે છે. શાળાઓ કામચલાઉ ફી જાહેર કરશે. પરંતુ તેથી વધુ ફી નહિ લઈ શકે. સુપ્રિમ કોર્ટનો આદેશ બધાએ માનવો પડશે.