‘મારું જીવન એ જ મારી વાણી’ ઉક્તિ પ્રેરણાનો સાગર છે. તેનું મનન કરવાથી ચૂંટેલા વિચારોના સુગંધી પુષ્પો જીવનરૂપી બાગમાં ખીલી ઊઠે છે. સુંદર વિચારોની મહેક જીવનરૂપી વિચારોના ફૂલ–ઝાડને શોભા આપે છે. બાગની મહેક આસપાસના જગતને પોતાની સુવાસ વડે ભરી દે છે. મહાત્મા ગાંધી એક એવા વિચારોનો મઘમઘતો બાગ હતા. જેની સુવાસ આપણને આજે પણ રોમાંચિત કરી રહી છે. નરસી મહેતાનું ભજન બાપુને બહુ પ્રિય હતું:
“વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે”
નરસી મહેતાના પદના શબ્દો આપણા અંતરપ્રદેશને પ્રેરણાની વર્ષા વડે ભીંજવી દે છે. એક વખત જેનું અંતર કરુણાની વર્ષાના શબ્દ વડે ભીંજાઈ તરબતર થઈ જાય છે, તેના દિલમાં સંવેદનાનું સરોવર હિલોળા લેવા લાગે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના માનવતાના મુલકનો સમ્રાટ બની રાજ કરવા લાગે છે. એટલું જ નહિ,તે સૌ કોઈના હૃદયમાં સ્થાન પામી“વૈષ્ણવજન”નું સન્માન હાંસલ કરી લે છે. આવું સન્માન મેળવનાર ખરા અર્થમાં ઈશ્વરનો અર્થાત પરમ તત્વનો અંશ બની પોતાની માનવતાને દિપાવે છે. પદના શબ્દ કોઈ ચોક્કસ ધર્મ ધારણ કરનાર વ્યક્તિને ઉદ્દેશી કહેવામાં આવ્યા નથી. કવિની દ્રષ્ટીએ મનની શુદ્ધિ માટેનું સ્નાન એટલે જ “ વૈષ્ણવજન”. કોઈ પણ ધર્મના લોકોને પદના શબ્દો પૂરેપૂરા લાગુ પડે છે. માણસ તેના ગુણો વડે “વૈષ્ણવજન” બની શકે છે. બીજાનું સારું કરનાર વ્યક્તિ મનમાં પણ કરેલા ઉપકાર માટે અભિમાન ન અનુભવે તો તે “વૈષ્ણવજન” છે. અન્ય ધર્મનો વ્યક્તિ ઇચ્છે તો વૈષ્ણવ શબ્દના સ્થાને પોતાના ધર્મનો શબ્દ વાપરી શકે છે. શરત માત્ર નિરભિમાની બની કર્મ કરવાની હોય છે. મોહ,માયા આદિ ભૂલથી પણ મનમાં પ્રવેશવા ન જોઈએ. કવિએ દ્રઢ મનોબળ કેળવી વૈરાગ ધારણ કરવા કહ્યું છે. કામ, અર્થાત વાસના અને ક્રોધ અર્થાત ગુસ્સો જેવા દૂરગુણોને તિલાંજલિ આપવા મર્મ કરી નરસી મહેતા કહે છે. “હે પામર જીવ તારે આજ નહિ તો કાલ આ દુનિયામાંથી વિદાય થવાનું છે. તેથી મોહ માયામાં ફસાઈને તારો માનવ અવતાર ગુમાવીશ નહિ. તારી પત્ની સિવાયની સ્ત્રીને તું માતાની દ્રષ્ટીએ જોવાનું રાખજે. અન્યથા તું મોહમાં ફસાઈ દૂરગતિને પામીશ. રામનામ અને તારું કર્મ કોઈ પણ દંભ વિના તું બજાવતો રહીશ તો તારું જ નહિ તારા વારસદારોનું પણ ભલું થશે.
