પૂર્વભૂમિકા:
અંધજન શિક્ષણનો ઇતિહાસ માનવ જીવનના ઇતિહાસ જેટલો જ જૂનો છે. જીવન સંગ્રામ ખેલવા માટે સુદ્રઢ શરીર હોવું અનિવાર્ય છે. આથી ઊલટું જેનું શરીર ક્ષતિગ્રસ્ત હોય તેને જીવનનિર્વાહમાં ડગલે ને પગલે સહન કરવું પડે છે અથવા બીજા પર આધારિત જીવન જીવવા મજબૂર રહેવું પડે છે. એક સમયે અંધ વ્યક્તિને સમાજમાં કોઈ મોભાનું સ્થાન મળતું ન હતું. કેટલાક લોકો અનુકંપાની લાગણી દાખવતા હતા. બીજો વર્ગ ઘૃણા પણ કરતો હતો. તેમાના કેટલાક આવા બાળકનો જન્મ થતા જ ત્યાગ કરી દેતા હતા. તેઓ એમ માનતા હતા કે આવા બાળકને ઘરમાં રાખવાથી તેમને કોઈ ને કોઈ હાનિ થશે. કારણ તેમની દૃષ્ટિએ આવા લોકો પાપી ગણાતા હતા. પોતાના પાપના લીધે આવી શિક્ષાનો ભોગ બન્યા છે, તેથી વહેલી તકે આવા જન્મેલાં બાળકનો ત્યાગ કરવામાં પરિવારનું ભલું છે તેમ તેઓ માનતા હતા. તેથી દુનિયાભારમાં અનેક અંધજનોને હેરાન–પરેશાન થવું પડ્યું હતું. કેટલાક પરિવારના લોકોએ ત્યજી દીધેલા અંધ બાળકોનો ઉછેર કર્યો હોય તેવી માહિતી પણ ઇતિહાસમાં જાણવા મળે છે. આવી રસપ્રદ જાણકારી આપતા મને ઘણી ખુશી થાય છે.
ડિડિમસ:
ઇ. સ. ૩૦૮ માં ડિડિમસનો જન્મ થયો હતો. લગભગ ચારથી પાંચ વર્ષની વયે તેમણે દૄષ્ટિ ગુમાવી હતી. લાકડામાંથી કોતરી કાઢેલા અક્ષરો વડે તેમણે શબ્દો અને વાક્યો લખવાની શરૂઆત કરી હતી. પરિણામે પાછળથી તેની મદદથી અનેક અંધજનો થોડું–ઘણું શિક્ષણ મેળવતા થયા હતા. સાહિત્યના વિવિધ વિષયો ઉપરાંત તેમણે જ્યોતિષવિદ્યામાં પણ વિદ્વત્તા મેળવી હતી. તેના અનેક સનેત્ર વિદ્યાર્થીઓ શિષ્યો પણ બન્યા હતા. તે પૈકી ઘણા મોટું નામ કમાયા હતા.
સેંટ હાર્વે:
બીજી મોટી પ્રતિભા હતા. તે ખૂબ મોટો સંગીતકાર બન્યો હતો. તેમના પિતા પણ પ્રજ્ઞાચક્ષુ હતા. માતા ક્રિશ્વિયન સ્ત્રી હતી. સેંટ હાર્વેના જન્મ સ્થળે તેમની સમાધિ બનાવામાં આવી છે. આજે પણ બ્રિટનમાં દર વર્ષે તે સ્થળે સંગીતકારો ભેગા મળી મોટો ઉત્સવ ઉજવે છે.
પ્રિન્સ હિટોયાસુ:
તેમના પ્રયાસથી જાપાનના પ્રજ્ઞાચક્ષુઓને ભીખ માગવાના શાપમાંથી મુક્તિ મળી હતી. સંગીત અને સાહિત્યનો તે તજજ્ઞ હતો. ચીની અને જાપાની ભાષા પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.
અબ્દુલ–અલ–બલ્મારી:
બગદાદમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. તે એક ખ્યાતનામ કવિ હતો. પંડિતો સાથે થયેલી ચર્ચાઓના કારણે તેને ઈશ્વરમાંથી શ્રદ્ધા ઊડી ગઈ હતી. તેથી તેના કાવ્યોના વિષયો:
“શું ઇશ્વરનું અસ્તિત્વ છે?”
“જિંદગી જીવવા યોગ્ય છે?”
જેવા રહ્યા છે. તેમ છતાં તે સમયના કવિઓમાં તેમનું નામ મોખરે હતું.
પ્રોસ્પેરો ફેંગાની:
જન્મ ૧૫૯૦. ધાર્મિક પ્રવૃત્તિનો બાદશાહ ગણાતો હતો. રોમન ચર્ચોમાં મોખરાનું કાર્ય કર્યું હતું.
