ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી થયા બાદ ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર નારાજ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નારાજ અલ્પેશને મનાવવા હાર્દિક પટેલે અચાનક જ બુધવારે ઠાકોરના ધારાસભ્ય ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને ઠાકોરની નારાજગી દૂર કરવા પ્રયત્ન કર્યો હતો તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
જોકે ઠાકોરે જણાવ્યું કે, મારી નારાજગીની ચર્ચા એ ચોક્કસ તત્ત્વો દ્વારા ફેલાવાઈ રહેલી અફવા માત્ર છે. કારણ કે હું અને અમિત ચાવડા અંગત મિત્રો છીએ અને મંગળવારે રાત્રે દિલ્હીથી પરત આવ્યા બાદ મેં અને અમિત ચાવડાએ મોડી રાત્રી સુધી સાથે બેસીને આગામી દિવસોમાં સંગઠનલક્ષી ભવિષ્યની રણનીતિની ચર્ચા કરી હતી. આ અંગે હાર્દિક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
જોકે ચાલી રહેલી ચર્ચા અને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભરતસિંહ સોલંકીનું રાજીનામું નિશ્ચિત હતું ત્યારથી અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજના નેતા તરીકે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે તક મળે તે માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતા.
આ અંગે દિલ્હીમાં પણ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા હતા તેમજ થોડા દિવસો પહેલાં એક ખાનગી ક્લબમાં પણ પોતાના ચુસ્ત એવા ૧ હજાર સમર્થક અને કૉંગ્રેસના ઠાકોર સમાજના અન્ય આગેવાનોની એક બેઠક યોજીને કૉંગ્રેસ હાઈકમાન્ડ સુધી પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાઈકમાન્ડે કોઈ દાદ આપી ન હતી.
મને હાઈકમાન્ડે રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારીની ઓફર કરી છે. મોટાં રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીમાં પણ ચોક્કસ જવાબદારી ઉપાડવા અંગેની મારી ઇચ્છા પુછાઈ છે, પરંતુ મેં ના પાડી છે. કારણ કે રાધનપુર જેવા અતિપછાત વિસ્તારમાંથી ચૂંટાઈ આવવાને કારણે મારી જવાબદારી વધી જાય છે. મારી પ્રાથમિકતા મારા મતવિસ્તારનો વિકાસ કરવાની છે. તેથી મેં રાષ્ટ્રિય સ્તરની જવાબદારી ઉપાડવાની અશક્તિ દર્શાવી છે. આથી મારી પ્રદેશ પ્રમુખ બનવા અંગેની ઇચ્છાને લઈને ચાલતી ચર્ચાઓ પક્ષમાં ફૂટ પડાવવાના કેટલાંક ચોક્કસ તત્ત્વોના મલિન ઇરાદા સિવાય બીજું કઈં જ નથી.