સર ટી.હોસ્પિ.માં કાર્ડિયોલોજીસ્ટ-ન્યુરોલોજીસ્ટની જગ્યા વર્ષોથી ખાલી

986
bvn2832018-10.jpg

ભાવનગરની પ્રખ્યાત અને સૌથી મોટી હોસ્પિટલ સર તખ્તસિંહજી આરોગ્ય ધામ ખાતે તબીબો સર્જનોની કાયમી ધોરણે ખાલી પડેલી જગ્યાના કારણે ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા યોગ્ય સારવારથી વંચિત રહેવા ઉપરાંત મજબુરી વશ ખાનગી હોસ્પિટલમાં આર્થિક રીતે લૂટાવા મજબુર બની રહ્યા છે.
સૌરાષ્ટ્રના માત્ર ભાવનગર જ નહિં પરંતુ અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગિર સોમનાથ ઉપરાંત વેરાવળ, સાવરકુંડલા, બરવાળા, સહિતના અનએક તાલુકાઓ તથા અસંખ્ય ગ્રામ્ય પંથકોમાંથી ખાસ કરીને ગરીબી રેખા તથા મધ્યમવર્ગીય પરિવારો નાની મોટી ગંભીર બિમારીઓ, આકસ્મીક ઘટનાઓ દરમ્યાન શારિરીક સારવાર અર્થે ભાવેણાના પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા તખ્તસિંહજી દ્વારા ગોહિલવાડ સ્ટેટની રૈયતની સર્વે સુખાકારી તથા સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવેલ “સર ટી. હોસ્પિટલ”નો આશરો લેતા હોય છે આ હોસ્પિટલનું સમગ્ર સંચાલન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે.
રાજાશાહીના સમયમાં વિદેશની અદ્યતન હોસ્પિટલો કરતા ચડિયાતી તથા સુવિધાઓ ભાવનગર રાજ દ્વારા પુરી પાડવામાં આવતી હતી પરંતુ આઝાદી બાદ સમગ્ર વહીવટ રાજ્ય સરકાર હસ્તગત થતા સાથે જ અત્રે સારવાર અર્થે આવતા દર્દીઓની માઠી દસા શરૂ થઈ છે. દેશના પ્રત્યેક નાગરિકને વિનામુલ્યે આરોગ્ય લક્ષીતમામ સેવાઓ સરળતા પૂર્વક અને વિના અવરોધે મળે તે અર્થે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત પ્રયત્ન શીલ હોવા ઉપરાંત વર્ષે દહાડે લાખો-કરોડો રૂપીયા સેવા માટે ફાળવવા સાથો સાથ અદ્યતન સાધનો પણ હોસ્પિટલને પ્રદાન કરવામાં આવે છે. પરંતુ સર ટી હોસ્પિટલનું અત્રે વ્યવસ્થાપન સંભાળતુ તંત્ર ભ્રષ્ટાચારનો અડીખમ અખાડો બની ચૂક્યુ છે. લાખો રૂપીયાની ગ્રાંટનો વહીવટ થઈ જાય છે ! મુળ વાત છેલ્લા ૫ વર્ષ કરતા વધુ સમય પૂર્વ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ કેન્સર હોસ્પિટલ આયોજનના અભાવે ધૂળખાઈ રહી છે આ ઉપરાંત આટલી મોટી હોસ્પિટલમાં હૃદયરોગ માટે સુપર સ્પેશ્યાલીસ્ટ કાર્ડીયો લોજીસ્ટ તથા મગજના રોગો માટે ન્યુરોલોજીસ્ટની જગ્યા વર્ષોથી ખાલી છે. આથી હૃદય સંબંધી તથા મગજને લગતી બીમારીથી ગ્રસ્ત દર્દીઓની સારવાર મેડીકલ કોલેજના ભાવી તબીબો તથા એમ.બી.બી.એસ. તબીબો દ્વારા પોતાના અનુભવ આવડત પ્રમાણે કરવામાં આવે છે પંરતુ મસ્તીષ્કની ઈજા અગર દર્દ મામલે અહી કોઈ હાથ ના પકડે ફરજીયાત પણે ખાનગી હોસ્પિટલ અથવા અમદાવાદ જવુ પડે ! 

હદ કરી હવે તો મોતનો મલાજો પણ નથી જાળવતા
સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ જેમાં પોલીસ તંત્રથી લઈને વોર્ડ બોય, સ્વીપર વર્ગ સુધીના તમામ કર્મીઓ પૈકી કેટલાકને મન આ હોસ્પિટલ એટલે ગરીબ દિનદુઃખીઓને નિચોવી નાણા કમાવવા માટેનુ એક આદર્શ માધ્યમથી વિશેષ કશુ જ નથી અહી જે સારવાર અર્થે આવ્યો તેનો ઈશ્વર જ માલીક જો નસીબ સારા હોય તો વહેલી તકે સ્વસ્થ બની સુખરૂપ ઘરે પહોચે બાકી..અહી માણસાઈ જેવુ કોઈ નામ નિશાન નથી અત્રે સારવાર અર્થે આવેલ કોઈ દર્દીનું મૃત્યુ થાય એટલે મરણ જનાર શારિરીક વેદનામાંથી મુક્ત જરૂર થાય પરંતુ તેની સાથેના પરિવારની કસોટી હવે શરૂ થાય કોઈ બનાવ સબબ મૃત્યુ થયુ હોય તો પ્રથમ શબના રીપોર્ટ અર્થે તબીબોને હાથ પગ જોડી નાણાનો નૈવેધ ધરવો પડે ત્યારબાદ પોલીસને અને પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટાકર્મીઓ હોસ્પિટલથી શબને તેના ઘર સુધી પહોચાડતી શબવાહિનીઓના ડ્રાઈવરો પાસેથી પણ નાણા વસુલે છે સમયસર અને સ્પષ્ટ કાર્યવાહી માટે કાવડીયા ખર્ચવા જરૂરી બને છે અન્યથા હેરાનગતી તો રહેવાની જ.

