મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા અટલ ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલા “જ્ઞાન સપ્તાહ 2020″માં ગુજરાતી ભાષાના સર્વાધિક લોકપ્રિય લેખક-વક્તા શ્રી જય વસાવડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડૉ. મહિપતસિંહ ચાવડા દ્વારા શાબ્દિક આવકાર અને પરિચય વિધિ થયા બાદ શ્રી જય વસાવડાએ સોશ્યલ મીડિયા અને એનો યુવામાનસ પર પ્રભાવ બાબતે અત્યંત રસપ્રદ શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. નિજાનંદ માટે સમૂહ માધ્યમો ખૂબ ઉપયોગી ખરા, પરંતુ બીજાઓનું ધ્યાન રાખતા થઇએ ત્યારે તે ખતરનાક સાબિત થતાં હોય છે. ઈર્ષ્યા અને દુશ્મનીનો ભાવ રાખ્યા વગર જે કશું સારું નજરે ચડે એને બિરદાવવામાં આ પ્રકારના માધ્યમોનો ઉપયોગ થાય એ હિતાવહ છે. ઈન્ટરનેટ પર અનેક એવા પ્લેટફોર્મ છે જે યુવા પેઢીને શિક્ષણ, માર્ગદર્શન અને સ્વવિકાસ માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થતા હોય છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના પ્રસંગે અભૂતપૂર્વ સંખ્યામાં યુવાન વિદ્યાર્થીઓ, આમંત્રિત શ્રેષ્ઠીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાન સપ્તાહના સંયોજક પ્રા. હિમલ પંડ્યાએ કરેલ હતું.