પ્રણવ રાજયગુરૂને સંસ્કૃત ભાષામાં શ્રેષ્ઠ ઇનોવેશન બદલ આઇ.આઇ.ટી. દિલ્હી ખાતે બેસ્ટ ઇનોવેટીવ ટીચર એવોર્ડથી સન્માનિત કરાયા

1501

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઈ છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે. ત્યારે આ દેવભાષા સંસ્કૃતને ઘેર ઘેર પહોચાડવાનુ બીડુ રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ ઝડપ્યુ છે ભાવનગરના વેળાવદર કેન્દ્રવર્તી શાળાના શિક્ષક શ્રી પ્રણવભાઈ રાજ્યગુરુએ.

કલાનગરી ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના શ્રી વેળાવદર કેન્દ્રવર્તી શાળાના સન્નિષ્ઠ શિક્ષક શ્રી પ્રણવભાઈ પી. રાજ્યગુરુ વર્ષ ૨૦૧૭માં શિક્ષક તરીકે જોડાયા. તેમણે શાળામાં સંસ્કૃત સંભાષણ દ્વારા બાળકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ આવે તેમજ બાળકોના મનમાં સંસ્કૃત કઠિન વિષય છે તેવો ખ્યાલ નિકળી જાય તે માટે પ્રાર્થનાસભા થીજ સૌપ્રથમ સંસ્કૃત વિષયની પ્રસ્તુતિની શરૂઆત કરી અને સંસ્કૃત દ્વારા વિદ્યાર્થીઓની બુદ્ધિનો પણ વિકાસ થાય અને સંસ્કૃત દ્વારા અન્ય ભાષાઓનો પણ વિકાસ થાય તે માટે સંસ્કૃત ભાષાને સરળ સંસ્કૃત સંભાષણ દ્વારા રજૂ કરી. પરિણામે જે બાળકો થોડું અશુદ્ધ સંસ્કૃત બોલતા હતા તેમની સંસ્કૃત ભાષા પરની પક્કડ વધી અને ધીમે ધીમે શાળાના વિદ્યાર્થિઓ સામાન્ય વાતચિત પણ સંસ્કૃતમાં કરતા થયા.

પ્રણવભાઈએ શાળાના વિદ્યાર્થીઓ સંસ્કૃતને સંસ્કૃત માધ્યમમાં જ શીખે તેવું વિચારીને વિદ્યાર્થીઓ સાથે સૌપ્રથમ મમ નામ પ્રણવહ, ભવતહ નામ કીમ? આ રીતે ક્રિયા અભિનય દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત બોલવા પ્રેરિત કર્યા આ પછી તેમણે જુદી જુદી ઘર ઉપયોગી વસ્તુઓ, દરરોજ સામે આવતી વસ્તુઓનો પરિચય સંસ્કૃતમાં જ કરાવ્યો. તેમણે બ્લેકબોર્ડ, ચોક, પુસ્તક વગર સંસ્કૃતના જુદા જુદા વર્ણયુક્ત ૧૫૦ ચાર્ટ દ્વારા નામ, સર્વનામ, સંખ્યા, ક્રિયાપદ, વિભક્તિઓ અને વાર્તાઓનું જ્ઞાન વિદ્યાર્થીનીઓને સહજતાથી આપ્યું.
તેમણે પ્રત્યક્ષ દર્શન તેમજ ક્રિયા અભિનય દ્વારા વિદ્યાર્થીઓને સૌપ્રથમ સમૂહમા અને પછી વ્યક્તિગત રીતે સંસ્કૃતમાં જ બોલે તે માટે પ્રેરિત કર્યા.

શરૂઆતમાં વિદ્યાર્થીઓ આ વ્યવહારિક સંસ્કૃત સંભાષણનો ઉપયોગ વર્ગમાં અથવા વર્ગ બહાર કરતા ત્યારે તે અધકચરા સંસ્કૃત વાક્ય પણ બોલતા જેમકે અહમ નાસ્તો ખાદામી, એષા વાતચીત કરોતિ, અહમ ઘરે ગચ્છામી પરંતુ ત્યારબાદ સંસ્કૃત સંભાષણને કારણે રોજ તેમનામાં થોડો થોડો સુધારો થવા લાગ્યો. તેઓ સંસ્કૃત ભાષામાં અભિનય ગીતો, નાટકો, હાસ્યકણીકા, ચિત્રવાર્તાઓ અને નાના-નાના સામાન્ય સંવાદો કરતા થયા. વિદ્યાર્થીઓ પ્રાર્થનાસભા સંસ્કૃતમાં કરતા થયા. વ્યવહારિક શબ્દોનું સંસ્કૃત જાણતા થયા. પહેલા ૧૦% સંસ્કૃત શબ્દો જાણી શકતા વિદ્યાર્થીઓ માટે હવે ૭૦% શબ્દોનું ગુજરાતી કરવું પડતું નથી. સંસ્કૃત ભારતીના કાર્યકર્તા તરીકે તેઓ સંસ્કૃતના નિશુલ્ક વર્ગો ચલાવે છે. ઘેર ઘેર સંસ્કૃત ભાષા બોલાય તેમજ તેનો વ્યાપ વધે તે માટે હમણાજ તેઓ દ્વારા ભાવનગર જિલ્લાના દરેક તાલુકાઓમા સંસ્કૃત સંભાષણના પરિચય વર્ગોનુ પણ આયોજન કરાયું હતું તેમજ હજુ પણ આ અભિયાનને તેઓ આગળ વધારી રહ્યા છે.

પ્રણવભાઇની આ સંસ્કૃત સંભાષણ પદ્ધતિની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને તાજેતરમાં શિક્ષણમા ઇનોવેશન માટે જે એવોર્ડ જાહેર કરાયા તેમાં મહર્ષિ અરબિંદો સોસાયટી અને ZIIEI(ZERO INVESTMENT INNOVETION FOR EDUCATION INITIATIVE) દ્વારા દેશના એક હજાર શિક્ષકો તેમજ ગુજરાતના ૨૨ શિક્ષકોને આ એવોર્ડથી સન્માનિત કરાયા જેમાં સમગ્ર દેશમાં સંસ્કૃત વિષયમાં આ એવોર્ડ એકમાત્ર પ્રણવભાઇને ફાળે ગયો.પ્રણવભાઇને આઇ.આઇ.ટી દિલ્હી ખાતે M.H.R.D મંત્રી શ્રી રમેશ પોખરીયાલના હસ્તે નેશનલ બેસ્ટ ઇનોવેટીવ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા તેમજ પુરૂષોતમ રૂપાલાએ પણ તેમને પોતાની આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રીય કક્ષાએ ભાવનગરના વેળાવદર કેન્દ્રવર્તી શાળા (ભાલ) જેવા અંતરિયાળ ગામમાં ફરજ બજાવતા શિક્ષકના કાર્યની નોંધ લેવાઇ છે ત્યારે ZIIEI ના માધ્યમથી હવે ૨૫ કરોડ વિદ્યાર્થિઓ અને ૩૪ રાજયો સુધી તેમનુ આ કાર્ય તેમજ વિચાર પહોંચતો થશે.

Previous articleઆખલો જકાતનાકાના આણંદજી પાર્કમાંથી જુગાર રમતાં ૬ ગેમ્બલરો ઝડપાયા
Next articleભાવનગર ૧૪ નાળા ઘોઘારોડ પ્લોટ નં-૧૬૪૪ માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૨૫૬ કિ.રૂ. ૮૨,૮૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