ગાંધીનગર જિલ્લા ટીબી કંટ્રોલ સોસાયટી દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર સતીશ પટેલે જણાવ્યું હતુ કે દેશમાં દર વર્ષે ચાર લાખથી વધુ લોકો ક્ષય રોગથી મૃત્યુ પામે છે.
વિશ્વના કુલ ટીબીના દર્દીઓમાં ૨૭ ટકા જેટલું પ્રમાણ ભારત દેશમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૩૦ સુધીમાં ‘‘ટી.બી.મુકત ઇન્ડીયા’’ અભિયાન ચલાવ્યુ છે ત્યારે ગાંધીનગર જિલ્લો પાંચ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુકત બને તેવા ક્ષય રોગની સારવાર સાથે સંકળાયેલ ડોકટર અને કર્મચારીઓને શ્રેષ્ડ કામગીરી કરવા આહવાન કર્યુ હતું.
જિલ્લા વિકાસ અધીકારી દેવાંગ દેસાઇ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. એમ. એમ. સોલંકીની ઉપસ્થિતીમાં ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ-૨૦૧૭માં શ્રેષ્ડ કામગીરી કરનાર મેડીકલ ઓફીસર, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, હેલ્થ વર્કર સહિત ખાનગી ડોકટરોનું જિલ્લા કલેકટર સતીશ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધીકારી દેવાંગ દેસાઇ જણાવ્યું હતુ કે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તમામ ટી.બી.ના દર્દીઓ માટે ફ્રી સારવાર ઉપલબ્ધ છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ખાનગી ડોકટરો પણ ટી.બી.ના ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરે. ગાંધીનગર જિલ્લામાં ૨૧૩૧ ટી.બી.ના દર્દીઓ શોધાયા છે. જે પૈકી ૯૮૯ ચેપી દર્દીઓ મળી આવ્યા છે.
ગાંધીનગર જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે કાર્યરત સ્ટાફ દ્વારા ટી.બી.ના દર્દીઓને કઠોળ, ખજુર, દૂધ જેવી સવલતો વિનામૂલ્યે આપી સેવા બજાવે છે. કલોલ તાલુકાની મોટી ભોયણ ખાતે આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્ટ દ્વારા ૨૦ જેટલા દર્દીઓને દવા – કરિયાણાની કીટનું વિતરણ સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ નવીનકુમાર શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.