પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે રાષ્ટ્રીય મહિલા
આયોગના સભ્ય સુશ્રી ડૉ.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને વુમન સેફ્ટી એન્ડ સાયબર ક્રાઈમ્સ
વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો. આજના ડિઝીટલ યુગમાં મહિલાઓ વિરૂદ્ધ સોશિયલ
મિડીયા જેવા માધ્યમો દ્વારા થતી ગુનાખોરી અટકાવવા અને તે અંગે જાગૃતિ કેળવવા માર્ગદર્શન
આપવામાં આવ્યું.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુશ્રી ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે, માત્ર સેક્સ્યુઅલ
હેરેસમેન્ટ કે ડોમેસ્ટીક વાયોલન્સ જેવા ગુના જ મહિલાઓ સાથે થતી ગુનાખોરી નથી. આજે આપણે
સાયબર સિટીઝન બન્યા છીએ ત્યારે સાયબર ક્રાઈમ શું છે, સાયબર ક્રાઈમનો ભોગ બનનારે શું કરવું,
ક્યાંથી અને કોની મદદ લેવી તેની જાણકારી હોવી જરૂરી છે. સાથે સાથે ડિઝીટલ ડિસીપ્લિન અને
વેલનેસ જાળવી સાયબર ક્રાઈમનો ભોગ બનવાની શક્યતાઓ નિવારવા અપીલ કરી હતી.
વધુમાં સુશ્રી ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું કે, “Think before you Click, Think before you
Post, Think before you Chat” સુત્ર સાથે ડિઝીટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ,
સ્ટેટસ કે ફોટોગ્રાફ એક વખત સોશિયલ મિડિયા પર મુક્યા પછી તે હંમેશ માટે રહે છે, માટે તેનો
ઉપયોગ ખુબ સમજદારીપૂર્વક થાય તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ. ઉપરાંત પોતાની સંભાળ
રાખનાર માતા-પિતા પર વિશ્વાસ રાખી તેમની સલાહ માનો. સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા
ડિજીટલ ડિસીપ્લીન સાથે બિહેવીયરલ ડિસીપ્લીન પણ એટલી જ જરૂરી છે. મહિલાઓએ સ્વચ્છંદી
નહીં પણ સંસ્કૃતિની મર્યાદામાં રહી વિકાસ કરવાનો છે.
આઈ.ટી.એક્ટ હેઠળ સાયબર ક્રાઈમના વિવિધ પાસાઓ, તે માટે સજાની જોગવાઈઓ જેવા
મુદ્દાઓ અંગે ઉદાહરણ સાથે વિસ્તૃત છણાવટ કરી ડૉ.રાજુલબેન દેસાઈએ સોશિયલ મિડિયાના
ઉપયોગ વિશે જાગૃત થવા અનુરોધ કરી મહિલા દિવસરૂપી શક્તિપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાસંગીક ઉદબોધન કરતાં પાટણ જિલ્લા ન્યાયાલયના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જજશ્રી
એ.કે.ગુપ્તાએ જણાવ્યું કે, મહિલાઓના સરળ સ્વભાવ અને વર્તનના કારણે તે આસાનીથી
ગુનાખોરીનો ભોગ બને છે. પરંતુ મૂળરૂપે ક્રાઈમની સાથે વુમન સાયકોલોજી અંગે પણ માર્ગદર્શન
એટલું જ જરૂરી છે. સમાજ અને સરકારની સાથે સાથે સલામતીની જવાબદારી આપણી પોતાની પણ
છે. સોશિયલ મિડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર
ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની
કમિટિ અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દ્વારા વુમન સેફ્ટી એન્ડ સાયબર ક્રાઈમ્સ વિષય પર યોજાયેલા
એક દિવસીય સેમિનારમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર ૧૯ જેટલી વિદ્યાર્થીનીઓને
મહાનુભાવોના હસ્તે WOW (Wonderful Outstanding Women) એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે પાટણ ન્યાયાલયના જજશ્રી વિશાલ ગઢવી, HNGUના કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરા,
નિવૃત્ત આઈ.પી.એસ. સુશ્રી ડૉ.મીરા રામનિવાસ, મહિલા વૈજ્ઞાનિક સુશ્રી અંજલીબેન પટેલ, HNGUના
કાયદા વિભાગના ડીનશ્રી ડૉ.એ.એમ.શ્રોફ, જી.એલ.એસ.ના ચેરમેન સુશ્રી ડૉ.મયુરીબેન પંડ્યા, કમિટિ
અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કો-ઓર્ડિનેટર સુશ્રી સંગીતાબેન શર્મા, પાટણ CWCના ચેરપર્સન
સુશ્રી મધુબેન સેનમા, પાટણ પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ સેલના તજજ્ઞ સુશ્રી રોશનીબેન
પટેલ, યુનિવર્સિટીના વિવિધ વિભાગના પ્રાધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.