ભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરાઈ

618

ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે રાજ્યમંત્રી વિભાવરીબેન દવે તથા સાંસદ ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ની ઉજવણી નિમિત્તે શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ તથા દીકરીઓને દત્તક લેનારા પાલક વાલીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે દીકરી માટે માબાપના રક્ષણ વગર વિકસવું ખૂબ કપરું છે ત્યારે સરકારના બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્યક્રમો એ ખરા અર્થમાં આવી દીકરીઓ માટે વાલીપણા ની ભૂમિકા ભજવે છે. એક બાજુ જ્યારે લોકો બાળકીઓની ગર્ભમાં જ હત્યા કરે છે ત્યારે સમાજમાં એવા પણ પાલક વાલીઓ છે જે દીકરાઓને નહીં પરંતુ દીકરીઓને દત્તક લઇ સમાજને નવો રાહ ચિંધી રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં ગાય અને કુમારિકાઓ વંદનીય છે ત્યારે સરકારએ બાલિકા દિવસ નિમિત્તે દિકરીઓ માટેની અનેક યોજનાઓ અમલમાં મુકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શાસનમાં આવ્યા પછી સૌથી વધુ કોઈ યોજના અમલમા મુકિ હોય, સૌથી વધુ કોઇ બાબતની ચિંતા કરી હોય તો એ દીકરીઓની કરી છે તેમ જણાવી વાલી દિકરી યોજના, કે.જી.બી.વી વગેરે જેવી યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે દિકરીઓને મદદરૂપ થવાનો આ આગવો કાર્યક્રમ છે.

સાંસદ ભારતીબેન શિયાળે આ પ્રસંગે જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે જે પહેલ કરી છે એ ખૂબ આવકારદાયક છે. ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ગામની દીકરી કાર્યક્રમની પ્રશંસા કરતા સાંસદએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી સમાજની માનસિકતા બદલવાનુ હકારાત્મક કાર્ય થઈ રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરુણ કુમાર બરનવાલે કે.જી.બી.વી.ની અભ્યાસમાં નબળી દીકરીઓ માટે વધારાના વર્ગો શરૂ કરવા અલગ ફંડ ફાળવવાની પણ જાહેરાત કરી હતી.આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ તથા રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓ તથા દિકરીઓને દતક લેનાર પાલક વાલીઓને મહાનુભવોના હસ્તે રૂ.૨.૫૮ લાખના ચેક અર્પણ કરી સન્માનિત કરાયાં હતા.તેમજ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નિમિતે હાજર રહેલ ૭૦૦ દિકરીઓને “બેટી બચાવો, બેટી પઢાવો” ના લોગો સાથેના સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરેલ બેગ આપવામા આવ્યા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ, મહિલા અને બાળ અધિકારી કાતરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દુધરેજીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.તાવિયાડ, રમત ગમત અધિકારી ગાંધી, દહેજ પ્રતિબંધક અધિકારી વૈશાલીબહેન તેમજ બહોળી સંખ્યામા અધિકારીઓ,પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleએલ.આર.વળીયા આટર્સ તથા પી.આર.મેહતા કોમર્સ કોલેજ દ્વારા પર્યાવરણ વિષય પર વ્યાખ્યાન યોજાયું
Next articleસાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ તથા સાયબર ક્રાઇમ અંતર્ગત બોટાદ જીલ્લા પોલીસનો તાલીમ વર્ગ યોજાયો