પ્રેમ, લાગણી, સંવેદના, સ્નેહ અને મમતાનો સરવાળો એટલે માતા અર્થાત જનેતા.
કવિ બોટદકર કહે છે:
“ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની.
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની.
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની.
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની.
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની.
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની.
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની.
ધરતી માતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની.
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની.
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની.
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.”
કવિની ભાવનાને સંક્ષિપ્તમાં વ્યક્ત કરીએ તો સંસારભૂમિ પર માતાની બરોબરી કરી શકે તેવી એક પણ વ્યક્તિ મળવાની કોઈ સંભાવના નથી. ગંગા–યમુનાના પ્રવાહના નીરમાં વધ–ઘટ થઈ શકે છે, પણ માતાનો પ્રેમ અવિચળ હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં તેમાં ફેરફાર થતો નથી. અર્થાત તેમાં ભરતી-ઓટ આવતી નથી. બાહ્ય રીતે ગુસ્સે દેખાતી માતા ભીતરમાં પ્રેમના પુષ્પો ઉગાડતી હોય છે. અંતરમાં વિકાસ પામતા લાગણીના છોડ પર ઊગી નીકળેલી કળીઓ ખીલી ઊઠવા ઉતાવળી હોય છે. તેને પોષવા પ્રેમની સરિતામાં ઘોડાપૂર ઊમટે છે. બાળકના વિકાસ માટે માતા કઠોર બનવાનો અભિનય પણ કરતી હોય છે. જનેતા પોતાના બાળકને દુ:ખી જોઈ શકતી નથી. તે પોતાના બાળકને કદી પણ દુ:ખ પહોંચાડતી નથી.
“મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું,
સૂકામાં સુવાડી ભીને પોઢી પોતે,
પિડાં પામી પંડે, ત્યજે સ્વાદ તો તે,
મહા હેતવાળી દયાળી જ મા તું,
પડું છેક તો રાખતું કોણ છાનું,
મહા હેતવાળી દયાળી જ મા તું”
ઉક્ત પંક્તિઓમાં કવિએ માતાનું સ્પષ્ટ શબ્દચિત્ર આલેખ્યું છે. માતા પોતાના બાળકને એક પણ દુ:ખ સહન કરવું ન પડે તેની પૂરેપૂરી કાળજી રાખે છે. બાળકને સૂકામાં સુવડાવે છે, પણ પોતે ભીનામાં સૂવાનું પસંદ કરે છે. માણસની જેમ અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ પોતાના બચ્ચાના ઉછેર માટે ઘણી કાળજી લેતા હોય છે. માટે આપણે ત્યાં કહેવાય છે. “મા તે મા બીજા વગડાના વા” માની તુલના કોઈ પણ સાથે થઈ શકે નહિ. માતા અને બાળકનો અતૂટ સંબંધ ગર્ભમાં,પીંડબીજનું નિર્માણ થતા જ રચાય છે. આ સમય દરમિયાન માતા જે હરકતો કરતી હોય છે. તેની સીધી અસર ગર્ભમાં ઉછરતાં બાળક પર થાય છે. મહાભારતમાં સુભદ્રા વિશે એક વાર્તા ખૂબ જાણીતી છે. ભગવાન કૃષ્ણ બહેન સુભદ્રાને સાત કોઠાની વાર્તા સંભળાવતા હતા. પરંતુ સુભદ્રાજી અચાનક ઊંધી જતા વાર્તા અધૂરી રહી જાય છે. પરિણામે ગર્ભમાં વિકાસ પામતો બાળક છેલ્લા કોઠાયુદ્ધની વિદ્યા જાણી શકતો નથી. તેથી સાતમા કોઠામાં જ્ઞાનના અભાવે વીર અભિમન્યુનો ઘોર પરાજય થાય છે. આમ,સત્સંગ અને સંસ્કાર વડે માતાના ગર્ભમાંથી જ બાળકની કેળવણીનો પ્રારંભ થઇ જાય છે. એટલે માતાની કેળવણીનું મહત્ત્વ દર્શાવતી, એક કહેવત ખૂબ જાણીતી બની છે:
“એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે”
એટલે કે એક માતા સો શિક્ષકો શીખવે તેના કરતા પણ વધુ શીખવતી હોય છે. કોઈ પણ માતા બાળકના ઘડતર માટે સતત ચિંતિત રહેતી હોય છે. મળેલી દરેક ક્ષણનો ઉપયોગ કરી, તે પોતાના બાળકને કેળવણી આપવાનું ચૂકતી નથી. અભણ કે અશિક્ષિત માતા પણ પોતાના બાળકની ઉત્તમ શિક્ષકા છે. ભલે વિદ્યા પ્રાપ્તિ માટે આપણે સતત ગુરુની ખોજમાં રહેતા હોઈએ, પણ ખરી કેળવણી તો આપણને માતા જ આપે છે. માતા પાસેથી આપણને પ્રથમ પાંચ વર્ષમાં જે શીખવા મળે છે. તે જિંદગીના બાકીના વર્ષોમાં મળતું નથી. માતા તરફથી આપણને જે મળ્યું હોય. તેને આપણા શિક્ષકો કે માર્ગદર્શકો સુવ્યસ્થિત કરતા હોય છે. નવું શીખવતા નથી. અહીં શીખવું એટલે, માહિતી પ્રાપ્ત કરવાનો સંકૂચિત અર્થ નથી. શીખવું અર્થાત વ્યક્તિત્વનું ઘડતર કરવું. જીજાબાઈના હાલરડાંએ કેવી કમાલ કરી હતી ! શિવાજી મહારાજને પારણામાં મળેલા સંસ્કાર કેટલી ઊંચાઈ પ્રદાન કરી શક્યા હતા. તેની ઇતિહાસ સાક્ષી પૂરે છે. માતા પોતાના બાળકના ઉછેર માટે ઘણા રોલ ભજવતી હોય છે. તબીબ, શિક્ષક, પોલીસ અને મિત્ર જેવી અનેક ભૂમિકા ભજવી પોતાના બાળકનો ઉછેર કરે છે. બાળક માંદું પડે તો તેની દેશી ઉપચારો વડે સારવાર કરે છે. સાજું થતા જ તેને જીવન શિક્ષણના પાઠ ભણાવા લાગે છે. વળી, બાળક જો તોફાન કરે તો તેની સોટી લઈ, ખબર લેતા પણ તે ખચકાતી નથી. આનંદ કિલ્લોલ કરતા બાળક સાથે માતા રમકડાં વડે રમવા પણ લાગે છે, એટલે આપણે ત્યાં કહેવાય છે: માતાની તોલે કોઈ આવી શકે નહિ. કારણ કે સમય આવ્યે તે એક તબીબ બની જાય છે. કોઈવાર બાળકને નવું-નવું શીખવવા શિક્ષક પણ થઈ જાય છે. શિક્ષાના પાઠ ભણાવા કઠોર પણ બની શકે છે. બાળક સાથે બાળક બની રમી પણ શકે છે. માતાનું શબ્દચિત્ર આલેખવું હોય,તો ભાષાનો ખજાનો ખાલી કરવો પડે. ખજાનો ખાલી થવા છતાં શબ્દચિત્ર અધૂરું રહે છતાં માતાના ઋણમાંથી મુક્ત થવાના પ્રયાસરૂપે યત્કિંચિત યત્ન કર્યો છે.
ખૂબ નાની વયે માતાનું છત્ર ગુમાવ્યું હતું, તેથી “ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર” કહેવત હું અનુભવી રહ્યો છું. માતાની ગેરહાજરીમાં પિતાએ કદી પણ ગોળ વિનાનો મોળો કંસાર જમાડ્યો નથી. એટલે કે પિતાએ મારા ઉછેરમાં નાનકડી કમી પણ આવવા દીધી નથી. પરંતુ અહીં વિષયાંતર કરવા ઇચ્છતો નથી. માતાની વિદાય ઘણી વસમી હતી. ખાવાના સાંસાં પડી જતાં હતા. ભૂખ કરતા ગુમાવેલી માનો પ્રેમ મને વધુ પીડા આપતો હતો. મારી હાલત ખૂબ જ નાજુક અને દયનીય બની ગઈ હતી. આભ ફાટે ત્યારે તેને થીગડું દેવા જઈ શકાતું નથી, તેમ મારે પણ સમય સાથે લડવાનું હતુ. ઈશ્વર અનેક મિત્રોના હૃદયમાં સવાર થઈ મારી મદદે આવી પહોંચ્યો હતો. તેની કૃપા વડે નિયત મંજિલના માર્ગ પર મારી યાત્રા ચાલતી રહી છે. યાત્રામાર્ગના અવરોધોમાંથી હું એટલું જરૂર શીખ્યો છું: પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે પણ એક જનેતા પાપી જીવને ઇશ્વર બનાવી શકે છે, કારણ કે તે