જ્હોન મિલ્ટન:
ખૂબ જાણીતો પ્રજ્ઞાચક્ષુ કવિ હતો. કેંબ્રિજ યુનિવર્સિટીનો સ્નાતક વિદ્યાર્થી હતો. પોતાની લાગણીઓ દર્શાવા તેમણે “ધ પેરેડાઈઝ લોસ્ટ” કાવ્ય સંગ્રહ આપ્યો છે. જે ખૂબ જાણીતો અને ઉપયોગી સંગ્રહ પુરવાર થયો છે.
જ્હોન મેડકાફ:
ઇંગ્લેન્ડના ઉત્તર ભાગમાં ઇ. સ. ૧૬૭૦માં તેનો જન્મ થયો હતો. માત્ર છ વર્ષની વયે તેમણે દૃષ્ટિ ગુમાવી હતી. બાળપણથી જ નેત્રહીન હોવા છતાં તે ગમે ત્યાં જાતે આવન–જાવન કરી શકતો હતો. પાછળથી તે ઉત્તમ વાયોલિન વાદક તરીકે જાણીતો થયો હતો. વળી તે એક હોશિયાર તરવૈયો હોવાથી તેમણે ઓગણીશ વર્ષની વયે સમુદ્રની ૨૦૦ કિ. મિ. ની મુસાફરી સફળતાપૂર્વક પૂરી કરી હતી. તે એક ઉત્તમ ઘોડેસવાર પણ હતો. તેમની ઘોડેસવારીથી પ્રભાવિત થઈ. એક યુવતી અચાનક આકર્ષાઈ જ્હોન મેડકાફને વરી હતી. આ યુવતી એક કલાક બાદ અન્ય યુવકને પરણવાની હતી. જ્હોન મેડકાફ જંગલમાં ભૂલા પડેલા લોકોને માર્ગ બતાવાનું કાર્ય કુશળતાથી કરતો હતો. તેમણે ભોમિયા તરીકેની કામગીરી કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં. જ્હોન મેડકાફની શોધથી પાકી સડકના બાંધકામક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી હતી. ટકાવ રસ્તા બનાવાના કાર્યમાં મોટો ફેરફાર આવ્યો છે. તેમાં તેમનું ઘણું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે ભાંગેલા પથ્થરનો ઉપયોગ સડકના બાંધકામમાં શરૂ કર્યો હતો. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ટકાવ રસ્તાનું નિર્માણ થઈ શક્યું છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન લગભગ પાંચ હજાર પાઉંડની કિંમતના આવા પાકા રસ્તા તૈયાર કરી ઉત્તમ ઈજનેરનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્હોન મેડકાફની શોધેલી પદ્ધતિ આશીર્વાદરૂપ નીવડી છે.
ફ્રેંકોઇસ હ્યુબર:
જન્મ ઇ. સ. ૧૭૫૦ પંદર વર્ષની વયે તેમણે દૃષ્ટિ ગુમાવી હતી. એટલું જ નહિ બીમારીના લીધે તેને જિનેવા શહેર છોડવું પડ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો હતો. ત્યાં તેમણે મધમાખીઓનો અભ્યાસ કરી. તેમના જીવન વિકાસ પર ખાસ શોધ કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેની આદતો પર અભ્યાસ કરી તારવેલા સિધાંતો આજ સુધી ખોટા ઠર્યા નથી. પ્રાણીશાસ્ત્રનો તે ખૂબ જાણીતો વૈજ્ઞાનિક પુરવાર થયો હતો.
નિકોલસ સોંડર્સન:
તે એક ગણિતશાસ્ત્રી હતો. ૧૬૮૨ માં તેનો જન્મ થયો હતો. વિદ્યાર્થીકાળમાં, સામાન્ય શાળામાં અઘરા દાખલાઓ ગણવામાં મોખરે રહી તેમણે ગણિતમાં પ્રભુત્વ હાંસલ કરી લીધું હતું. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે સૌ કોઈને પ્રભાવિત કરી દીધા હતા. સર આઈજેક ન્યૂટનના અનુગામી તરીકે નિકોલસ સોંડર્સનને કેંબ્રિજ યુનિવર્સિટીમાં નિમણૂક આપવામાં આવી હતી: તેમના “ઓપ્ટિક્સ” ઉપરના લેક્ચર્સ વિશે લેખકો લખે છે કે:“માનવ જીવનમાં ઘણા ચમત્કારો જોવા મળે છે. એક વ્યક્તિ કે જેની પાસે પોતાની આંખે જોવાની શક્તિ નથી, છતાં તે અન્યને પોતાની આંખ કેમ વાપરવી તે શીખવે છે. આ મહાન વૈજ્ઞાનિકે ન્યૂટનના અનુગામી તરીકે કેંબ્રિજ યુનિવર્સિટીમાં પોતાની સરાહનીય ફરજ બજાવી હતી.