તારી એકોતેર પેઢી ઉગારવા બધા વચનોનું પાલન કરવામાં આળસ કરીશ નહિ. મોહનદાસ ગાંધી પોતાના કર્મો વડે જ મહાત્મા બની શક્યા છે. તેમણે નરસી મહેતાના પદને પચાવી પોતાનું કર્મ બજાવ્યું હતું. તેથી તેઓ આપણા સૌની પ્રેરણામૂર્તિ બની ગયા છે. આદર્શ જીવન જીવી તેમણે આપણને સૌને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ મને વૈષ્ણવજન પર મારા વિચારો રજૂ કરવા એક સૂચન વાચક વર્ગમાંથી મળ્યું હતું. તે દિવસે હું ખૂબ બેચેન હતો. નિરાશ અને ઉદાસ પણ થઈ ગયો હતો. અંતરમાં મોટું તોફાન જાગ્યું હતું. વિચારો શાંત પડતા ન હતા. નારાજગી પોતાનો જમાવેલો કબજો છોડવાનું નામ નહોતી લેતી. કારણ સ્પષ્ટ હતું: બાપુની હત્યાનો એ દિવસ હતો. જ્યારે–જ્યારે આ દિવસ આવે છે, ત્યારે–ત્યારે હું દુ:ખી અને નિરાશ થઈ જતો હોઉં છું. બાપુની હત્યા સમયે ઘટેલી ઘટના દ્રશ્યમાન છે. ઓગણીસસો અડતાલીશમાં ઘટેલી ઘટનાનું શબ્દ- ચિત્ર મારા મગજ પર છવાઈ મોટું તોફાન ઊભું કરી દે છે. દેશ માટે આખું આયખુ અર્પણ કરનાર મહાપુરુષનો આવો કરુણ અંત લાવનાર હત્યારો તેમ કરી શું સાબિત કરવા માગતો હતો? તે મને સમજાતું નથી. પોતાની ચિંતા કર્યા વિના પીડિત સમાજ અને દેશ ખાતર દિવસ–રાત કાર્ય કરનાર વ્યક્તિને નવાજવાના બદલે મૃત્યુદંડની સજા કરવાનો નથુરામ ગોડસેને શો અધિકાર હતો? ગોડસે અસત્યનો સહારો લઈ. ભીડમાંથી દર્શન અને પ્રણામ કરવાના બાને બાપુને, આગળ આવી એક પછી એક એમ ત્રણ ગોળી વડે વીંધી નાખ્યા. “હે રામ” કહી બાપુ ઢળી પડ્યા. ખરેખર બાપુ નહિ દેશની શાન ઢળી પડી હતી. ઉપકારનો બદલો અપકારથી અપાયો હતો. એટલે જ કદાચ આઝાદ દેશમાં આજે પણ ભ્રષ્ટ લોકો પૂજાય છે. નથુરામ ગોડસેની ત્રણ ગોળીઓએ આપણું ત્રણ રીતે પતન કરી નાખ્યું છે.
(૧) કામચોરી:
દેશનો નાગરિક હક માટે જેટલો જાગૃત રહે છે, તેટલો ફરજ બજાવા તૈયાર હોતો નથી. કર્મચારીઓને તગડો પગાર મળે છે, પણ કામમાં તેઓ થાથાં થૈયાં કરે છે.
(૨) અસત્યનું આચરણ:
દેશનો નાગરિક અનેક પ્રકારના અસત્યો આચરતો થયો છે.નોકરી વ્યવસાયમાં અપ્રામાણિકતાએ માઝા મૂકી છે. પગાર મુજબ કર્મચારીઓ ફરજ અદા કરતાં નથી. વેપારીઓ કે ઉદ્યોગપતિઓ નફાના પ્રમાણમાં ગુણવત્તા ધરાવતી ચીજ–વસ્તુઓ ગ્રાહકને સરળતાથી ઉપલબ્ધ બને તેવી કાળજી રાખતા નથી. કેટલાક ઉત્પાદનો કે વેચાણોમાં ઝેરી પદાર્થો પણ ભેળવી, નફો કમાઈ લેવા અનેક પ્રકારના અખતરાઓ કરવામાં આવે છે. અખાદ્ય પદાર્થો ખાદ્ય પદાર્થોમાં ભેળવી ગ્રાહકોને પધરાવી દેવામાં આવતા હોય છે.
