કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં પરીક્ષા કાઉન્સેલિંગ
સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષાનો ભય કઈ રીતે દૂર થાય, પરીક્ષાના તણાવ માંથી કઈ રીતે મુક્તિ મળે તે
બાબતે ચર્ચા કરવામા આવી હતી. જેમા પરીક્ષાને પરીક્ષા તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે લઈ વાલીઓને
વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો ભાર ન આપવા જણાવ્યું હતુ. બાળક મહત્વનું છે પરીક્ષા નહીં એ બાબત ધ્યાને લઈ
કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, તેમજ શિક્ષકોના મૂંઝવણભર્યા પ્રશ્નોનો નિકાલ થાય અને પરીક્ષાનો માનસિક
ભય દૂર થાય તે માટેનો કાઉન્સેલિંગ સમિતિના તમામ સભ્યોને પ્રયત્નશીલ રહેવા અધ્યક્ષ સ્થાનેથી જણાવાયુ હતું.
આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આ બેઠકનો મૂળ હેતુ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા છે તેમને જો કોઇ
પ્રશ્ન, સમસ્યા અથવા કોઈ ભય હોય તો તેમનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપી વિદ્યાર્થી કોઈ અનુચિત પગલું
ન ભરે એ માટે કાર્ય કરવાનો છે. તે માટે જિલ્લા કક્ષાની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે જેમાં અધિકારીઓના
સંપર્ક નંબરો સહિતની માહિતી ઉપલબ્ધ છે જેના દ્વારા વાલી કે વિદ્યાર્થી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. કલેક્ટરશ્રીએ
વાલીઓ માટે સંદેશ આપતા જણાવ્યુ હતું કે વાલીઓ બાળક ચિંતામાં ગરકાવ થઈ જાય, દુઃખી થાય અથવા તો
લઘુતાગ્રંથિ અનુભવે તે પ્રકારનું વર્તન ઘરમાં ન ઉદભવે તેની કાળજી રાખે તેમજ વિદ્યાર્થીઓ જોગ સંદેશ આપતાં
જણાવ્યું હતું કે જીવનના અલગ અલગ ઘણા તબક્કાઓ હોય છે જેમાં દરેક તબક્કે ઉત્તીર્ણ થવાય જ એ જરૂરી નથી
કોઈ ક્ષેત્રમાં નિષ્ફળતા સાંપડે તો કોઈ ક્ષેત્રમાં સફળતા પણ મળે આથી કોઇ પણ પ્રકારની ચિંતા, ભય કે દેખાદેખી
રાખ્યા વગર નિશ્ચિંત પણે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જી.સી.ઇ.આર.ટી. ના પૂર્વ નિયામક નલિન પંડિત, મનોચિકિત્સક ડો. પંચાલ, છાયાબેન પારેખ, ડી.ઇ.ઓ
શ્રી એન. જી. વ્યાસ, ઈ.આઈ., આચાર્યો, કેળવણીકાર, તજજ્ઞો તેમજ તાલુકા-જિલ્લા કક્ષાના પરીક્ષા કાઉન્સેલીંગના
સભ્યો હાજર રહ્યા હતા