પોષણના અભાવે રાજ્યનું એકપણ બાળક કે સગર્ભા કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

600

રાજ્યના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓમાં રહેલા કુપોષણને દૂર કરવા રાજ્યભરમાં ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦નો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જુનામાંકા અને પીપલાણા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતીમાં પોષણ અભિયાન-૨૦૨૦નો શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરો દ્વારા મોબાઈલ એપ્લિકેશન મારફતે નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ તથા ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ અંગેની વિગતો પૂરી પાડવામાં આવે છે. જેના પર રાજ્ય સરકાર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામને યોગ્ય પોષણ મળી રહે તે માટે વિવિધ પોષણ કીટ પૂરી પાડવામાં આવે છે. કુપોષિત બાળકને તંદુરસ્ત બનાવવા સરકાર પ્રયત્નબદ્ધ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારશ્રીના પ્રયત્નોની સાથે સાથે કુપોષણ નિવારણને સમાજે જવાબદારી તરીકે સ્વીકારી લોકભાગીદારીથી કુપોષણ દૂર કરવા પોતાનું યોગદાન આપવું જોઈએ. માકાં જિલ્લા પંચાયત બેઠક હેઠળના ગામોના ૧૧૯ જેટલા કુપોષિત બાળકોને યોગ્ય પોષણ આપવા પાલકવાલી તરીકેની જવાબદારી સ્વિકારનાર અભિનંદનને પાત્ર છે. આ કુપોષિત બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ કીટ ઉપરાંત પોષણક્ષમ આહાર પૂરો પાડીને તેમને કુપોષણ મુક્ત કરવા તેમણે જવાબદારી સ્વિકારી છે. પોષણ અભિયાન-૨૦૨૦ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા ૦ થી ૬ માસના બાળકોની અન્નપ્રાશન વિધિ યોજાઈ હતી. સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓને ટી.એચ.આર. પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળ તંદુરસ્તી તથા વાનગી હરીફાઈના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

લોકભાગીદારી થકી કુપોષણ નિવારણ માટે સૌથી અગત્યનો ભાગ ભજવનાર પાલક વાલીઓનું મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને બેજ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પોષણ આરતી તથા પોષણ અદાલત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને બાળકોને સુપોષિત બનાવવા શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તાલુકા સંગઠનના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત બેઠકના સદસ્યશ્રી, આસપાસના ગામના સરપંચશ્રીઓ, આઈ.સી.ડી.એસ. વિભાગ તથા સંલગ્ન વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તથા આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં ગાંધી નિર્વાણ દિન-શહિદ દિન અને વસંત‌ પંચમીની ઉજવણી કરવામાં આવી.
Next articleરાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમા ગુજરાત પોષણ અભિયાનના બીજા દિવસે શિહોર તાલુકાના સોનગઢ તથા સણોસરા ગામે કાર્યક્રમો યોજાયા