એકવાર અકબરે બીરબલને પૂછ્યું, ‘તમારા ધર્મમાં તો ભગવાન સ્વયં પૃથ્વી પર પધારે છે. તેઓ અસમર્થ છે, કે પોતના ધામમાંથી કાર્ય ન કરી શકે અને જાતે આવવું પડે ?’ બીરબલે તે વખતે કોઈ વિશેષ ચર્ચા કરી નહીં. થોડા દિવસ પછી યમુના વિહારનો કાર્યક્રમ ગોઠવાયો. બીરબલે યુક્તિ એવી કરેલી કે અકબરનાં પુત્ર જેવું જ એક પૂતળું બનાવી એક દાસીને આપી રાખેલું. નદીમાં હોડી ફરી રહી હતી તે વખતે પૂતળાને રમાડતી દાસીએ તેને નદીમાં ફેંક્યું. તે જોઈ અકબર તેને બચાવવા માટે પાછળ કૂદી પડ્યો. પાણીમાં ગયા પછી ખબર પડી કે, તે એક પૂતળું હતું. બીરબલ પર તેઓ સહેજ અકળાયા, ત્યારે બીરબલે કહ્યું, ‘જહાંપનાહ! આમાં આપના પ્રશ્નનો જવાબ છે. અમે આટલા બધા અહીં હાજર હતાં, છતાં આપ સ્વયં નદીમાં કૂદી પડ્યા?’ અકબરે કહ્યું: ‘અરે, મારો પુત્ર ડૂબતો હોય તે સમયે હું બીજાને શોધું?’ ત્યારે બીરબલે કહ્યું: ‘જહાંપનાહ! આ જ રીતે ભગવાન પણ પોતાના પુત્રો સમા જીવોને તારવા માટે, સમયે સમયે સ્વયં સંસારમાં આવે છે.’
ખરેખર! ભગવાનતો ભક્તવત્સલ છે. ભગવાનતો ભક્તનાં દુઃખે દુઃખી અને ભક્તનાં સુખે સુખી રહે છે.
એક માનવને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે અફાટ સમુદ્ર અને રેતીનો કિનારો જોયો. તે કિનારે ચાલતો હતો, રેતીમાં તેનાં પગલાં પડી રહેલાં. તેને થયું, ‘આ મારી જીવનયાત્રા છે’ ત્યારે તેની બાજુમાં બીજા બે પગલા પડતાં જોયા એટલે ખૂબ જ ખુશ થઇ ગયો કે‘જીવન યાત્રામાં હું એકલો નથી, ભગવાન પણ મારી સંગાથ છે.’ પરંતુ છેલ્લા દૃશ્યમાં ફરી એક જ વ્યક્તિનાં પગલાનાં ચિહ્નો થઈ ગયા, તે જોઈ દુઃખી દુઃખી થઇ ગયો કે ભગવાને મારો સાથ છોડી દીધો? મારા કસોટીનાં કાળમાં જ મને તરછોડ્યો?’ ત્યારે તેને અવાજ સંભળાયો,‘વત્સ, મેં તને ચાહ્યો છે તેથી તરછોડી ન શકું, તારા સૌથી દુઃખી સમયમાં મેં તને મારા ખભા પર બેસાડી દીધો. અંતે તેં જે પગલા જોયા તે તારા નહોતા.. પણ મારા હતા.
ભાગવતમાં વિષ્ણુ ભગવાન પોતાના ભક્તનો મહિમા સમજાવતાં ઋષિ દુર્વાસાને કહે છે,‘હે દુર્વાસાજી!, હું બધી રીતે ભક્તોને આધીન છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા-સાદા, સરળ ભક્તોએ મારા હદયને વશ કરી રાખ્યું છે. મેં મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે.’
ભક્તવત્સલ ભગવાન કોઈ ભક્તની જાતિ, વરણ કે રૂપથી નથી બંધાતા પણ એ ભગવાન તેની ભક્તિને વશ થાય છે. એ ભગવાન શબરીનાં એઠાં બોર જમે છે અને વિદુરજીની સામાન્ય ભાજીને પણ અંગીકાર કરે છે. એ ભગવાનને રાજા-મહારાજાઓનાં બત્રીસ પ્રકારનાં મેવા, મિઠાઈ ને પકવાન્ન કરતા સુદામાનાં તાંદુલ અને જીવણકોરીનો મઠનો રોટલો વધુ મીઠો લાગે છે.
થોડા વર્ષો પૂર્વેની વાત છે, ફ્લોરીડામાં રહેતો એક બાળક, બળબળતી બપોરની ગરમીથી ત્રાસી, ઘરની પાછળ આવેલા સરોવરમાં ન્હાવા માટે ગયો. તે સરોવરમાં એક મગર હતો તેનો તેને ખ્યાલ નહીં. દૂરથી તેના પિતાએ આ જોયું. તેણે તેનાં પુત્રને બૂમ પાડી. પરંતુ પુત્ર તરવામાં મશગૂલ હતો. પુત્રને બચાવવા માટે પિતા સરોવરમાં પડ્યા. ત્યારે પુત્રને મગર છે તેવી ખબર પડી પણ મોડું થઈ ગયું હતું. તે પાછો વળે ત્યાં સુધીમાં મગરે તેનો પગ પકડી લીધો. પિતાએ પણ પુત્રનાં હાથ પકડી લીધા. મગર સાથે ખેંચતાણ થઈ, પરંતુ પિતાએ મચક ન આપી, અંતે પુત્રને છોડાવવામાં પિતા સફળ થયાં, પુત્રનો જીવ બચી ગયો. પગે ખૂબ જ ગંભીર અને ઊંડા ઘા પડ્યા હતા. હાથમાં પિતાની આંગળીનાં નખ વાગ્યા હતા. જ્યારે પત્રકારે તેના પગનાં ઘા વિશે પૂછ્યું ત્યારે પુત્રએ કહ્યું કે ” આ પગનાં ઘા કરતા હાથનાં ઘા મહાન છે, તેના કારણે હું આજે જીવતો છુ. એ ઘા પુત્ર માટે ઘા નહીં પરંતુ પિતાનું હેત હતું.
ભગવાનઅને સંત આપણને સંસારમાંથી છોડાવવા માટે જે પ્રયત્ન કરે તે આપણને દુઃખ જેવું લાગે, તોપણ તે તેઓનું આપણા પરનું હેત છે.
વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ૬૧માં ભગવાન સ્વામિનારાયણ કહે છે: ‘ભગવાન પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઇ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી.”
ભક્તવત્સલ ભગવાન પોતાના ઉત્તમ ભક્ત પ્રહલાદ, ધ્રુવ, શબરી, દ્રૌપદી, મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદાખાચર, પર્વતભાઈ આદિકની ભક્તિને આધીન થયા છે….(ક્રમશઃ)