(૩) ભ્રષ્ટાચારથી દેશ દબાયો છે:
દેશના સત્તાધીશો કમિશન અને લાંચ–રુશ્વત વિના એક પણ કામ કરતાં નથી. ધારાસભા કે લોકસભા અથવા રાજ્યસભામાં ધાર્યા ખરડા પસાર કરવા આવા સભ્યોના મતની ખરીદી કરવામાં આવે છે. એટલું જ નહિ બહુમતિ પુરવાર કરવા પણ આવી જ ખરીદ–વેચાણ ચાલે છે.
હું આ બાપુને વાગેલી ત્રણ ગોળીનું પાપ માનુ છું. નથુરામની ત્રણ ગોળીએ દેશની કમર ભાંગી નાખી છે. જેના કારણે દેશનો નાગરિક બધું સહન કરી લેવા ટેવાઈ ગયો છે. પથારીવશ કમર ભાંગલો દર્દી જેમ બધું ચલાવી લેવા ટેવાઈ જાય છે. તેમ આપણે પણ ટેવાઈ ગયા છીએ. તમે કહેશો કે: ‘બાપુનો આશીર્વાદ મળ્યો હોવા છતાં દેશનો નાગરિક સંતોષી કેમ બની શકતો નથી? તેને વધુ મેળવવાની લાલચ કેમ છૂંટતી નથી?’ ઉત્તર સાવ સરળ છે: ‘શાકમાં મીઠું વધુ પડી જાય તો તે ખારું થઈ જાય છે. ખારા શાકમાં થોડી ખટાશ ઉમેરી દેવામાં આવે તો ખારાશ ઓછી થઈ જાય છે. એવી જ રીતે ગળપણ વધી જાય તો તે ઓછું કરવા ખારાશ અથવા ખટાશ ઉમેરવી પડે છે. આઝાદ દેશમાં કમાણી કરી લેવા લાલચ વધી પણ તેને ઓછી કરવા તેના ઉપાય માટે કોઈ કામ થયું નથી. નથુરામની કડવાશને ટેકો મળે તેવા કામ દેશના ખૂણેખાંચરે ચાલતા રહે છે. સરકાર આવા લોકોને પાછલા બારણે ટેકો કરી રહી છે. તેથી દેશનો નાગરિક હજુ સુધી આઝાદીના મિઠા ફળનો સ્વાદ પામી શક્યો નથી. બંધારણની જોગવાયો અને યોજનાઓ કાગળના ઢગલામાં ઢંકાય ગુંગળાય છે. શાસક બદલાયો જરૂર છે, નીતિ બદલાઈ નથી. ઊલમાંથી ચૂલમાં પડેલો નાગરિક વિવશ થઈ ગયો છે. મૂંગા મોંએ તે સહન કરતો રહે છે. ન કરે તેની બોલતી બંધ કરી દેવામાં આવે છે. જે મહાત્માને દુનિયાએ માન આપ્યું, તે મહાત્માને આપણા દેશના નાગરિકે ગોળી મારી પ્રાણ લીધો. આપણે તેની એકસો પચાસમી જન્મ જયંતી ઉજવવાનું નાટક કરી રહ્યા છીએ. નાટક કરનાર કંપની પોતાનું પેટ ભરવા ગામેગામ નાટકો લઈ જઈ બજવે છે. તેમ આપણા રાજકીય નેતાઓ પણ પોતાનું પેટ ભરવા બાપુની જન્મ જયંતી ઉજવવાનું નાટક સમગ્ર દેશમાં કરી રહ્યા છે. આવા દંભી લોકોને હવે આપણે ઓળખતા શીખવું પડશે. બાપુનો ડગલે ને પગલે ચેક વટાવતા નેતાઓને પાઠ ભણાવવો પડશે. બાપુએ સત્યની તલવાર વડે આપણને આઝાદી અપાવી હતી. જ્યારે આઝાદ દેશના શાસકો અસત્યની ધારદાર તલવાર ચલાવી સત્તાનું સિંહાસન જમાવી રહ્યા છે, ત્યારે પ્રજા અર્થાત દેશના દરેક નાગરિકે જાગૃત બનવુ પડશે.
“દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ,
સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ”
કાવ્ય પંક્તિના શબ્દો આપણા દિલને સ્પર્શા હોય તેવું ક્યાંય જોવા મળતું નથી, ત્યારે નરસી મહેતાના પદને સમજવા અને હાથવગું કરવાનો વિચાર કરનાર અમારી દીકરી મેનાબા જાડેજાને ધન્યવાદ આપું છું. આજના ધમાલિયા યુગમાં આધ્યાત્મિક પદના શબ્દોને હૃદયસ્થ કરવાની ભાવના જાગવી એ પણ ખૂબ જ સારી નિશાની છે.મેનાબા અમારી શાળાની ખૂબ તેજસ્વી વિધાર્થિની હતા. તબલાના માસ્ટર કલાકાર બનવાની ધગશથી તેમણે મહેનત ઉઠાવી હતી. ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ રાજ્યકક્ષાની નાટ્ય સ્પર્ધામાં તેઓ અમારી શાળાના એક સ્પર્ધક કલાકાર હતાં. “આત્માના આસું” નામના નાટકનો બીજો નંબર આવ્યો હતો. જ્યારે “જય કનૈયાલાલ કી” નાટકનો ત્રીજો નંબર આવ્યો હતો. બંને નાટકમાં દિગ્દર્શક અને સહદિગ્દર્શક તરીકે શાળાના શિક્ષિકા બહેનો શ્રી ભાવનાબેન મજીઠિયા અને શ્રી નીતાબેન રૈયાએ પોતાની સરાહનીય ભૂમિકા અદા કરી હતી. બંને બહેનોને અભિનંદન. તેમના માર્ગદર્શનથી શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં રંગ રાખ્યો હતો! બંને નાટક પ્રથમ અને દ્વિતીય હતાં. પણ યજમાન સંસ્થા હોવાના નાતે થોડી ઉદારતા રાખી,નિર્ણાયકોએ નિર્ણય કર્યો હતો. અંતિમ નિર્ણય કરતા પહેલા આ અંગે શાળાના સંચાલક તરીકે જવાબદાર વ્યક્તિ હોવાના નાતે મારો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેથી પરિણામની પૂરી વિગતો મને આજે પણ યાદ છે. નિર્ણાયકોએ અભિપ્રાય માગ્યો ત્યારે યજમાન સંસ્થાએ ઉદારતા દાખવી પ્રથમ નંબર છોડી દીધો. તેવી ઉદારતા રાખવા દેશનો નાગરિક મન મનાવી શકશે, ત્યારે ખરા “વૈષ્ણવજન” બનવાનો માર્ગ મોકળો થઈ શકશે. આપણે લોભ ત્યાગી ઉદાર બનવું પડશે. મેનાબા આવા કાર્યના સાક્ષી બની ચૂક્યાં છે. તેથી જ કદાચ તેમને “વૈષ્ણવજન” શબ્દ સ્પર્શી શક્યો છે.
જ્યારે આભ ફાટે છે, ત્યારે તેને થીંગડું દઈ શકાતું નથી, પણ વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમ લોભ લાલચરૂપી અંધકારને ખાળવા આપણે પોતે ઉદાર બનવા યત્ન આદરવો જોઈએ. જેમ–જેમ આપણે ઉદારતા બતાવવા લાગીએ છીએ, તેમ–તેમ અન્ય લોકો પણ આપણને અનુસરવા લાગે છે. બીજાની પરવાર કર્યા વિના સારા કાર્યનો જે પ્રારંભ કરી દે છે, તે દરેક સાચો “વૈષ્ણવજન” ગણાય છે. વૈષ્ણવ ધર્મ પાળનાર વ્યક્તિ જ વૈષ્ણવજન નથી. તેમ વિશ્લેષકોનું માનવું છે. પોતાનું ઉદાહરણ આપી કવિ કહે છે: ‘જે આવો ઉદાર “વૈષ્વજન” બની શકે છે, તેની એકોતેર પેઢી ઊગરી જાય છે.’ પદના શબ્દો કોઈપણ ધર્મનો વ્યક્તિ પોતાના ધર્મનો શબ્દ મૂકી ગાય શકે છે.
