કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇંપ્લીમેંટેશન દ્વારા સમગ્ર દેશમાં દર ૫
વર્ષે આર્થિક ગણતરીની કામગીરી હાથ ધરાય છે. જેના ભાગરૂપે જીલ્લામાં તાજેતરમાં આર્થિક ગણતરી સર્વેનો પ્રારંભ
કરવામાં આવ્યો છે. જેમાં કોમન સર્વિસ સેન્ટર મારફતે મોબાઇલ એપ દ્વારા જીલ્લાની ભૌગોલિક સરહદમાં આવતી
તમામ આર્થિક પ્રવૃતિઓ જેવી કે લારી-ગલ્લા, પાથરણા, રિક્ષા, દુકાન, ઓફિસો, કારખાના, ધાર્મિકસ્થળો વગેરે એકત્ર
કરાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા એ જણાવ્યુ કે, આ આર્થિક ગણતરી સર્વેની માહિતી રાજ્ય
તેમજ ભાવનગર જિલ્લાના સામાજિક તથા આર્થિક વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સમગ્ર દેશમાં ૭મી આર્થિક ગણતરી પ્રથમવાર ડિજિટલ પ્લૅટફૉર્મ પર થવા જઇ રહેલ હોઇ જે માટે આર્થિક ગણતરીની
કામગીરી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે મોબાઇલ એપ દ્વારા જિલ્લાની ભૌગોલિક સરહદમાં આવતા ઘરની
પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ ઘરમાં, ઘરની બહાર ચોક્કસ માળખા અને ઘરની બહાર ચોકકસ માળખા
સિવાય ચાલતી આર્થિક પ્રવૃતિઓ જેવી કે લારી-ગલ્લા, પાથરણા, રિક્ષા, દુકાન, ઓફિસો, કારખાના, ધાર્મિકસ્થળો
વિગેરે પ્રકારની ચોક્કસ માહિતી એકત્ર કરવામાં આવશે.
જેમાં ભાવનગર જીલ્લાના શહેરી અને ગ્રામ્યના અંદાજે ૧૬૮૨ ગણતરીદારો અને ૪૨૮ સુપેરવાઈઝરો મારફતે
મોબાઇલ એપ્લિકેશન દ્વારા આ માહિતી એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત NSSO અને જિલ્લા
પંચાયતની આંકડાશાખાના અધિકારીઓ દ્વારા દ્વિતીય કક્ષાનું સુપરવિઝન કરી સ્થળ પર ચકાસણી કરવામાં આવશે.
જેથી ગ્રામ્ય અને શહેરી કક્ષાની કામગીરી માટે દરેક સ્થાનિક સંસ્થા (ગ્રામ્ય પંચાયત અને નગરપાલિકા)ઓનો
સહયોગ લેવામાં આવશે.
ભાવનગરના જિલ્લા કલેક્ટરશ્રીએ ભાવનગરના તમામ નાગરીકોને દેશ પ્રત્યેની ફરજના ભાગરૂપે આર્થિક ગણતરીમાં
પુરતો સહયોગ આપવા અપીલ કરેલ છે.