ભાવનગર મહાપાલિકા દ્વારા ચાલી રહેલી રીકવરી ઝુંબેશના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં રીલાયન્સ કોમ્યુનિકેશનના મોબાઈલ ટાવરને સીલ કરાતા આખરે આજે રીલાયન્સે બાકી વેરા પેટે મહાપાલિકામાં ૮ર લાખ ભર્યા હતા. આજે રજાના દિવસે પણ મહાપાલિકાને રૂા.૧.૦૪ કરોડની વેરાની આવક થવા પામી હતી. ભાવનગર મહાપાલિકાના મિલ્કત વેરાની આકરી રીકવરી ઝુંબેશ ચલાવાઈ રહી છે અને દરરોજ રીકવરી ઉપરાંત બાકીદારોની મિલ્કત ઝપ્તી સહિતની કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં ગઈકાલે ૭ અને આજે ૬ મળી રીલાયન્સના ૧૩ મોબાઈલ ટાવરો સીલ કરાતા બપોરે રીલાયન્સે બાકી વેરો ૮ર લાખ ભર્યા હતા. જ્યારે અન્ય ૧પ૦ જેટલા બાકીદાર આસામીઓએ બાકી વેરો ભરતા મહાપાલિકાને આજે રજાના દિવસે પણ રૂા.૧.૦૪ કરોડ ઉપરાંતની વેરાની આવક થવા પામી હતી. જ્યારે માર્ચ માસની ર૯ તારીખ સુધીમાં વેરાની કુલ આવક સાડા આઠ કરોડ ઉપરાંત થવા પામી છે.
રીકવરી ટીમો દ્વારા આજે રજાના દિવસે પણ ઝપ્તીની કાર્યવાહી શરૂ રખાઈ હતી અને અનેક મિલ્કતોની ઝપ્તી કરી સીલ માર્યા હતા. આવતીકાલે ગુડ ફ્રાઈડેની રજા હોવા છતાં કેશબારી શરૂ રાખવા ઉપરાંત રીકવરી ઝુંબેશ પણ શરૂ રાખવામાં આવશે તેમ ડે.કમિશ્નર ફાલ્ગુનભાઈ શાહે જણાવ્યું હતું.