સંસ્કારની સરિતા છે. નદી આપણા શરીરના મેલને ધોઈ શુદ્ધ બનાવી દે છે, તેમ માતારૂપી સરિતા આપણા જીવાત્માને ચોટેલી કર્મની અશુદ્ધિથી મુક્ત કરી શકે છે. કાશ મને આવું સદ્ભાગ્ય સાપડ્યું હોત તો માતાની લાગણીને પામી તરબતર થયો હોત. નાની વયે માતાનું છત્ર ગુમાવવાના લીધે, પ્રેમની સરિતાના સ્નાનથી વંચિત રહેલો હું માતા વિશે શું લખવાનો હતો? આવા ડરના લીધે મેં મારા પ્રસિદ્ધ થયેલા ત્રણ પુસ્તકોમાં માતા વિશે એક પણ પેરેગ્રાફ લખવાની હિંમત કેળવી નથી. મારા સારસ્વત મિત્રો કહેશે કે તો પછી તમને અચાનક માતા વિશે લખવાનો પાનો કેમ ચડી ગયો છે? કહુ છું ભાઈ જરા ધીરજ તો રાખો. થોડા સમય પહેલા વૈષ્ણવજન પદનું રસદર્શન કરાવવા મેનાબા જાડેજાનું સુચન વ્હોટ્સ એપ પર સાંભળવા મળ્યું હતું. ગાંધી નિર્વાણ દિવસને અનુલક્ષીને હું કશુક લખવા મથતો જ હતો. “ભાવતું હતું ને વૈદે કહ્યું” મેનાબાનું સૂચન મળતા જ મારા ઓર્બિટનાં બટન કૂદાકૂદ કરવા લાગ્યા. લેખ પૂરો થઈ,પ્રસિદ્ધ પણ થયો. લેખ સાંભળી વળી ફરી મેનાબાએ એક વધુ સૂચન કરી નાખ્યું. સર માતા વિશે તમે કશુંક લખો તો સારું, કારણ કે માતાના આપણા પર ઘણા ઉપકાર હોય છે. તેથી માતાની લાગણીને પણ શબ્દદેહ મળવો જોઈએ. મેનાબાને ક્યાં ખબર હતી કે ખાખરાની ખિસકોલી આંબાના રસ વિશે શું જાણે? છતાં સારસ્વત્ વાચક કે શ્રોતાને અવગણી શકાય નહિ. તેમ સમજી મેં મારું અજ્ઞાન પ્રગટ કરવાનું જોખમ ઉઠાવ્યું છે. છતાં બાળપણમાં મારા પર માતાના જે ઉપકારો રહ્યા હતા. તેના આધારે હું એટલું તો જરૂર કહી શકું છું કે સમુદ્ર ખૂબ ખારો ધુધવા જેવો હોય છે, પણ માતા મમતાના સ્નેહથી ઊભરાતો મીઠો સાગર છે. તેનો જોટો જગતમાં જડતો નથી. તે પ્રેમના તાંતણે પરિવારના સભ્યોને એકમેકની સાથે જોડે છે. મારી જનેતા અજવાળીબહેનના અજવાળે મારી નાવ સંસારરૂપી સાગરમાં પોતાનું અંતર ધીમી ગતિએ, કાંપી રહી છે. તેના પ્રકાશ વડે મારી મંજિલનો કિનારો શોધવામાં સરળતા રહેશે, તેવી મને શ્રદ્ધા છે. માતાના સ્નેહનું જળ વ્યક્તિના પૂર્વ જન્મના ખોટા સંસ્કારોની ધોલાઈ કરી, સદ્ગુણોનું સિંચન કરે છે.
કવિ બોટાદકર કહે છે:
“મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ.
એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહિ જડે રે લોલ”
મીઠી સાકર અથવા વરસાદ આપણને ઘણો મીઠો લાગે છે. વળી માતાનો પ્રેમ તો તેનાથી પણ મીઠો હોય છે. તેથી તેની સરખામણી કોઈ પણ સાથે થઈ શકે નહિ. કવિની માતા પ્રત્યેની લાગણી સમજવા જેવી છે. પરંતુ વર્તમાન સમયમાં ગંગા ઊલટી વહે છે. કારણ કે એક માતા ચાર સંતાન ઉછેરી શકે છે, પણ ચાર સંતાન એક માતાનું પાલન કરી શકતા નથી. બાગબાન ફિલ્મ ઘર–ઘરની કહાની બની ગઈ છે. માતા–પિતાને પાલવવા કોઈને ગમતા નથી. સાસુ–સસરા માટે જમાઈ પાણી–પાણી થઈ જાય છે. જમાનો બદલાઈ રહ્યો છે. ભેળસેળિયા ખોરાકે સંસ્કારોનું નિકંદન કાઢ્યું છે, ત્યારે બદલાતા જમાનાને આપણે તિલાંજલી આપવી પડશે. આપણી સંસ્કૃતિનું આપણે જતન કરવું પડશે. સંસ્કૃતિ આપણી ઓળખ છે તો સંસ્કાર આપણો પરિચય છે. એટલે આપણે ત્યાં એક કહેવત ખૂબ જાણીતી બની છે.
