પાટનગરમાં ગરમીથી ગાડી સળગવાનો ત્રીજો બનાવ બન્યો છે. આકાશમાંથી જેમ જેમ આગના ગોળા છુટી રહ્યા છે, તેમ તેમ આગના બનાવો વધી રહ્યા છે. સોમવારે સાંજના સમયે એસપી કચેરી સામે સેક્ટર ૨૪ તરફ જઇ રહેલી મારૂતિ વાનમાં આગ લાગી હતી. આ દરમિયાન જોત જોતામાં વાન આગવામાં સ્વાહા થઇ ગઇ હતી. રાહદારોઓએ ફાયર બ્રિગેડને ફોન કરતા તાત્કાલિક આવી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
એસપી કચેરી સામેથી પંકજભાઇ નારણભાઇ પટેલ પોતાની મારૂતિ વાન નંબર જીજે ૧૮ એએ ૪૧૨૨ લઇને જીઆઇડીસીમાંથી સેક્ટર ૨૪ તરફ પોતાના કામ અર્થે જઇ રહ્યા હતા. તે દરમિયાન એકા એક વાનમાં આગ લાગતા કારને એક તરફ રોકાવી દીધી હતી. બાદમાં ફાયર બ્રિગેડનો ફોન કરવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે કાબૂમાં લેવી મુશ્કેલ બનતી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી દીધી હતી. પરંતુ વાન આગમાં સ્વાહા થઇ ગઇ હતી.