રાજ્ય સરકારે અદાણીને ૫.૫ કરોડ ચોમી જમીન પાણીના ભાવે વેચી દીધાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કૉંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે મંગળવારે તારાંકિત પ્રશ્નોત્તરીમાં કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં સરકારી પડતર જમીન મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ફાળવાઈ હોવાની માહિતી મહેસૂલ મંત્રી પાસે માગી હતી. મુન્દ્રા અને માંડવી તાલુકામાં મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ૫,૦૫,૦૧,૯૭૭ ચોમી જમીન વેચાણ આપી હોવાનું રાજ્ય સરકારે જવાબમાં કબૂલ્યું હતું.
પરમારે ગૃહની બહાર જણાવ્યું હતું કે, ૫ ઉદ્યોગપતિની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની ૫.૫ કરોડ ચોમી કરતાં વધુ જમીન માત્ર રૂ. ૨ પ્રતિ ચોમીથી રૂ. ૩૪ પ્રતિ ચોમીના ભાવે વેચી દીધી છે. આજ પ્રકારે કરોડો રૂપિયાની જમીન સરકાર ખાનગી કંપનીઓને વેચી રહી છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં ગૌચર વિનાના ગામોની સંખ્યા ૧૦૩ છે. પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર મૂંગા પશુઓના ચરિયાણ માટે ગામોને ગૌચરની જમીન ફાળવતી નથી અને ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનોની લહાણી કરે છે.