પ્રજા જાણે લોક પ્રશ્નો સાંભળવાએ નર્યુ નાટક…!
ભાવનગરના ધારાસભ્ય અને હાલ રાજ્યકક્ષાના પ્રધાન એવા વિભાવરીબેન દવે દ્વારા છેલ્લા ઘણા સમયથી સર ટી હોસ્પિટલમાં અવાર-નવાર લોક પ્રશ્ન સાંભળવા માટે આવે છે રાજ્ય તથા કેન્દ્ર બન્ને સ્થાનો પર ભાજપનું જ શાસન છે. સારવાર માટે આવેલ દર્દીઓ તેમજ દર્દીઓના સ્નેહીજનો દ્વારા હોસ્પિટલમાં એક્સ-રે વિભાગ લેબોરેટરી, તથા હાર્ટસર્જન મગજના નિષ્ણાત તબીબ ઉપરાંત અન્ય સવલતો વધે અને વર્ષો જુની માંગણીઓ સંતોષવામાં આવે તેવી પ્રત્યેક કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવે છે. પરંતુ મહિલા પ્રધાન માટે આ કાર્યક્રમ ખરા અર્થમાં લોક સંવેદનાને વાચા આપવા કે સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા માટેનો નહિ પરંતુ એક સસ્તી પ્રસિધ્ધી ઉપરાંત પક્ષે સુચવેલા રટીન કાર્યની રૂપરેખામાં આવતી બાબતથી વિશેષ કશુ જ નથી પોતે સબળ નેતૃત્વ ધારદાર રજુઆત સાથોસાથ રાજકીય આલમમાં વજનદાર વ્યક્તિત્વ ધરાવતા હોવા છતા લોકોને આશ્વાસનથી વિશેષ આજદિન સુધી કશુ આપી શક્યા નથી હોસ્પિટલ ભ્રષ્ટાચાર મુક્ત બને વાસ્તવીક પણે પ્રશ્ન ઉકેલાય અને દિન દર્દીના હૈયે ધરપત થાય તેવુ કાર્ય દર્શાવી પણ શક્યા નથી !

ભગવાન કોઈને દવાખાના દર્શન ન કરાવે : ગરીબની વેદના
તાજેતરમાં રંઘોળા પાસે જાન ભરેલ એક ટ્રક પલ્ટી ખાઈ જતા અનેક નિર્દોષો ગંભીર ઈજાઓ સાથે સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ ઈજાગ્રસ્તો પૈકી મોટા ભાગના લોકોને મસ્તકમાં ઈજા થઈ હોય પરંતુ હોસ્પિટલમાં ન્યુરોલોજી તબીબ ન હોવાના કારણએ ખાનગી હોસ્પિટલોમાંથી મગજના નિષ્ણાતોની સેવા લેવી પડી હતી આ ઘટના પરથી પણ તંત્ર કે સરકારે આજદિન સુધી ધડો લીધો નથી અને તાજેતરમાં મહુવા પાસે બાઈક પર સવાર બે યુવાનોને અકસ્માત નડતા ભાવનગર સર ટી હોસ્પટલમાં લાવવામાં આવેલ પરંતુ મગજનું ઓપરેશન તબીબ ન હોવાથી થઈ શકે તેમ ન હોય આથી આ પેશન્ટને ખાનગી હોસ્પિટલની ભલામણ અત્રેથી કરવામાં આવેલી પરંતુ ભોગગ્રસ્ત યુવાનના પરિવારની હાલત અત્યંત ગરીબ હોય નાણા સારવારની યોગ્ય વ્યવસ્થા કરે તે પૂર્વે બન્નેના મોત નિપજ્યા બે જુવાન જોધ કંધોતરના જીવનદિપ અકાળે બુઝાઈ જતા પરિવાર ભાંગી પડ્યો હતો અને અત્યંત વેદના સાથે જણાવ્યું કે હે ભગવાન ક્યારેય કોઈને સ્વપ્ને પણ દવાખાનાના દર્શન ન કરાવતા !

Previous articleધંધુકા – બગોદરા હાઈવે પર એકટીવા અને બાઈક વચ્ચે અકસ્માત : રના મોત
Next articleપાલીતાણા પીજીવીસીએલ કોલોનીમાં રાખેલ કેબલ વાયરમાં આગનો બનાવ