જૈન સમાજના આરાધ્ય અને ર૪માં તિર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી નિમિત્તે આજે ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજન તપાસંઘ દ્વારા મોટા દેરાસર ખાતેથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો, જૈન સમાજના આગેવાનો, ભાઈઓ-બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં મહાવીર પ્રભુના શણગારેલા રથ ઉપરાંત મહાવીર સ્વામીના ર૭ ભવની ઝાંખી કરાવતા ફ્લોટ્સ, બેન્ડ, વાજા, બગી, ધજા-પતાકા તેમજ વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા મંડળો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને દાદાસાહેબ ખાતે પહોંચી હતી. જ્યાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.