અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન નાગરવેલ હનુમાન મંદિર ખાતે ચૈત્ર સુદ પુનમને તા.૩૧-૩-ર૦૧૮ને શનિવારના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે આયોજીત હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં વિશેષ રૂપે સવારે ૬-૦૦ વાગે ઉત્થાપન આરતી અને ત્રિયંજન, ૮-૩૦ વાગે ધ્વજારોહણ, ૯ થી ૧ર મનોજ પુજારીજીના મુખારવિંદે સુંદરકાંડનો પાઠ, બપોરે ૧ર થી ૧ર-૩૦ કલાકે હનુમાન જન્મોત્સવની ઉજવણી અને ભજન-કિર્તન તથા છપ્પન ભોગ (અન્નકુટ) ધરાવવામાં આવશે. બપોરે ૧ થી ૪ મહાપ્રસાદી વિતરણ (ભંડારો), સાંજે ૭ થી ૧૦ વાગે જુદી જુદી ભજન મંડળીઓ દ્વારા ભજન સંધ્યાના આયોજનની સાથે મંદિરના મહંત રંગનાથાચાર્યજી મહારાજ ભાવિક ભક્તોને પ્રવચન દ્વારા હનુમાનજી મહત્તાનું રસપાન કરાવશે. સાંજે પ થી ૭ મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે ૮-૩૦ વાગે નાગરવેલ હનુમાનદાદાની ૧૧૦૦૦ દિવડાઓની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.