કેન્દ્ર સરકારે દેશમાંથી સંપૂર્ણપણે રક્તપિત્ત નિર્મૂલન માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જેના ભાગરૂપે ‘રક્તપિત્ત મુક્ત ગુજરાત’ના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની રક્તપિત્ત નિર્મૂલન અંગેની વિવિધ યોજનાઓ હેઠળ રક્તપિત્તના દર્દીઓને ઘરે બેઠા સારવાર તેમજ નવા કેસના સર્વેક્ષણની કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં રક્તપિત્ત નિર્મૂલન માટે આશા વર્કર બહેનો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ, આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં રક્તપિત્ત નિર્મૂલન માટે કાર્યરત નિપ્પોન ફાઉન્ડેશન જાપાનના ચેરમેન યુત યોહિ સાસાકાવાએ કહ્યું હતું કે, ‘આશા ફ્લીપ બુક’ ગુજરાતમાંથી રક્તપિત્ત નિર્મૂલન માટે આશા વર્કર બહેનોને ખૂબ જ મદદરૂપ થશે. ‘‘રક્તપિત્તની સારવાર શક્ય છે’’ તે થીમ સાથે પ્રકાશિત કરેલ આ પુસ્તકમાં રકતપિત્તના લક્ષણો, સારવાર અને જાગૃતિ અંગે સચિત્ર માહિતી આપવામાં આવી છે. WHO અને આરોગ્ય મંત્રાલયના સહયોગથી ભારતની વિવિધ સ્થાનિક ભાષાઓમાં પણ આ પ્રકારની પુસ્તિકાઓ પ્રકાશિત કરવા આવી છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘‘રક્તપિત્ત મુક્ત ભારત’’નું સ્વપ્ન સાકાર કરવામાં ખૂબ જ મહત્વની સાબિત થશે.
રક્તપિત્ત નિર્મૂલન અંગે યુત યોહિ સાસાકાવા દ્વારા ગુજરાતી ભાષામાં લેખિત ‘આશા ફ્લીપ બુક’નું આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરે તેમજ મહાનુંભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી રક્તપિત્ત નિર્મૂલન માટે કરવામાં આવતી કામગીરી અંગે આજે ગાંધીનગર ખાતે યુત યોહિ સાસાકાવાએ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, કેન્દ્ર સરકારના સેન્ટ્રલ લેપ્રસી ડીવીઝનના આસીસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ડૉ.મેઘા ખોબરાગડે, WHO નવી દિલ્હીના નેશનલ પ્રોફેશનલ ઓફીસર ડૉ.રશ્મી શુક્લા, લેપ્રસીના નાયબ નિયામકશ્રી ડૉ.ગિરીષ ઠાકર તેમજ ગુજરાતના હાઇ એન્ડેમીક જિલ્લા દાહોદ,પંચમહાલ,મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડના રક્તપિત્ત અધિકારીશ્રીઓ, ડીસ્ટ્રીક્ટ ન્યુક્લીઅસ તબીબી અધિકારીશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- WHOના ગુડવિલ એમ્બેસેડર, નિપ્પોન ફાઉન્ડેશન-જાપાનના ચેરમેન અને ગાંધી પીસ પ્રાઇઝ વિજેતા શ્રીયુત યોહિ સાસાકાવા તા. ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે હતા.