દા. ત. “મુસ્લિમજન તો તેને રે કહીએ જે પીડપરાઈ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે”
બીજાને મદદ કરી મનમાં પણ અભિમાન ન અનુભવે તે ખરો ‘વૈષ્ણવજન’ છે. માનવ અવતાર પણ આપણને અન્યના ઉપકારથી મળ્યો છે. તે દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ. આપણે અન્ય પર ઉપકાર કરી તેનું ઋણ અદા કરવું જોઈએ. જો આપણે તેમ કરી શકતા હોઈએ તો તેમાં પણ પરમતત્વની કૃપા હોય છે. તેથી આપણે તેનું અભિમાન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. આપણે આ બધું એક ક્ષણમાં ભૂલી જતા હોઈએ છીએ. મનમાં શ્વાન જેમ ફુલાયી કહેતા હોઈએ છીએ.
“હું કરું, હું કરું સકટનો ભાર જેમ શ્વાન તાણે”
કૂતરાને ખબર નથી સકટ અર્થાત ગાડું તેનાથી ચાલતું નથી. ગાડું ચલાવનાર બીજું કોઈ છે. આપણને પણ ખબર નથી હોતી કાર્ય થયું છે, તેમાં આપણું કોઈ પરાક્રમ નથી. તેને સફળ બનાવામાં કોઈ અન્યનો ટેકો આપણને છૂપી રીતે મળ્યો છે. તેથી આપણે અભિમાન કરવા લાગીએ છીએ. હમણાં-હમણાં નાના–મોટા કાર્યોમાં આવું ખૂબ સાંભળવા મળે છે. નોકરી માટે પસંદ થયેલા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને રેલવેમાં યોગ્ય કામગીરી ફાળવવામાં આવી ન હતી. આ પ્રશ્ને ઘણી ધમાલ ચાલતી હતી. કેટલાક મિત્રો આ અંગે વ્હોટસ એપ પર ચર્ચા પણ કરતા હતા. સોનાણીસાહેબને કહેવાની જરૂર નથી. તેને કહેવાથી જશ તેમને મળી જશે. તેથી મારી પર મદદ માટે ફોન આવ્યો હતો, તેમ છતાં મળવા ગયેલા લોકોએ મને બોલાવ્યો નહિ. અમારા કનુભાઈ પટેલનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે ઓર્ડર અંગે ચર્ચા કરવા રેલવે અધિકારીઓને મળવા મિત્રો પહોંચી ગયા છે. બધું વેરવિખેર થયા પછી મારો સંપર્ક કરવામાં આવ્યો. ઈશ્વરકૃપાથી પરિણામ ઘણું સારું મળ્યું છે. આપણે સ્થૂળ પ્રસંશાથી અળગા થઈ શકીશુ તો જરૂર સુખી બની શકીશું. “વૈષ્ણવજન” નો આ સાર છે. મહાશક્તિ અથવા પરમતત્વનો આ સંદેશ પણ છે. બાપુની પ્રેરણા મને અને તમને “મારું જીવન એ જ મારી વાણી” ગગનભેદી નાદથી રાત–દિવસ ઢંઢોળે છે.
“ગાંધી બાપુ તમે અવતાર લીધો,
ભૂમિનો ભાર ઉતારી દીધો.
બાપુ તમે મોટો ઉપકાર કીધો,
પણ અમે તેનો વિનાશ કરી દીધો”
“ધાર્યું હતું આઝાદ વૃક્ષના મીઠાં ફળ ચાખીશું,
કોઈ કાગડો આવી વૃક્ષના બધાં ફૂલ ખાઈ ગયો,
કહે “ઝગમગ” આવી મૂળ તેના કઠિયારો ખોદી ગયો”.
અસ્તુ