“પુત્રનો પગ પારણામાંથી અને વહુનો પગ બારણામાંથી ઓળખાઈ જાય છે.”
અર્થાત પુત્ર પારણાંમાં હોય અને વહુ નવી આવી હોય તો પણ તેના લક્ષણોથી પરખાઈ જાય છે. બંનેનો પરિચય આપણને પ્રારંભમાં જ થઈ જાય છે. સંસ્કારની પાઠશાળા એવી માતા વિના સંસ્કાર અર્થાત્ સંસ્કૄતિનો ઉદ્ભવ થઈ શકતો નથી. તે નિર્વિવાદ બાબત છે. માતા સંસ્કાર અને સંસ્કૃતિની ફેક્ટરી પણ છે. દયા અને કરુણાની મૂર્તિ છે. સંવેદનાની શોભા એવી માતા કવિને ભોળી લાગે છે. માટે કવિ ગાય છે:
तू कितनी अच्ची है, तू कितनी भोली है, प्यारी प्यारी है,
ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ ।
यह जो दुनिया है, वन है कांटो का, तू फुलवारी है,
ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ ॥
दुखन लागी हैं माँ तेरी अँखियाँ,
मेरे लिए जागी है तू सारी सारी रतिया ।
मेरी निदिया पे अपनी निदिया भी तूने वारी है,
ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ ॥
अपना नहीं तुझे सुख दुःख कोई,
मैं मुस्काया तू मुस्काई मैं रोया तू रोई ।
मेरे हसने पे मेरे रोने पे तू बलिहारी है,
ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ ॥
माँ बच्चो की जा होती है,
वो होते हैं किस्मत वाले, जिनकी माँ होती है ।
कितनी सुन्दर है, कितनी शीतल है, न्यारी नयारी है,
ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ ॥
રાજા ઓર રંક ફિલ્મી ગીતનાં શબ્દો હૃદય ફાડી નાખે તેવા છે. જગતમાં મા કોઈ પણ બાળક માટે ઈશ્વર બનીને આવતી હોય છે. સાહિત્યમાં માતા વિશે આપણા સાહિત્યકારોએ ખૂબ લખ્યું છે. એક હાસ્ય કલાકાર માતા વિશે વ્યંગ કરી કહે છે:
“હે મા, તું મને છોડી ભગવાનને પ્યારી થઈ ગઈ છો. મારો બાપ બીજી મસ્ત મજાની મા લઈ આવ્યો છે. તે નવી માના ખોળામાં બાપની હાજરીમાં લાડ કરવાની ખૂબ મજા આવે છે. પણ કોઈવાર મારો બાપ બહારગામ ગયો હોય અને હું તોફાન કરું તો મારી નવી મા ખીજાય છે, ઠપકો આપે છે. કોઈવાર થોડો મેથીપાક પણ આપે છે. મને ખાવા નહિ આપું તેમ કહી ખરેખર ખાવા આપ્યા વિના ઊંઘી જાય છે. એટલે કે મારી નવી મા સાચા બોલી છે. ના કહે એટલે મને ખાવા આપતી નથી. મા તું પણ મારા પર ગુસ્સે થઈ આવું ઘણીવાર બોલતી હતી. વળી, થોડીવારમાં બધું ભૂલી જતી હતી. મને જમવાનું આપતી હતી. મેં મારા બાપને પણ કહી દીધું છે કે તું સાવ ખોટી હતી. નવી મા વચન પાલક છે. જમવાની ના કહ્યા પછી કદી જમવાનું પણ પૂછતી નથી. જૂની મા વારંવાર ના કહેવા છતાં દરેકવાર મને જમાડ્યા વિના સુવા દેતી ન હતી. તેથી હું તેને સાવ ખોટી મા કહું છું. ના પાડી હોવા છતાં જમાડે તે મા તો ખોટી જ કહેવાય ને? મારી વાત સાંભળી હે મા મારો બાપ ચોધાર આંસુએ રડતો હતો.”હાસ્યકલાકારનો વ્યંગ ઘણું કહી જાય છે. જનેતા પોતાના બાળકને કદી ભૂખ્યો સુવડાવતી નથી એટલે તેને ઈશ્વરની ઉપમા આપણા સાહિત્યકારો આપે છે. ઇશ્વર ભલે આપણને ગમે તેવા દુ:ખ મોકલી આપણી પરીક્ષા કરતો હોય. તેમાંથી ઉગારવાનું કામ પણ ઈશ્વર પોતે જ કરતો હોય છે. જીવની શી તાકાત છે?
મમતાનો સાગર બની ધરતી પર ઊતરી આવેલી, મારી જનેતા અજવાળીબહેન અને સમગ્ર વિશ્વની માતાઓને મારા શત–શત વંદન…
લેખક: લાભુભાઈ ટી. સોનાણી