દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા.ર૩-૩-૧૮ના રોજ જમાલપુરથી નિશાન (ધજા) સાથે ભડીયાદ ખાતે આવનાર જનમેદનીનું જગન્નાથ મંદિરના મહંતબાપુ દ્વારા સ્વાગત કરી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
જમાલપુરથી નિશાન લઈને નિકળેલ જનમેદની ધોળકા, ગુંદી, ફેદરા, પચ્છમ અને છેલ્લુ રાત્રિ રોકાણ જાંબુડા હનુમાન મંદિરે કર્યા બાદ અને સવારના ૧૧-૩૦ કલાકે મહેમુદશા બીખારીદાદાની દરગાહ પર ‘ધુમ બુખારી ધુમ-ધુમ દાદા કી’ના નારા વચ્ચે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરગાહ પર ધોબી પરિવાર અને દલિત પરિવાર દ્વારા નિશાન ચઢાવવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન ગુજરાત તથા અન્ય પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, એમ.પી., રાજસ્થાનમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભડીયાદ પીર ખાતે મુસ્લિમ ભાઈઓ-બહેનો સલામ ભર્યા બાદ સરમુબારક-ધંધુકા ખાતે સલામ ભરી પરત ફરતા જોવા મળ્યા હતા.
તો વળી ઉર્ષમાં આવનાર શ્રધ્ધાળુઓ માટે ધંધુકાથી એસ.ટી. બસોની એકસ્ટ્રા બસો દોડાવી સતત સેવા પુરી પડાઈ હતી તો પોલીસ વિભાગ તરફ ઉચ્ચ અધિકારીઓની બાજનજર નીચે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હિન્દુ-મુસ્લિમ સમાજના એકતાના પ્રતિકા સમા આ ઉર્ષમાં શાંતિમય વાતાવરણમાં આજે નિશાન ચઢાવવામાં આવ્યું હતું. તો વળી ઉર્ષના સમય દરમ્યાન વાતાવરણમાં એકાએક ગરમીનું પ્રમાણ વધી જતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓની સુચના પ્રમાણે શ્રધ્ધાળુઓને આરોગ્ય વિષયક સેવા પુરી પાડવા ફેદરા, પચ્છમ, પીપળી, ધોલેરા ખાતે કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા.