પ્રજ્ઞાચક્ષુઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય તેવા હેતુથી લાયબ્રેરી અવેરનેસ પ્રોગ્રામનો પ્રારંભ શ્રી વૈશાલીબેન જોષી – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીનાં વરદ હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. સેમિનારમાં રાજ્યની ૧૪ વિશિષ્ટ લાયબ્રેરીનાં ગ્રંથપાલશ્રીઓ અને સંચાલકો જોડાયા હતા. આ ઉપરાંત શહેરની સામાન્ય લાયબ્રેરીનાં ગ્રંથપાલ પણ આ સેમિનારમાં ભાગ લઇ રહ્યા છે. પ્રારંભમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. લાયબ્રેરી અવેરનેસ રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય સેમીનાર વિષે માહિતી આપતા સંસ્થાનાં માનદ મંત્રી શ્રી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ દરમિયાન બ્રેઇલ લાયબ્રેરીનો ઉદભવ, તેનો વિકાસ અને બ્રેઇલ લાયબ્રેરીને લગતા વિશિષ્ટ ઉપકરણો પર પરિસંવાદ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે રવિવાર તા.૦૧ માર્ચ ના રોજ નવા શોધાયેલ ઓર્બીટ નાં વિવિધ ફંકશનો પર પ્રેક્ટીકલ સાથે વક્તવ્ય કંપનીના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ત્રિવેદી, શ્રી રવિભાઈ પરમાર તથા શ્રી તારાબેન મકવાણા અને જુદીજુદી ગ્રંથાલયનાં પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન શ્રી જીજ્ઞાબેન બધેકાએ કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.