હનુમાન જયંતિ-ર૦૧૮ના ઉપલક્ષ્યમાં ભાવનગર જિલ્લાના મહુવા નગર ખાતે આવેલા કૈલાસ ગુરૂકુળના નૈસર્ગિક પરિસરમાં લીલીછમ્મ વનરાઈ વચ્ચે પૂ.મોરારિબાપુની નિશ્રામાં હનુમંત સંગીત મહોત્સવ એવમ સાહિત્યિક પર્વ અસ્મિતા પર્વનો આજે પૂ.મોરારિબાપુ તેમજ સાહિત્યકારો, વિદ્વાનોના હસ્તે દિપ જ્યોતિના પ્રાગટ્ય સાથે ઉઘાડ થયો હતો.
હનુમાનજી મહારાજનો વિરોધ અંજલી રૂપે છેલ્લા ચાર દાયકાથી સંગીત મહોત્સવ તેમજ છેલ્લા બે દાયકાથી અહીં અસ્મિતા પર્વના ઉપકારક ઉપક્રમ યોજાય છે. ચાર દિવસના અને આ વર્ષના આ અવસરનું સમાપન તા.૩૧ને શનિવારે (હનુમાન જયંતિ)ના રોજ થશે.
વેદ-સ્તુતિ ગાન બાદ પર્વની પ્રથમ સંગોષ્ઠિ કવિ કર્મ પ્રતિષ્ઠા અને કાવ્ય પાઠ વિષય અંતર્ગત મણીલાલ હ. પટેલ સંયોજન હેઠળ કવિ મુકુલ ચોકસીએ ખલીલ ધન તેજવીની કવિતા કર્મ વિશે કહ્યું કે, ખલીલ ગ્રામ્ય વાતાવરણમાં, સંઘર્ષમાં ઉછરેલા કવિ છે. એમના શેર રગરગમાં અને રક્તમાં ઉતરી જાય એવા છે. ગુજરાતી અને ગઝલ એ બેઉના કવિ પહેલા પ્યાર છે. એવી રમુજ પણ મુકુલ ચોકસીએ કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ખલીલને પોતાની ખલીલીયત સાથે ખલીલની પરંપરામાં જ ગોઠવવા પડે ! ફરિયાદોને આ વહાલમાં ઘોળીને અને આક્ષેપોને સુગંદમાં બોળીને આપે છે. અહીં મુકુલ ચોકસીને ખલીલની ગઝલોને પોતાની હઝલો દ્વારા સુંદર રીતે પેશ કરી કવિ ગઝલકાર ખલીલ ધનતેજવીએ કાવ્ય પાઠ કરતા કહ્યું કે, લોકોને મનોરંજન આપી શકાય એને કોઈ ગમે તે ગણે, મારા માટે કવિતા છે.
‘હું જીવું છું હજુ એ જ પુરતે છે, બસ એને ન પુછો કેવું જીવાયું હતું.’ યાર હસવા જેવું પણ ક્યારેક હસ્યા, રડવા જેવું ય ક્યાં રડાયું હતું. કવિએ પોતાની આગવી શૈલીમાં પોતાની લોકપ્રિય ગઝલોનું પઠન કરી, શ્રોતાઓની દાદ મેળવી હતી.
રાજેશ પંડયાએ કવિ કમલ વોરાની કવિતા વિશે વાત કરતા કહ્યું કે, કવિનું મૌન, કોરાપણું, અસંગતતા એ જ એમની કવિતાનું હાર્દ છે. એમના કવિ કર્મની પહેલી વિશેષતા મૌન છે. બીજી વિશેષતા અવકાશ છે. એ કોરી જગ્યામાં ભાવક વિહાર કરી શકે છે. તેમણે પંચાવન જેટલા કાવ્યો નામ પર લખ્યા છે. દરેક નામ સ્મરણ એક રીતે કોઈ બુધ્ધ પુરૂષનો ચરણ સ્પર્શ હોય છે. તેમનો ત્રીજો કાવ્ય સંગ્રહ વૃધ્ધ શતક છે. જેમાં ૧૦૦મું કાવ્ય કોરૂ પાનુ છે. જેમાં કોઈપણ વૃધ્ધ પોતાની કવિતા નિહાળી શકે છે. ખૂબ સરસ ઉદાહરણો સાથે રાજેશ પંડયાએ કમલ વોરાના કવિ કર્મની પ્રતિષ્ઠા કરી આપી હતી. કમલ વોરાએ પોતાની અછંદાસ રચનાઓ રજૂ કરી હતી.
સાંજની બીજી સંગોષ્ઠિ નટવર આહલપરાના સંયોજન તળે લઘુકથા-વિમર્શ અંતર્ગત હતી. આ સંગોષ્ઠિમાં એક નવા પ્રયોગ રૂપે લઘુકથાના પાઠકોએ પોતાની લઘુકથાનું પઠન કર્યુ હતું. આ વેળાએ વક્તવ્ય આપતા નીતિન વડગામાએ લઘુકથા વિશ્વ અંગે કહ્યું હતું કે, લઘુકથા ભાવકના ચિત્તમાં ચિરસ્થાયી છાપ મુકી જાય છે. લઘુકથાએ ક્ષણનું શિલ્પ છે પણ એની છાપ અમીટ છે. એ વિજળીના ચમકારે મોતી પરોવવાની કળા છે. ઝાકળબિંદુમાં સુર્યને ઝીલવાની એમા ક્ષમતા છે ! બીજા વક્તા મણીલાલ પટેલે પણ વિસ્તૃત રીતે કહ્યું કે, સર્જક્તા ન હોય તો લઘુકથા ટેચકો બની જાય છે. લઘુકથાના સર્જકમાં વાચનનો અભાવ ન હોવો જોઈએ. વાંચન દ્વારા ભાષાને હાથવગી, હૈયાવગી કરવી જોઈએ. અંતમાં ભગીરથ બ્રહ્મભટ્ટ, નિલમ દોશી, પ્રેમજી પટેલ, રેખાબા સરવૈયા, હરીશ મહુવાકર, અરવિંદ ગજ્જર અને રામ મોરીએ પોતપોતાની લઘુકથાઓનું ભાવવાહી પઠન કર્યુ હતું. અસ્મિતા પર્વની સર્વ બેઠકોના સંકલન-સંચાલનમાં પ્રા.હરિશ્ચંદ્ર જોશી રહ્યાં છે.