મેલેની–ડી–સેલિગ્નાક:
કુશાગ્ર સેલિગ્નાકનો જન્મ ઇ. સ. ૧૭૪૧ માં ફ્રાસમાં થયો હતો. માત્ર બે વર્ષની વયે શીતળાના રોગના લીધે તેમણે આંખોની દૃષ્ટિ ગુમાવી હતી. તેમણે લાકડાના કોતરેલા અક્ષરો વડે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે કાગળ પર અણીદાર પિન વડે લખી શકતી હતી. એટલું જ નહિ દોરી કે તાર વડે અક્ષાંશ–રેખાંશ પણ તૈયાર કરી લેતી હતી. આ રીતે તેમણે દુનિયાના શહેરો વિશે જાણકારી મેળવી હતી. લાકડાના કોતરેલા અક્ષરો વડે તે કવિતા પણ લખતી હતી. ભૂમિતિ જેવા વિષયમાં પણ તેમણે પ્રગતિ કરી હતી.
કુમારી મારિયા થેરિસા વોન પેરેડિસ:
તેમનો જન્મ ઇ. સ. ૧૭૫૦ માં વિયેનામાં થયો હતો. ત્યાંના રાજા દ્વારા તેને એક શિક્ષક રોકી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં તે પિયાનિસ્ટ તરીકે જાણીતી થઈ ગઈ હતી. તેમની કુશાગ્ર બુદ્ધિ જોઈ રાજાએ બસ્સો ફ્રેન્સનું વર્ષાસન બાંધી આપ્યું હતું. તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ અનેક યુવાનો દૃષ્ટિહીનોને મદદ કરતા થયા હતા. જેના કારણે પ્રજ્ઞાચક્ષુ લોકોના શિક્ષણના નવા દ્વાર ખૂલ્યા છે. ફ્રાંસના પેરિસ શહેરમાં આના લીધે વિશ્વની પ્રથમ અંધશાળાનો ઉદય થયો હતો. આમ, સખત મહેનત કરી જ્ઞાન સંપાદન કરનાર મારિયાએ અંધજનોના શિક્ષણના દ્વાર ખોલી આપ્યા છે. તેનું શબ્દચિત્ર આલેખવું સરળ નથી. અંધજન શિક્ષણ ક્ષેત્રે નવી દિશાઓ ખોલનાર મહાત્મા લૂઈ બ્રેઇલ અને હેલન કેલરને પણ જેટલા ધન્યવાદ આપીએ, તેટલા ઓછા પડે તેમ છે. અનેક વ્યક્તિઓના સંઘર્ષથી અંધજનોના શિક્ષણનો સૂર્ય આજે સોળે કળાએ ખીલ્યો છે. અનેક પ્રતિભા વડે,પારસમણિની જેમ શક્તિઓ હાથવગી થઈ શકી છે. આમ, અનેક મહાનુભાવોએ અંધજન શિક્ષણની કેડી કંડારી છે. તે દરેક પ્રતિભાને મારા કોટી–કોટી સલામ.
