ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેકટરશ્રી જે.એસ.પ્રજાપતિનાં અધ્યક્ષસ્થાને વેરાવળ ખાતે આજે વિચરતી અને વિમુક્ત જાતિનાં લોકો માટે જાગૃતતાં શિબિર યોજાઇ હતી. જેમાં અધિક કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ઘરની બહેનોએ તેમનું ઘર વ્યસનમુક્ત બનાવવું જોઇએ. વ્યસન એ એક પ્રકારની માનસિક બિમારી છે, જેનાં પરિણામે વ્યસનની વ્યક્તિ તેમની અમુલ્ય જિંદગી વેડફે છે. આજનાં સમયમાં લોકોએ વ્યસનમુક્ત રહી તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ જીવન જીવવું જોઇએ.
વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરનાં મેને.ડિરેકટરશ્રી પ્રિયંકાબેન જાનવીએ વિવિધ યોજનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજીત ૪૦ જેટલી વિચરતી અને વિમુક્ત જાતિ છે. જેના માટે ગુજરાત સરકાર દરવર્ષે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરી આવી જાતિનાં લોકોનાં આર્થિક વિકાસ માટે કાર્ય કરે છે. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાની પસંદગી કરી આ વિસ્તારનાં લોકો વધુમાં વધુ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લઇ તે માટે જાગૃતતાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિચરતી અને વિમુક્ત જાતિનાં આગેવાનો ખુબ કાર્યશીલ રહી તેમની સમાજનાં લોકોને વિવિધ યોજનાઓનો લાભ અપાવવાં માટે સહયોગ આપે તે માટે તેઓને અનુરોધ કર્યો હતો. જિલ્લા સમાજ કલ્યાણ (વિ.)શ્રી પી.એમ.ભટ્ટે શાબ્દીક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે. તેનો વધુમાં વધુ લોકોએ લાભ લઇ તેમનો આર્થિક વિકાસ કરવા માટે અનુરોધ કર્યો હતો. ડો.પ્રો. વાળાએ શુકન્યા સમૃધ્ધી યોજના અને પ્રધાન મંત્રી અકસ્માત યોજના અંગે અને આચાર્ય એસ.એમ.બારેજીયાએ વ્યસનમુક્તિ માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન કે.બી.માકડીયાએ કર્યું હતું. આ તકે ચીફ ઓફીસરશ્રી જતીન મહેતા, અગ્રણીશ્રી સુરેશભાઇ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી એસ.જી.બારડ, જુ.ક્લાર્ક પી.ડી.બારડ અને મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા.