માવતર ઓલમ્પિકમાં વડિલોનો જુસ્સો વધારવા ગુજરાતી ફિલ્મ સ્ટાર અને ધારાસભ્ય હિતુ કનોડિયા ઉપસ્થિતિ રહ્યા હતા.ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વડીલ માવતર માટે માવતર ઓલમ્પિક ૨૦૨૦ નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર તેમજ ધારાસભ્ય હિતુ કનોડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે વડીલો માટે લોકો એમ સમજે છે કે તેઓ હવે મેદાન છોડી ગયા છે પરંતુ આ ઓલમ્પિક દ્વારા તે સિદ્ધ થશે કે વડીલો હજુ મેદાનમાં જ છે અને કાયમ મેદાનમાં અડીખમ રહેશે. માવતર સંસ્થા દ્વારા ભાવનગરના માવતરો માટે કરવામાં આવતા ધુળેટી, ગરબા, મેડીકલ કેમ્પ, પ્રવાસ, ફિલ્મ શો, સત્સંગ વગેરેની માહિતી આપતા રાજ્ય મંત્રી જણાવ્યું હતું કે આ વર્ષે ૭૦૦ થી વધુ વડીલ ખેલાડીઓએ આ ઓલમ્પિકમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ ઉત્સવનો ભાગ બન્યા છે એ ખુબ આનંદની વાત છે. મંત્રીએ વધુમા જણાવ્યુ હતું કે વડીલોના ચહેરા પરનું હાસ્ય એ મારા માટે દુનિયાના સૌથી મોટા એવોર્ડ સમાન છે.
ફિલ્મ સ્ટાર તથા ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે વિભાવરીબેન દવેનું આ કાર્ય સૌને પ્રેરણા આપનારું છે, વૃદ્ધો પણ અહિ યુવાન બને છે.
માવતર ઓલમ્પિક ૨૦૨૦ માં ૭૦૦ થી વધુ વડીલોએ ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, રસાખેંચ, દોડ, ગોળા ફેંક, સ્લો સાયકલીંગ, લાંબી કુદ, લીંબુ ચમચી, લોટ ફુંક, સંગીત ખુરશી વગેરે જેવી રમતો માં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ તથા કૌવત દાખવ્યું હતું.કાર્યક્રમના અંતે સૌ વિજેતા ખેલાડીઓ તેમજ સહભાગી થયેલ ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો અર્પી સન્માનિત કરાયા હતા.
માવતર ઓલમ્પિક ૨૦૨૦ ના ઉદઘાટન સમારોહમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર મહિપતસિંહ ચાવડા, ઉદ્યોગપતિ સર્વ ગૌરવભાઈ શેઠ, અમિતભાઈ મહેતા, ચિરાગભાઈ પારેખ, પિયુષભાઈ તંબોલી, તથા સૈની સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં વડીલ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.