“નથી જોયો ઈશ્વર પથ્થરમાં કદી મેં,
કહે ‘ઝગમગ’ સંઘર્ષનો સરવાળો લઈ,
ઉતરી આવતા હશો તમે”
પથ્થરમાં ભગવાન અર્થાત ઈશ્વરના દર્શન કરતા લોકોને મારા સલામ છે. પરંતુ અનેક મર્યાદાઓ સાથે આગળ વધતા લોકોમાં ઈશ્વરના દર્શન કરવાની ટેવ કેળવવા જેવી ખરી. આપણે અનેક પ્રતિભાના જીવનકવનનો અભ્યાસ કર્યો. તેમાં આપણને જાણવા મળ્યું કે આગળ વધતા લોકોને કોઈ પરમશક્તિ સહાય કરતી હોય છે. માનવ શરીરમાં સંખ્યાબંધ કોષો આવેલા છે. તે દરેક સ્વતંત્ર રીતે કાર્ય કરવા સક્ષમ હોય છે. નરી આંખે નહિ દેખાતા કોષો ઘણું જ અગત્યનું કાર્ય કરતા હોય છે. તેના વડે શરીરની રચના તૈયાર થાય છે. આવા કોષનું શી રીતે નિર્માણ થતું હશે? માનવ શરીર એક વિશ્વ છે. તેમાં અનેક આકાશગંગાના જીવો સમાય જાય તેટલું તેનું કદ વિશાળ છે, એટલે કે તેમાં તેટલા જીવો વસે છે. આપણા આંતરમાં પૃથ્વી પર વસતા જીવો જેટલા બેકટરિયા હોય છે. આનો અર્થ તો એ થયો કે ઇશ્વરની લીલા વિના કશુંય સંભવ નથી. તેથી આંખ,કાન કે અન્ય ઇંદ્રિયોની શક્તિ હોવી કે ન હોવી બહુ અગત્યનું નથી. પણ જે છે તેમાં જ સંતોષ રાખવો વધુ મહત્ત્વનું છે. એક શરીરમાં આટલા બધા જીવો જીવતા હોય તો તેમાં કોનું પરાક્રમ છે? ઇશ્વરનું. બીજા કોનું! પ્રાણીમાત્ર પર દયા રાખવાનું માણસે જાતે શીખવું પડશે. પાપ–પુણ્યનું ત્રાજવું લઈ. આપણે તેનો તોલ કરવાની જરૂર નથી. મને અંધજન શિક્ષણના ઇતિહાસમાંથી આટલું જરૂર શીખવા મળ્યું છે. લૂઈ બ્રેઇલ માત્ર તેતાલીશ વર્ષ જીવ્યા હતા, પણ તેમણે પોતે સંઘર્ષ કરી તેતાલીશ હજાર વર્ષનો પાયો નાંખ્યો છે. હું અને તમે નાનકડી નિષ્ફળતા મળે તો નારાજ થઈ જઈએ છીએ. લૂઈની ત્રેસઠ સંજ્ઞાએ વિશ્વમાં અંધજનો માટે ડંકો વગાડી દીધો છે. તેમની શોધના આધારે અંધજનો માટે આજે અનેક ટેકનોલોજી પાંગરી રહી છે. બ્રેઇલલિપિ આપણા વિકાસનું સિમાચિહ્ન પુરવાર થઈ રહી છે. ત્યારે બ્રેઇલલિપિમાં બાળકોની રસ–રુચિ કેળવાય તેવા પ્રયાસો કરવા પડશે.
અમારી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા તારીખ ૨૭ જાન્યુઆરીથી તારીખ ૩ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી બ્રેઇલ લેખન–વાચન મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષિકા શ્રીમતી કીર્તિદાબેન ભટ્ટ, પુનાભાઈ દેવધા, લલીતાબેન કંટારિયા, રમેશભાઈ બારડે ભારે રસ દાખવ્યો હતો. આ મહોત્સવમાં મેં જ્ઞાન સાથે ગમ્મતનો અભિગમ અપનાવી બાળકોને સતત બે કલાક સુધી ઉપરોક્ત દિવસો દરમિયાન બ્રેઇલની વિવિધ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપ્યું હતું. તેમાં બાળકોને ખૂબ મજા પડી હતી. બાળકોના જુથ બનાવી બ્રેઇલના ટપકા બનાવ્યા હતા. રમુજી શૈલીથી ટપકા ઉપસાવનો નવતર પ્રયોગ કર્યો હતો. જેનું પરિણામ ખૂબ જ સારું મળ્યું છે. બ્રેઇલ ટપકાની શીઘ્ર કવિતાઓ બનાવી ગવડાવી હતી. જેના કારણે બાળકોનો ઉત્સાહ વધી ગયો હતો. ગીજુભાઈ બધેકાએ સામાન્ય શિક્ષણમાં આવા ઘણા નવતર પ્રયોગો કર્યા હતા. તેનું અનુકરણ બ્રેઇલલિપિના શિક્ષણમાં કરવાનો હેતુ હતો. બાળકોમાં બ્રેઇલલિપિ શીખવાનો ઉત્સાહ જાગે તેવા જોડકણા રચી વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રયોગો સાથે બાળકોને બ્રેઇલલિપિની ટેકનિકો શિખવવાનો યત્ન કર્યો હતો. અંધજન શિક્ષણના ઇતિહાસમાં પણ આવા પ્રયાસો થયા છે. જેમ કે મીણમાંથી અક્ષરો તૈયાર કરવા, દોરડા પર ગાંઠો વાળી અક્ષરો કે શબ્દો રચવા જેવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના કારણે અંધજન શિક્ષણનો વિકાસ શક્ય બન્યો છે. શિક્ષણમાં અવનવા પ્રયોગો થતા જ રહેવા જોઈએ. ટેક્નોલોજી પણ એક પ્રયોગ છે. પ્રયોગની કેડી કંડારનાર વીર પુરુષો અને વીરાંગનાઓને મારા સલામ
“સલામ સલામ સલામ મેરે દોસ્તો,તુમ્હે સલામ”