સૂચિત ૨૦૨૦નું બેજટ સ્વૈચ્છીક સંસ્થાઓ માટે ખતરાની ઘંટડી…

547

ઠેર-ઠેર બજેટને આવકારતા લોકોએ સૂચિત બજેટનો અભ્યાસ કરવાની જરૂર છે. તેમાય સેવાકીય ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છીક સંસ્થાઓ માટે તે ખતરાની ઘંટડી સમાન છે.

(૧)ટેક્ષ રીટર્નમાં દાતાઓની વિગતો જાહેર કરવી પડશે.૮૦(G) ધરાવતી સ્વૈછિક સંસ્થાઓને કરદાતાઓને વળતરમાં કરાયેલ દાતાઓની માહિતીની વિગતો દરવર્ષે આવતી દાનની માહિતીનાં આધારે ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલમાં દર્શાવવાની રહેશે. એટલું જ નહી દાતાઓના આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ દાતાઓનાં દાનની વિગતનું રજીસ્ટર ચેરીટી સંસ્થાઓએ નિભાવવાનું રહેશે. તેમજ આ માહિતીની વિગતો દરવર્ષે ફરજીયાત આપવાની રહેશે.

(૨)૮૦(G)ના દાતાઓ નવા વૈકલ્પિક આવકવેરા સ્લેબની પસંદગી કરે તો ટેક્ષ રાહતમાં લાભ મળશે નહી. રૂ.૧૦ લાખથી ઓછી આવક ધરાવતી વ્યક્તિઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે જેથી ૮૦(જી) હેઠળનું દાન સંસ્થાઓ માટે ઘટશે.

(૩)12(A) અને 10(23C) ની નોંધણી દર ૫ વર્ષે રીન્યુ કરવાની રહેશે જે હાલ આજીવન છે.

પરિણામે ચેરીટી સંસ્થાઓની બિનજરૂરી પત્રકો અને ઇન્કમટેક્ષને લગતી અનેક કામગીરી વધશે. આ બધી કામગીરી સંપૂર્ણપણે ઈલેક્ટ્રોનિક રીતે કરવાની હોય સક્ષમ સ્ટાફ રોકવો પડશે પરિણામે સંસ્થાઓનો આર્થિક બોજ વધશે. પ્રક્રિયા જટિલ બનશે એટલું જ નહી તેની સેવાકીય પ્રવૃત્તિ પર ગંભીર અસર પડશે.

આઝાદી કાળથી રજુ થયેલ આજસુધીના અંદાજપત્રોમાં આવી સંસ્થાઓ માટે અનેક રાહતો જાહેર કરવામાં આવતી હતી. સેવાકીય પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા અવનવી યોજનાઓ પણ અંદાજપત્રોમાં સમયાન્તરે મુકવામાં આવી છે. પરિણામે દેશભરમાં લાખો સંસ્થાઓ આવી પ્રવૃતિઓ વંચિતો, પીડિતો, વિકલાંગો અને બીમાર લોકો માટે કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આવી પ્રવૃતિઓ શી રીતે કાર્યાન્વિત રહેશે તે વિચાર માંગી લે તેવી બાબત છે.

અંદાજપત્ર લોકોની સુખાકારી વધારનારું હોવું જોઈએ, લોકોને મળતી સુખ-સગવડ પર કાપ મુકનારું બજેટ અંગ્રેજ સરકારની યાદ અપાવે છે. ત્યારે ખોબલે ને ખોબલે મત પ્રાપ્ત કરી વિજેતા થનાર સાંસદોએ આવી સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિને જીવંત રાખવા આગળ આવવું જોઈએ.

નવા સૂચિત બજેટમાં કેટલીક અસમંજસ્તાઓ છે. નોંધણીની પ્રક્રિયાનાં સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા કેવા પગલાં લેવાશે તેની કોઈ સ્પષ્ટતા આપતી માર્ગદર્શિકા નથી. એટલું જ નહી બજેટની જોગવાઈઓમાં સેવાકીય પ્રવૃત્તિને વેગ મળે તેવી એકપણ જોગવાઈ કરવામાં આવી નથી, ત્યારે હું આ બજેટને વખોડું છુ તેમજ સૂચિત બજેટમાં યોગ્ય સુધારા કરવા આગળ આવવા અપીલ કરું છુ તેમ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘનાં પ્રમુખશ્રી લાભુભાઈ ટી. સોનાણીએ એક અખબારી યાદી દ્વારા સૂચિત બજેટને વખોડી રદયો આપ્યો છે.

લાભુભાઈ ટી. સોનાણી

ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ

Previous articleહરિઓમ આશ્રમ દ્રારા પ્રથમ નંબરે ૫૧ હજાર, બીજા નંબરે ૩૧ હજાર અને ત્રીજા નંબરે વિજેતા સ્પર્ધકને ૨૧ હજાર રોકડ પુરસ્કાર એનાયત
Next articleફાયર બ્રિગેડ સ્ટેશન સામે ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી